હઝકિયેલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48


પ્રકરણ 46

આ યહોવા મારા માલિકના વચન છે: “અંદરના ચોકનો પૂર્વનો દરવાજો કામ કરવાના છ દિવસોએ બંધ રહેશે, પરંતુ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શને દિવસે તેે ઉઘાડો રાખવો.
2 રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.
3 દરેક સાબ્બાથ અને ચંદ્રદર્શન દિવસે બધા લોકોએ પણ દરવાજા આગળ નીચા નમીને યહોવાની ઉપાસના કરવી.
4 સાબ્બાથને દિવસે રાજકુમારે દહનાર્પણ તરીકે યહોવા સમક્ષ ખોડખાંપણ વગરના છ ઘેટા તથા ખોડખાંપણ વગરનો એક મેંઢો લાવવો.
5 દરેક ઘેટાં સાથે સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક મેંઢા સાથે જે કઇં ચઢાવવું હોય તે લાવવું, ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ લાવવું.
6 ચંદ્રદર્શન દિવસે તેણે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરના છ ઘેટા અને એક મેંઢો ધરાવવા.
7 પ્રત્યેક વાછરડા અને મેંઢા દીઠ સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક ઘેંટા દીઠ યથાયોગ્ય અર્પણ ચઢાવવું ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ પણ ચઢાવવું.
8 “સરદાર અંદર આવે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઇને દાખલ થવું અને એ જ રસ્તે બહાર નીકળવું.
9 “પરંતુ ઉત્સવને દિવસે જ્યારે લોકો યહોવાની ઉપાસના કરવા આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી દાખલ થાય તેઓ ભજન પછી દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણને દરવાજેથી દાખલ થાય તેઓ ઉત્તરના દરવાજેથી, તેઓ જે રસ્તે આવ્યા હોય તે રસ્તે પાછા ન જાય, તેઓએ સામેના દરવાજેથી જવું.
10 રાજકુમારે પણ તેમની સાથે તેમની જેમ જ અંદર આવવું અને તેમની જેમ જ બહાર જવું.
11 “ ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં દરેક બળદ કે મેંઢા દીઠ ખાદ્યાર્પણ તરીકે સત્તર કિલો અનાજ અને દરેક ઘેટા દીઠ યથાશકિત અર્પણ ચઢાવવું, એ ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ સાથે ત્રણ લીટર તેલ અર્પણ કરવું.
12 “રાજકુમાર ઐચ્છિકાર્પણ તરીકે કે દહનાર્પણ કે શાંત્યર્પણ ચઢાવવા ઇચ્છતો હોય ત્યારે તેને માટે અંદરના ઓસરીનો પૂર્વનો દરવાજો ખોલવો, તેણે એ બલિદાન અર્પણ કરવું અને તેના બહાર ગયા પછી દરવાજો પાછો બંધ કરી દેવો.”
13 “દરરોજ યહોવાને દહનાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષની ઉંમરનો ઘેટો ચઢાવવો, પ્રતિદિન સવારે આ અર્પણ કરવું.
14 એની સાથે દરરોજ સવારે ત્રણ કિલો જેટલો લોટ અને તેને મોહવા માટે એક લિટર જેટલું તેલ ચઢાવવું. આ ખાદ્યાર્પણ યહોવાને ચઢાવવું એ કાયમનો નિયમ છે.
15 દરરોજ સવારે યહોવાને ખાદ્યાર્પણ તરીકે એક ઘેંટુ અને ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવવાં.”
16 આ યહોવા મારા માલિકના વચન છે, “જો કોઇ રાજકુમાર પોતાના પુત્રને કઇં ઉપહાર આપે, તો તેના પુત્રની માલિકી ગણાય કારણ કે તે મિલકત કુટુંબની વારસાગત મિલકતનો ભાગ હશે.
17 પણ જો રાજકુમાર એવો ઉપહાર પોતાના કોઇ સેવકને આપે તો તેની માલિકી તે સેવક પાસે ઋણમુકિતના વર્ષ સુધી રહે. અને ત્યાર બાદ તે પાછી રાજા પાસે જાય. એ તેના પુત્રોની મિલકત ગણાય અને તેની માલિકી તેઓની ગણાય.
18 રાજકુમારે લોકોની કોઇ મિલકત લઇ લેવી નહિ, તેણે પોતાને મળેલી જમીનમાંથી પોતાના પુત્રોને જમીન આપવી જેથી મારા લોકોમાંથી કોઇને પોતાની મિલકત ખોવાનો વખત આવે નહિ.”
19 ત્યાર બાદ તે માણસ મને અંદરના ચોકમાં ઉત્તર તરફ યાજકો માટે જુદી રાખેલી ઓરડીઓ આગળ લઇ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ચિમ બાજુએ એક જગ્યા બતાવીને કહ્યું,
20 “આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ અને પાપાર્થાર્પણ માંસ રાંધશે અને ખાદ્યાર્પણની રોટલી શેકશે અને તેને તેઓ બહારના પ્રાંગણમાં બહાર લઇ આવશે તોપણ તે લોકોમાં પવિત્રતા ફેલાવશે નહિ.”
21 ત્યાર બાદ તે માણસ મને બહારના ચોકમાં લઇ જઇને તેને ચારે ખૂણે લઇ ગયો. એ દરેક ખૂણામાં એકએક ચોક હતો.
22 એ દરેક ચોક માપમાં સરખા હતાં; 40 હાથ લાંબા અને 30 હાથ પહોળા,
23 એ દરેકની આસપાસ ભીંત હતી અને ભીંતને અડીને રાંધવાના ચૂલાઓ હતા.
24 તે માણસે મને કહ્યું, “આ તો રસોડા છે, જ્યાં મંદિરના સેવકોએ લોકોના બલિદાનો રાંધવાના હતાં.”