હઝકિયેલ
પ્રકરણ 9
ત્યાર પછી તેણે મોટા અવાજે કહ્યું, “હે શહેરને સજા કરનારાઓ, તમારાં શસ્ત્રો લઇને આ બાજુ આવો.”
2 અને અચાનક મંદિરની ઉત્તરે આવેલા ઉપરના દરવાજામાંથી છ માણસો આવ્યાં. દરેકના હાથમાં સંહારક હથિયાર હતું. તેમની સાથે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો અને કલમ લટકાવેલા હતાં. તે બધા મંદિરમાં પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા.
3 ત્યાર બાદ ઇસ્રાએલના દેવનો મહિમા કરૂબો ઉપરથી ઊઠયો જ્યાં તે પહેલા હતો અને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો, યહોવાએ કમરે લહિયાના સાધનો લટકાવેલા સુતરાઉ રેસાના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવીને કહ્યું,
4 “યરૂશાલેમમા ચારેબાજુ સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર નિશાની કર.”
5 ત્યાર બાદ મેં યહોવાને બીજા માણસોને એમ કહેતાં સાંભળ્યાં કે, “નગરમાં તમે એની પાછળ પાછળ જાઓ અને હત્યા કરવાનું શરૂ કરો, કોઇ પણ પ્રકારની કરૂણા કરશો નહિ, ને તેમના માટે દયા રાખશો નહિ.
6 વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો સર્વનો સંહાર કરો; પણ જેઓના કપાળ પર નિશાની હોય તેવા કોઇને અડશો નહિ, મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.
7 પછી દેવે તેઓને કહ્યું, “મંદિરને ષ્ટ કરો. હત્યા થયેલાઓનાં મૃતદેહોથી મંદિરનો ચોક ભરી દો.” અને હમણાં જ જાઓ, એટલે તેમણે શહેરમાં જઇને લોકોની હત્યા કરી.
8 જ્યારે એ લોકો હત્યા કરતા હતા ત્યારે હું એકલો પડ્યો હતો. મેં સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું, “હે મારા માલિક યહોવા યરૂશાલેમ પર જ્યારે તમે તમારો રોષ ઠાલવો છો ત્યારે તમે ઇસ્રાએલમાં બાકી બચેલાઓને સંહાર કરવાના છો?”
9 તેથી દેવે જવાબ આપ્યો: “ઇસ્રાએલના તથા યહૂદાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રકતપાત અને અધમતાથી ખદબદે છે. તેઓ માને છે કે ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે. અને તેઓ અમને જોતા નથી!’
10 તેથી હું તેઓ પર સહાનુભૂતિ બતાવીશ નહિ કે દયા કરીશ નહિ. તેમણે જે કાંઇ કર્યું છે તેમના માટે હું તેઓને સજા કરીશ.”
11 એટલામાં કમરે લેખનનાં સાધનવાળો સુતરાઉ વસ્રો પહેરેલા માણસે આવીને જણાવ્યું કે, “તમારા હુકમ પ્રમાણે મેં કર્યું છે.”