હઝકિયેલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48


પ્રકરણ 38

મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, માગોગ દેશમાંના જરોશ, મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ તરફ તારું મુખ રાખ્ અને તેની વિરુદ્ધ પ્રબોધ કર.
3 તેને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ, હું તારી સામે પડ્યો છું.
4 હું તારા જડબામાં આંકડી નાખીને તને પાછો ફેરવીશ; તારા, ભભકાદાર વસ્ત્રો સજેલા ઘોડાને, શસ્ત્રસજ્જ ઘોડેસવારોને અને નાનીમોટી ઢાલોથી સજ્જ અને તરવાર ચલાવતી તારી સમગ્ર સેનાને ઘસડી જઇશ.
5 એ સેનામાં ઇરાનના, કૂશના અને પૂટના માણસો છે અને તે બધા ઢાલ અને ટોપથી સજ્જ છે.
6 તારી સાથે ગોમેર દેશની આખી સેના છે, છેક ઉત્તરના બેથ-તોગાર્માહની સમગ્ર સેના છે અને બીજી અનેક પ્રજાઓના માણસો પણ છે.
7 “‘હે ગોગ, તું તૈયાર રહેજે, તું તેઓનો સરદાર છે, સમગ્ર સેનાને તૈયાર રાખજે.
8 લાંબા સમય પછી એવો વખત આવશે જ્યારે તને હાંકલ કરવામાં આવશે, ઘણાં વષોર્ પછી તું એવા દેશ પર ચઢાઇ કરીશ, જ્યાંના મોતમાંથી ઊગરી ગયેલા વતનીઓને જુદી જુદી પ્રજાઓમાંથી ફરી એકઠાં કરવામાં આવ્યાં હશે. લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ, જ્યાં લોકોને અનેક પ્રજાઓમાંથી ફરી એકઠા કરવામાં આવ્યાં હશે, લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ. જ્યાં અનેક પ્રજાઓમાંથી આવેલા લોકો શાંતિને સુરક્ષિત રીતે રહેતાં હશે.
9 તું, તારી વિશાળ સેના તથા તારી સાથે લડનારી બીજી પ્રજાઓના લોકો વાવાઝોડાની જેમ આવી પહોંચી દેશમાં વાદળની જેમ છવાઇ જશો.”‘
10 યહોવા મારા માલિક ગોગને કહે છે; “એ સમયે તારા મનમાં ભૂંડા વિચારો આવશે અને તું દુષ્ટ યોજના વિચારી કાઢશે.
11 તને થશે, ‘હું આ અરક્ષિત દેશ પર ચઢાઇ કરું અને એના દિવાલો કે દરવાજા કે લોખંડના સળીયા વગરના નગરોમાં અને ગામોમાં શાંતિ અને સલામતીમાં વસતા લોકો પર હુમલો કરું.
12 એકવાર ખંડિયેર થઇ ગયેલા એ નગરોમાં ઘણાં દેશોમાંથી પાછા ફરેલા બધાં ઇસ્રાએલી લોકો વસે છે. હવે તેઓ પાસે પુષ્કળ ઢોરઢાંખર અને વિપુલ સંપત્તિ છે. હવે તેઓ બીજી બધી જાતિઓના કેન્દ્ર સ્થાને છે. હું તેઓ પર હુમલો કરીશ અને ઢોરઢાંખર તથા મિલકત લૂંટી લઇશ અને ખૂબ લૂંટ ભેગી કરીને લઇ જઇશ.’
13 “શેબા અને દેદાનના લોકો તથા તાશીર્શના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી ઉપાડી જવા માટે અને ઢોરઢાંખર અને માલસામાન ઉઠાવી જવા અને ભારે સંપત્તિ લૂંટી જવા માટે સેના ભેગી કરી છે?”‘
14 તેથી દેવ કહે છે, “હે મનુષ્યના પુત્ર, તું ગોગને મારી વાણી સંભળાવ, અને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘જે વખતે મારા લોકો ઇસ્રાએલીઓ શાંતિ અને સુરક્ષિત રીતે રહેતા હશે.
15 તું ઉત્તરના છેડામાં આવેલા તારા સ્થાનેથી અનેક પ્રજાઓમાંથી એકઠા કરેલા વિશાળ અને પરાક્રમી ઘોડેસવાર સૈન્યને લઇને આક્રમણ કરવા આવશે.
16 તું મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર ચઢી આવશે અને આખા દેશ ઉપર વાદળની જેમ છવાઇ જશે. હવે પછી હું તને મારા દેશ ઉપર ચઢાઇ કરવા માટે મોકલીશ, જેથી હે ગોગ, તારી મારફતે મેં બતાવેલો મારી પવિત્રતાનો પરચો જોઇને બધી પ્રજાઓ જાણે કે હું કોણ છું.”‘
17 “ભૂતકાળમાં મારા સેવકો ઇસ્રાએલના પ્રબોધકો મારફતે મેં જ્યારે એવી વાણી ઉચ્ચારાવી હતી કે, હું કોઇ પાસે ઇસ્રાએલ ઉપર હુમલો કરાવીશ, ત્યારે મારા મનમાં તું જ હતો.” આ યહોવા મારા માલિકના વચન છે.
18 યહોવા મારા માલિક કહે છે: “તે દિવસે, જ્યારે ગોગ ઇસ્રાએલ પર ચઢાઇ કરશે, ત્યારે મારો રોષ ભભૂકી ઊઠશે.
19 મારા પુણ્યપ્રકોપમાં અને મારા ક્રોધાજ્ઞિમાં હું પ્રતિજ્ઞા કરું છું કે, તે દિવસે ઇસ્રાએલમાં ભયંકર ધરતીકંપ થશે.
20 મને જોઇને દરિયાની માછલીઓ, આકાશના પંખીઓ, જંગલના પ્રાણીઓ અને પેટે ચાલનારા જીવો તેમજ પૃથ્વી પરનાં બધાં માણસો ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે, અને ખડકો ધસી પડશે અને ભીંતો ભોંયભેગી થઇ જશે.”
21 યહોવા મારા માલિક કહે છે, “હું ગોગને બધી જાતની આફતોથી ખડભડાવી મૂકીશ. આ હું યહોવા તમારો માલિક બોલું છું. તેના માણસો અંદરો અંદર તરવાર ચલાવશે.
22 હું તેની સાથે, તેના સૈન્ય સાથે અને તેની સાથેના બધા લોકો ઉપર રોગચાળા અને મૃત્યુથી, મૂશળધાર વરસાદથી, કરાંના તોફાનોથી અને તેમની ઉપર ગંધક બાળીને, ન્યાય કરીશ.
23 આ રીતે હું તમામ પ્રજાઓને બતાવીશ કે હું કેવો મોટો અને પવિત્ર છું અને ત્યારે તેમને જાણ થશે કે હું યહોવા છું.”