યશાયા
પ્રકરણ 61
યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.
2 જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે.
3 તેણે મને સૌ દુ:ખીઓને સાંત્વના આપવા, તેમનો શોક હર્ષમાં ફેરવવા, એમનાં ભારે હૈયાને સ્તુતિનાં ગીતો ગાતાં કરવા મોકલ્યો છે. એ લોકો યહોવાએ પોતાના મહિમા માટે રોપેલાં ‘ધર્મનાં વૃક્ષો કહેવાશે.’
4 “પ્રાચીન ખંડેરોનો તેઓ જીણોર્દ્ધાર કરશે, અગાઉ ભોંયભેગા થઇ ગયેલાં મકાનોને ફરી ઊભા કરશે, પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને નવેસરથી બાંધશે.
5 “હે મારા લોકો, વિદેશીઓ તમારી સેવા કરશે, તેઓ તમારા ઘેટાંબકરાંને ચારશે અને તમારાં ખેતરોમાં મજૂરી કરશે.
6 પરંતુ તમે લોકો ‘યહોવાના યાજકો’ તથા આપણા ‘દેવના સેવકો’ ગણાશો. તમે બીજી પ્રજાઓની સમૃદ્ધિ ભોગવશો અને તેમની સંપત્તિથી શોભશો.
7 “તમારે બેવડી શરમ અનુભવવી પડી હતી, અપમાન અને તિરસ્કાર વેઠવાં પડ્યા હતાં; તેથી હવે તમને તમારા પોતાના દેશમાં બમણી સંપત્તિ પ્રાપ્ત થશે, અને તમે શાશ્વત આનંદ ભોગવશો.
8 યહોવા કહે છે, હું યહોવા ન્યાયને ચાહું છું, હું લૂંટ અને અયોગ્ય કાર્યને ધિક્કારું છું. હું દુ:ખ સહન કરતા મારા લોકોને વિશ્વાસુપણે બદલો આપીશ અને તેઓની સાથે સદાકાળનો કરાર કરીશ.
9 તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”
10 “યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી. મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ, તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે. લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું.
11 જેવી રીતે પૃથ્વી તેની વનસ્પતિઓનું નવ સર્જન કરે છે, અથવા એક બગીચો તેમાં રોપેલા બીજાને ઉગાડે છે, યહોવા જગતની પ્રજાઓને પોતાનો ન્યાય અને મહિમા બતાવશે.”