યશાયા
પ્રકરણ 2
એક બીજો સંદેશ જેની ભવિષ્યવાણી આમોસના પુત્ર યશાયાએ યહૂદા અને યરૂશાલેમ માટે કરી, તે આ પ્રમાણે છે.
2 છેલ્લા કાળમાં, યહોવાના મંદિરનો પર્વતના શિખરો પર સ્થાપન થશે. અને બીજા બધા શિખરોથી ઉંચો જશે. દેશવિદેશનાં અસંખ્ય લોકોનો પ્રવાહ ત્યાં પગે ચાલતો આવશે.
3 દરેક જણ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઇએ; જેથી તે આપણને પોતાનો જીવનમાર્ગ બતાવે અને આપણે તેના માગેર્ ચાલીએ, કારણ, યહોવા નિયમશાસ્ત્ર સિયોનનગરીમાંથી અને યરૂશાલેમમાંથી પોતાનાં વચન આપનાર છે, અને તેની વાણી ત્યાંથી પ્રગટ થનાર છે.”
4 તે વિદેશીઓમાં ન્યાય કરશે. તે અસંખ્ય પ્રજાઓનો ન્યાય કરશે. ત્યારે લોકો તરવારને ટીપીને હળનાં ફળાં બનાવશે તથા ભાલાઓનાઁ દાંતરડાં બનાવશે; પ્રજાઓ એકબીજા સામે તરવાર નહિ ઉગામે કે કદી યુદ્ધની તાલીમ નહિ લે.
5 હે યાકૂબના વંશજો, ચાલો, આપણે યહોવાના પ્રકાશમાં ચાલીએ.
6 હે યાકૂબના કુળો, તમે તમારા લોકોને છોડી દીધા છે. તેઓ પૂર્વ દેશોના અને પલિસ્તીના ધંતરમંતર કામણટૂમણ ને વહેમોમાં તથા વિદેશીઓના રસ્તા અને રીતરિવાજોને અનુસરે છે.
7 વળી તેમનો દેશ સોનાચાંદીથી ભરપૂર છે. તેમના ભંડારનો કોઇ પાર નથી. તેમનો દેશ ઘોડાઓથી ભરાઇ ગયો છે. તેમના રથોનો કોઇ પાર નથી.
8 તેમનો દેશ મૂર્તિઓથી ભરાઇ ગયો છે, તેઓ પોતાને હાથે ઘડેલી વસ્તુને પૂજે છે.
9 સૌ કોઇને નીચા પાડવામાં આવશે. સૌને નીચા નમાવવામાં આવશે. તું એમને માફ કરીશ નહિ.
10 પોતાને યહોવાની મહાનતા અને તેમની ભવ્યતાના મહિમાંથી બચવા ખડકોમાં શરણ શોધો, જમીનમાં સંતાઇ જાઓ.
11 તે દિવસે માણસના ગર્વને નીચો નમાવવામાં આવશે. અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે અને ફકત યહોવાનો જ મહિમા કરવામાં આવશે.
12 કારણ, સૈન્યોનો દેવ યહોવાએ જે કઇં ગવિર્ષ્ઠ અને અભિમાની છે, જે કઇં ઊંચુ છે તે બધાને નમાવવા માટે એક દિવસ નક્કી કરેલો છે.
13 લબાનોનનાં ઊંચાં દેવદાર અને બાશાનનાં મજબૂત એલોનવૃક્ષોને નીચાં નમાવવામાં આવશે.
14 સર્વ ઊંચા ઊંચા પર્વતોને, ડુંગરોને ભોંયભેગા કરવામાં આવશે.
15 સર્વ ઊંચા મિનારાને અને બધા જ કિલ્લાના કોટોને ભોંયભેગા કરવામાં આવશે.
16 તાશીર્શનાં ભવ્ય વહાણોને ડૂબાડી દેવામાં આવશે.
17 તે દિવસે, માણસનો ગર્વ નીચો નમાવવામાં આવશે. અને તેનું અભિમાન ઉતારી નાખવામાં આવશે. અને માત્ર યહોવા એકલાનો જ મહિમા કરવામાં આવશે,
18 અને બીજી મૂર્તિઓ તો બિલકુલ સમાપ્ત થઇ જશે.
19 યહોવા પૃથ્વીને ધ્રુજાવવા આવે ત્યારે લોકો તેના રોષથી અને તેના પ્રતાપના તેજથી બચવા પર્વતોની ગુફાઓમાં અને જમીનની ફાંટોમાં ભરાઇ જશે.
20 તે દિવસે માણસ પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને ફેંકી દેશે. તેઓ એ બધી મૂર્તિઓને છછૂંદર અને ચામાચિડિયા માટે ફગાવી દેશે.
21 જ્યારે યહોવા પૃથ્વીને ૂજાવવા માટે આવે ત્યારે તેના રોષથી, અને તેના પ્રતાપના તેજથી બચવા લોકો પર્વતોની ફાંટોમાં અને ખડકોની તિરાડોમાં ભરાઇ જશે.
22 હવે માણસને ભરોસે રહેશો નહિ, કારણ એની શી વિસાત છે? જેનો શ્વાસ તેના નસકોરાંમાં જ છે.