પ્રકરણ 144

યહોવા મારો ખડક છે, તેની સ્તુતિ કરો; તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે; તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
2 તે મારો ગઢ છે; મારો કિલ્લો છે; મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે; તે મારા રક્ષક છે; તે મારા લોકોને મારે તાબે કરે છે. યહોવા મારો સાચો પ્રેમ છે.
3 હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો? તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે. લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.
5 હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
6 વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય. તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો, મને બહાર ખેચી કાઢો, અને વિદેશીઓથી મને બચાવો.
8 તેઓ જૂઠું બોલે છે, તેઓ છેતરપિંડી કરે છે.
9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ, તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો; આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે તે લોકોથી તમે મને ઉગારો.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ; અને તે અમને હંમેશા મળતું રહે. અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ; સર્વત્ર શાંતિ વિસ્તરો; શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો. જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.