હઝકિયેલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48


પ્રકરણ 32

યહોયાકીન રાજાને બંદીવાન થવાને બારમે વરસે બારમા મહનિના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન માટે વિલાપ ગીત ગા અને તેને કહે કે:“‘તું પોતાને પ્રજાઓનો સિંહ માને છે, પણ તું છે પાણીમાંના મગર જેવો. તું નદીનું પાણી ચારેબાજુ ઉડાડે છે, તારા પગથી પાણી અશુદ્ધ કરી નાખે છે અને નદીના પાણી દૂષિત કરે છે.”‘
3 યહોવા મારા માલિક કહે છે: “તને મારી જાળમાં પકડી લેવા માટે હું ઘણી પ્રજાઓનું સૈન્ય મોકલીશ, તેઓ તને ખેંચી લાવશે,
4 હું તને ખુલ્લી જમીન પર પછાડીશ અને ભલે પશુપંખીઓ તારી પર આવે, બધાં પ્રાણીઓને તેઓ ધરાઇ જાય ત્યાં સુધી તારું માંસ ખાવા દઇશ.
5 હું ટેકરીઓને તારા માંસના ટુકડાઓથી ઢાંકી દઇશ અને ખીણોને તારા હાડકાથી ભરી દઇશ.
6 તારા લોહીથી હું ધરતીને તર કરી દઇશ. તારા લોહીથી પર્વતો છંટાઇ જશે અને નદીનાળા ઊભરાઇ જશે.
7 જ્યારે હું તને હોલવી દઇશ ત્યારે હું આકાશને ઢાંકી દઇશ, અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઇશ અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.
8 હું આકાશના બધા નક્ષત્રોને અંધકારમાં ડુબાડી દઇશ અને તારા આખા દેશમાં અંધકાર ફેલાવી દઇશ.” આ યહોવા મારા માલિકના વચન છે.
9 “અને હું ઘણા દેશોને ક્રોધિત કરીશ; જ્યારે હું તારા ટુકડાઓને એવા ભૂમિ પ્રદેશોમાં નાંખી દઇશ, જેના વિષે તું હજી જાણતો નથી.
10 તારા હાલ જોઇને તેઓ આઘાત પામશે. તેમના રાજાઓ પોતાની સામે મારી તરવારને ઘૂમતી જોઇ ભયભીત થઇ જશે. તારા પતનના દિવસે તેઓ બધા પોતાનો જીવ જવાના ભયથી થથરી જશે.”
11 કારણ કે યહોવા મારા માલિક કહે છે; “બાબિલના રાજાની તરવાર તારો પીછો પકડશે.
12 હું બાબિલના રાજાના અતિ હિંસક વિશાળ સૈન્ય દ્વારા તારો વિનાશ કરીશ, અને તેઓ મિસરની મિલકતને લૂંટી લેશે. અને આખી સેનાનો નાશ કરી નાખશે.
13 તારી નદીઓ પાસે ચરનાર તારાં સર્વ ઘેટાંબકરાં અને ઢોરઢાંખરનો હું નાશ કરીશ. કોઇ માણસ કે પશુ જીવતા નહિ હોય કે જે તે પાણીને ડહોળે.
14 હું તારા બધાં જળાશયોને ઠરીને સ્વચ્છ થવા દઇશ અને તારી નદીઓને જૈતૂનના તેલની જેમ શાંતપણે વહેતી કરીશ.” યહોવા મારા માલિકે આ કહ્યું.
15 “જ્યારે હું મિસરને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ અને ત્યાંની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
16 “મિસરના દુ:ખોને લીધે તેઓ વિલાપ ગીતો ગાશે. મિસર અને તેની પ્રજા માટે રાષ્ટોની દીકરીઓ મરશિયા ગાશે.” આ યહોવા મારા માલિકના વચન છે.
17 ત્યાર બાદ બારમા વર્ષમાં મહિનાના પંદરમાં દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
18 “હે મનુષ્યના પુત્ર, મિસરની સમગ્ર સેના માટે શોક કર. શેઓલમાં નીચે ઉતરતાં બીજા મજબૂત લોકોની સાથે તું તેઓને નરકમાં મોકલી આપ.
19 તેને કહે, “હે મિસર, તું સૌદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે? નીચે ઉતરી જા, અને બેસુન્નતોની કબરમાં જઇને પોઢી જા.”
20 “મિસરને તરવારને સુપ્રત કરવામાં આવશે. તે અને તેની સમગ્ર સેના યુદ્ધમાં મરી ગયેલાઓ વચ્ચે પહોંચી જશે.
