પ્રકરણ 50

યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
2 સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
3 આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ, ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે, તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે. જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
5 જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે, એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
6 દેવ પોતે જ ન્યાયાધીશ છે. તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.
7 હે મારા લોકો, હું કહું તે સાંભળો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
8 મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે. તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
9 હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.
10 કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.
11 હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું, અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.
12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ, કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારુંં જ છે.
13 શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”
14 તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.
15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”
16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે, “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો? શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો, અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે. અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે, તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો !
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો, તમારા ટુકડા કરૂં તે પહેલા તમારે આ સમજવાનુ છે કે તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માગેર્ ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારંુ તારણ બતાવીશ.”