પ્રકરણ 111

યહોવાની સ્તુતિ કરો! ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
2 યહોવાના કાર્યો મહાન છે; લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
3 તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે. અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
4 દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે. યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
5 તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે, અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
6 તેણે તેના લોકોને બીજા રાષ્ટોની જમીન આપી છે. અનેે આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
7 તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
8 કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે; તેઓ સદાને માટે અચળ છે.
9 દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે; અનેે તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.