હઝકિયેલ
પ્રકરણ 6
યહોવાની વાણી મને ફરીથી સંભળાઇ:
2 “તેણે કહ્યું હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને તેમને મારા વચનો સંભળાવ:
3 “‘હે ઇસ્રાએલના પર્વતો, યહોવા મારા માલિકનો સંદેશો સાંભળો, યહોવા મારા માલિક પર્વતોને અને ડુંગરોને અને ખીણોને કહે છે; હું યહોવા તમારા પર યુદ્ધ લાવીશ અને તમારા ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ.
4 તમારી વેદીઓ તોડી પાડવામાં આવશે અને તમારી ધૂપવેદીઓ ભાંગી નાખવામાં આવશે. અને હું તમારા મૃતદેહોને તમારી અપવિત્ર મૂર્તિઓ આગળ નીચે પાડી દઇશ.
5 હું ઇસ્રાએલનાં લોકોના મૃતદેહો તેમની અશુદ્ધ મૂર્તિઓ સમક્ષ નાખીશ અને તેમના હાડકાંને તેમની વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.
6 ઇસ્રાએલના સર્વ નગરોને ખંડિયેર બનાવી દેવામાં આવશે અને તમારા મૂર્તિપૂજાના થાનકોને ભોંયભેંગા કરવામાં આવશે; તમામ વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે અને ધુપદાનીઓને તોડી નાખવામાં આવશે; તમારી એકેએક વસ્તુનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે.
7 તમારી ચારેબાજુ હત્યા થશે, ત્યારે જેઓ બચી જશે તેઓ જાણશે કે હું યહોવા છું.”‘
8 દેવે કહ્યું, “પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઇશ, તેઓ હત્યામાંથી બચી જશે.
9 અને પછી તેઓ વિદેશી પ્રજાઓમાં વેરવિખેર થઇ દેશવટો ભોગવશે. ત્યાં તેઓ મને યાદ કરશે અને તેમને સમજાશે કે તેમના હૃદયો દગાબાજ નીવડી મૂર્તિઓ ઉપર મોહી પડ્યા હતાં તેથી તેમને શરમાવવા માટે મેં તેમને સજા કરી હતી. આમ, પોતે કરેલાં ધૃણાજનક કૃત્યો બદલ તેમને પોતાના પર તિરસ્કાર થશે.
10 અને તે રીતે તેઓને ખાતરી થશે કે હું એકલો જ યહોવા છું; અને હું તેઓને કહેતો હતો કે આ સર્વ વિપત્તિઓ તમારા પર લાવીશ. તે મેં અમસ્તુ કહ્યું ન હતું.”
11 યહોવા મારા માલિકે કહ્યું, “ઇસ્રાએલના લોકોએ તિરસ્કૃત દુષ્કૃત્યો કર્યા છે માટે હાથ અફાળીને, પગ પછાડીને ઘૃણાથી બડબડાટ કરો, એ લોકો યુદ્ધથી, ભૂખમરાથી અને રોગચાળાથી મૃત્યુ પામશે.
12 જેઓ બંદીવાસમાં છે તેઓ માર્યા જશે, જેઓ ઇસ્રાએલ દેશમાં છે તેઓ યુદ્ધમાં માર્યા જશે અને બાકીના જેઓ ઘેરાબંધીની અંદર છે તેઓ દુકાળમાં માર્યા જશે. અને તેથી આમ હું તેમના પર મારો ગુસ્સો ઉતારીશ.
13 મૂર્તિઓની ફરતે વેદીઓની આસપાસ એકેએક પર્વતની ટોચ પર, એકેએક ઘટાદાર ઝાડ નીચે, એકેએક વૃક્ષ નીચે, ટૂંકમાં જ્યાં જ્યાં તેઓ મૂર્તિને બલિ ચઢાવે છે ત્યાં ત્યાં તેમના કપાઇને પડેલા મડદાં રઝળશે.
14 ત્યારે હું તેમને શિક્ષા કરીશ અને તેમના સમગ્ર પ્રદેશને વેરાન વગડો બનાવી દઇશ. રણમાં આવેલા રિબ્બાથી માંડીને દરેક પ્રદેશ જ્યાં તેઓ રહ્યાં હતાં તેનો વિનાશ થશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”