હઝકિયેલ
પ્રકરણ 4
દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એક મોટી ઇંટ લઇ તારી સામે મૂક, અને તેના પર યરૂશાલેમનો નકશો દોર.
2 પછી તેને ઘેરો ઘાલ, તેના ફરતે ખાઇ બનાવ, હુમલો કરવા માટે માટીના ગઢ ઊભા કર. છાવણી ઊભી કર અને ચારે બાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ.
3 વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે.
4 “પછી તારા ડાબા પડખે સૂઇ જા, અને તારે ઇસ્રાએલનાં લોકોના અપરાધની ઘોષણા કરવી પડશે, તું જેટલા દિવસ ડાબે પડખે સૂઇ રહેશે તેટલા દિવસ ઇસ્રાએલના પાપોના અપરાધની ઘોષણા કરવી જોઇશે.
5 મેં તેઓના પાપોના વરસોની સંખ્યા નક્કી કરી છે જેવી રીતે તારા માટે દિવસોની સંખ્યા નક્કી કરી છે. તેથી ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇસ્રાએલ પ્રજાના અપરાધની ઘોષણા કરશે.
6 “આ પ્રમાણે કર્યા પછી તારે તારા જમણા પડખે સૂઇ જવું અને યહૂદિયાના લોકોના પાપોની ઘોષણા કરવી. દરેક વરસને માટે એક દિવસ એમ 40 દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે. તેટલા દિવસો સુધી યહૂદાના પાપો અને અપરાધની ઘોષણા કરજે.”
7 “ત્યાર બાદ તારે યરૂશાલેમના ઘેરા તરફ એકીટશે જોઇ રહેવું. અને એ શહેરના વિનાશનું ભવિષ્ય ભાખવું.
8 હું તને દોરડાં વડે બાંધી દઇશ, જેથી ઘેરો પૂરો થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.”
9 “ત્યારપછી તારે, ઘઉં, જવ, વટાણા, ચોળા, મઠ અને બાજરીનો લોટ લઇ એક જ વાસણમાં નાખી તેમાંથી રોટલા બનાવવા. જ્યારે તું ત્રણસોને નેવું દિવસ સુધી સૂઇ રહીશ ત્યારે તારે ફકત એ જ ખાવાનું છે.
10 તારે દરેક વખતે ભોજન તોળીને ખાવું પડશે. તને દરરોજ એક કપ લોટની રોટલી બનાવીને. દિવસ દરમ્યાન નક્કી કરેલા ચોક્કસ સમયે તું ખાઇ શકીશ.
11 તારે જળપાન પણ માપીને જ કરવું, આખા દિવસના બે પ્યાલા.
12 તારે બધાની હાજરીમાં માણસનો સુકાયેલો મળ સળગાવવો અને તેના ઉપર જવના રોટલાં શેકવા.”
13 યહોવા જાહેર કરે છે કે “ઇસ્રાએલીઓને હું જે દેશોમાં બંદીવાન તરીકે લઇ જઇશ ત્યાં તેઓ આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે!”
14 પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી.
15 ત્યારે તેમણે મને કહ્યું, “હું તને માનવમળને બદલે છાણાં ઉપર રોટલા શેકવાની છૂટ આપું છું.”
16 એટલે તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું યરૂશાલેમનો અનાજનો ભંડાર ખાલી કરી નાખનાર છું, ત્યાંના લોકો ચિંતામાંને ચિંતામાં તોળી તોળીને ખાશે અને ભયના માર્યા માપી માપીને પાણી પીશે. બધા જ ભયભીત થઇ જશે.
17 હું ખોરાક અને પાણીની અછત ઊભી કરીશ, પછી તેઓ હતાશ થઇ જશે અને પોતાના પાપોને કારણે તેઓ કરમાઇ જશે અને વેડફાઈ જશે.