21 “જ્યારે તે પોતાના સર્વ મિત્રો સાથે કબરમાં જશે ત્યારે પરાક્રમી યોદ્ધાઓ ત્યાં તેઓનું સ્વાગત કરશે. જે પ્રજાઓનો તેણે ધિક્કાર કર્યો હતો તેઓની સાથે તે રહેશે. એ બધા તરવારથી માર્યા ગયેલાઓ છે.
22 “આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે. તેની આસપાસ તેના સર્વ લોકોની કબરો આવેલી છે. તે સર્વ તરવારથી માર્યા ગયા હતા.
23 તેઓની કબરો નીચે નરકમાં છે અને તેઓના સૈન્યની કબરો ત્યાં ચારે તરફ છે. લોકોને ત્રાસ પમાડનાર પોતે જ શત્રુઓના હાથે મૃત્યુ પામ્યા છે.
24 “એલામના મહાન રાજાઓ પણ ત્યાં પોતાના લોકોની સાથે મૃત્યુ પામેલા છે. તેઓ જીવતા હતા ત્યારે પ્રજાઓ માટે ત્રાસદાયક હતા. પરંતુ હવે તેઓ નરકમાં સબડે છે કબરમાં ઊતરી જનાર સામાન્ય માણસોની જેમ તેઓ લજ્જિત થયા છે.
25 એલામ યુદ્ધમાં માર્યા ગયેલાઓની વચમાં પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના યોદ્ધાઓની કબરો આવેલી છે. એ બધા વિશ્વાસઘાતી લોકો યુદ્ધમાં માર્યા ગયા હતા. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે બધાને ભયથી થથરાવી મૂકતા હતા. પણ અત્યારે તો તેઓ પોતાની લજ્જાની સાથે નરકમાં જઇને પડ્યાં છે, અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની દશા ભોગવે છે.
26 “મેશેખ અને તુબાલના રાજાઓ પણ ત્યાં છે અને તેઓની આસપાસ તેઓનાં સૈન્યોની કબરો છે. તેઓ બધા દુષ્ટો છે. એ વખતે બધા લોકોને તેઓ કંપાવતા હતા, પણ હવે તેઓ મરેલા પડ્યા છે.
27 પરંતુ પ્રાચીનકાળમાં રાજાઓને શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની ઢાલ તેમના શરીર પર મૂકીને તથા તેમની તરવાર તેમના માથાં નીચે મૂકીને મહાન આદર સાથે તેઓને દફનાવવામાં આવતાં હતાં. પરંતુ તું આદર સાથે મૃત્યુ પામીશ નહિ, પરંતુ તારા પાપ તારા હાડકાં પર રહેશે, કારણ જ્યારે તું જીવતો હતો ત્યારે તેં લોકોને ખુબજ હેરાન કર્યા હતા.
28 “પરંતુ, તને પણ બેસુન્નતોની સાથે મૃત્યુલોકમાં નીચે લઇ જવાશે અને તારી કબર જેઓ યુદ્ધમાં માર્યા ગયા છે તેમની સાથે હશે.”
29 “પોતાના રાજાઓ અને સેનાપતિઓ સહિત ત્યાં અદોમ પણ છે. એ બધા બળવાન યોદ્ધાઓ હતા. પરંતુ અત્યારે એ દુષ્ટો યુદ્ધમાં માર્યા ગયેલાઓ ભેગા પોઢયા છે.”
30 “ઉત્તરના સર્વ સરદારો ત્યાં છે, સર્વ સિદોનીઓની હત્યા થઇ છે. એક વખત તેઓ લોકોને કંપાવતા હતા, પણ અત્યારે તેઓ લજ્જિત થઇને મૃત્યુ પામ્યા છે. બીજા હત્યા થયેલા દુષ્ટોની સાથે તેઓ અપમાનિત થઇને દુષ્ટોની સ્થિતિમાં જ પૃથ્વીના ઊંડાણમાં પડ્યા છે.
31 “મિસરનો રાજા ફારુન એમને બધાને જોઇને યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સંખ્યાબંધ માણસોનાં મૃત્યુનો શોક ભૂલી જશે અને આશ્વાસન પામશે. એમ યહોવા મારા માલિક કહે છે.
32 “પ્રજાઓમાં ત્રાસ ફેલાવવા માટે મેં તેનો ઉપયોગ કર્યો હતો, છતાં તરવારથી હત્યા થયેલા સર્વ વિશ્વાસઘાતીઓ સાથે ફારુન અને તેના સૈન્યને પણ તરવારથી હણી કાઢવામાં આવશે.” એમ યહોવા મારા માલિક કહે છે.