ગીતશાસ્ત્ર
પ્રકરણ 21
હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે. તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે. તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે. અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો. તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો. અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે. અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે; માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે. છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે. તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ; અને તમારા મહાન કમોર્ની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.