યશાયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66


પ્રકરણ 35

તે દિવસોમાં મરુભૂમિ આનંદોલ્લાસથી નાચી ઉઠશે, સૂકી તરસી ધરતી સુંદર ફૂલોથી ખીલી ઉઠશે, આનંદોદ્ગારથી ગાજી ઊઠશે.
2 તે ખીલશે અને તેને ફૂલો આવશે અને આનંદથી ભરેલી હશે અને ગુંજતી હશે. તેને લબાનોન પર્વતની સુંદર ભવ્યતા અને કામેર્લ પર્વત તથા શારોનની લીલીછમ ધરતીનો વૈભવ પ્રાપ્ત થશે; કારણ કે તેઓ યહોવાનો મહિમા, આપણા દેવની ભવ્યતા જોશે.
3 જેઓ હારેલા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી રહ્યા છે તેઓને સ્થિર કરો, ભયભીત થયેલાઓને કહો કે, હિંમત રાખો!’
4 જેઓ ચિંતાતુર છે, “તેઓને કહો દ્રઢ થાઓ, ડરશો નહિ; જુઓ, તમારા દેવ! તમારો ઉદ્ધાર કરવા અને તમારા શત્રુઓને સજા કરવા આવે છે.”
5 પરંતુ જ્યારે તે આવશે ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે.
6 લૂલાં-લંગડાં હરણાની જેમ તેઓ ઠેકડા મારશે અને મૂંગાની જીભ મોટેથી હર્ષનાદ કરીને ગાવા માંડશે. તે વખતે મરુભુમિમાં વહેળા વહેવા લાગશે.
7 લોકો વહેળાને જોશે, ધગધગતી રેતીના સરોવર બની જશે, અને સૂકી ભૂમિના ઝરણાં બની જશે. જ્યાં શિયાળવાનો વાસ છે તે વેરાન ભૂમિમાં ચારેબાજુ લીલોતરી ઊગી નીકળશે.
8 તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ.
9 ત્યાં કોઇ સિંહ નહિ હોય કે કોઇ જંગલી પ્રાણી ત્યાં ભટકતું નહી હોય. માત્ર ઉદ્ધાર પામેલાઓ જ તેના પર ચાલશે.
10 યહોવાએ જે લોકોની ખંડણી ચૂકવી છે; તેઓ અનંતકાળ સુધી આનંદના ગીતો ગાતાં આ માગેર્ થઇને સિયોનમાં પોતાને ઘેર જશે. કારણ કે તેઓનાં સર્વ દુ:ખો અને તેમની પાછળ હષોર્લ્લાસ હશે; દુ:ખ અને શોક જતા રહેશે.