હઝકિયેલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48


પ્રકરણ 28

મને યહોવાનું વચન આ પ્રમાણે સંભળાયું;
2 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.
3 છતાં તું દેવ હોવાનો દંભ કરે છે, તું એમ માને છે કે તું દાનિયેલ કરતા પણ ડાહ્યો છે. તારાથી કશું અજાણ્યું નથી.
4 તારા ડહાપણ અને તારા કૌશલથી તે સોનાચાંદીના ભંડાર ભર્યા છે.
5 તું વેપારમાં ઘણો કાબેલ છે. તેથી તું ઘણો ધનવાન થયો છે અને તે કારણે તું અભિમાની થયો છે.
6 તેથી યહોવા મારા માલિક કહે છે: તું દેવોના જેવો જ્ઞાની હોવાનો દાવો કરે છે.
7 તેથી હું તારા પર હુમલો કરવા માટે ઘાતકીમાં ઘાતકી પરદેશીઓને લઇ આવીશ. તેં તારી કુશળતાથી અને દાનાઇથી જે સંપત્તિ પ્રાપ્ત કરી છે તે બધાનો નાશ કરી, તેઓ તારી કીતિર્ને ઝાંખી પાડશે.
8 તેઓ તારા પ્રાણ લેશે અને તને નરકના ખાડામાં ધકેલી દેશે. અને સાગરને તળિયે પહોંચાડી દેશે.
9 તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે પણ તું એમ જ કહેતો રહીશ કે, “હું દેવ છું?” તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે. અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો છે.
10 તું બેસુન્નત વિદેશીની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે. તેથી મેં આમ કહ્યું છે.”‘ એમ યહોવા મારા માલિક કહે છે.
11 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.
13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક દૂત તરીકે નીમ્યો હતો. તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.
15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું, પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.
16 તારો વધતો જતો વ્યાપાર તને હિંસામાં અને પાપમાં ખેંચી ગયો. આથી મેં તને દેવના પવિત્ર પર્વત પરથી હાંકી મૂક્યો. જે દેવ દૂત તારું રક્ષણ કરતો હતો તેણે તને ઝળહળતાં રત્નોમાંથી તગેડી મૂકયો.
17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો અને તારી કીતિર્ને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી. મેં તને ભોંય ઉપર પટક્યો છે અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.
18 તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો અને ષ્ટતા આચર્યા કે તારા મંદિરો પણ ષ્ટ થઇ ગયા. આથી, હે તૂર, મેં તને આગ ચાંપી અને તને બાળીને ભોંયભેગો કરી દીધો. આજે તને જોનારા સૌ કોઇ તને ભસ્મીભૂત થયેલો જુએ છે.
19 જે પ્રજાઓ તને ઓળખતી હતી તે બધી તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગઇ છે. તારું પરિણામ ભયંકર આવ્યું છે, સદાને માટે તારો નાશ થયો છે.”‘
20 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
21 “હે મનુષ્યના પુત્ર, તું સિદોન તરફ મુખ કરીને તેની વિરુદ્ધ પ્રબોધ કર.
22 તેણીને કહે, ‘યહોવા મારા માલિક કહે છે: “‘હે સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારા સ્થાનમાં મારો મહિમા પ્રગટ કરીશ. તારામાં વસતા લોકોને સજા કરી હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું.
23 હું તારા પર મરકી મોકલીશ. તારી શેરીઓમાં લોહી વહેશે. કારણ, જેઓની હત્યા થઇ છે તેઓ ત્યાં પડ્યા છે. પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.”‘
24 યહોવાએ કહ્યું, “‘ઇસ્રાએલનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેને ભોંકાતા કાંટા કે ઝાંખરાની જેમ હેરાન નહિ કરે. અને ત્યારે તેઓને ખબર પડશે કે હું યહોવા તમારો માલિક છું.”‘
25 આ યહોવા મારા માલિકના વચન છે: “ઇસ્રાએલીઓને મેં જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખી છે, તે બધામાંથી હું તેમને પાછા લાવી એકત્ર કરીશ અને ત્યારે બધી પ્રજાઓને ખબર પડશે કે હું પવિત્ર છું. ઇસ્રાએલના લોકો, મેં મારા સેવક યાકૂબને આપેલી તેમની પોતાની ભૂમિમાં વસશે.
26 તેઓ ઇસ્રાએલમાં શાંતિપૂર્વક રહેશે, ઘરો બાંધશે અને દ્રાક્ષની વાડીઓ રોપશે. તેમની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓને હું સજા કરીશ અને તેઓ શાંતિથી રહેશે. ત્યારે તેઓને ખબર પડશે કે હું તેમનો દેવ યહોવા છું,”