પ્રકરણ 94

હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો, હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
2 હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
3 હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો? કેટલી વધારે?
4 તેઓ અભિમાન યુકત વાતો કરે છે; અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
5 હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
6 તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે; અનાથની હત્યા કરે છે.
7 તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી. યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
8 હે મૂર્ખ લોકો, ડાહ્યાં થાઓ! ઓ અજ્ઞાની લોકો તમે ક્યારે ડાહ્યાં થશો?
9 જે કાનનો ઘડનાર છે, તે નહિ સાંભળે? આંખનો રચનાર જે છે તે શું નહિ જુએ?
10 જે રાષ્ટોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી? દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા, દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ; અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.
16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં. પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે; તેઓ નિદોર્ષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે; અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે; અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે, યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.