પ્રકરણ 126

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં; ત્યારે વિદેશીઓએ કહ્યું; “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો, અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે; તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે; તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.