પ્રકરણ 146

યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો, કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે, અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે; અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો, સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે, તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે, તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે. યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે; યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે, કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે; અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે; પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે. યહોવાની સ્તુતિ થાઓ!