યશાયા
પ્રકરણ 59
જુઓ, યહોવાનો હાથ કઇં એવો નિર્બળ નથી કે તે તમારો બચાવ ન કરી શકે અથવા તેનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે.
2 પણ તમારા પાપોએ તમારી અને દેવની વચ્ચે આડ ઊભી કરી છે; તમારાં પાપને કારણે તે તેમને દર્શન આપતો નથી કે નથી સાંભળતો.
3 તમારા હાથ લોહીથી, ને અપરાધોથી ખરડાયેલા છે; ને તમારી જીભ જૂઠું બોલે છે અને દગાફટકાથી વાત કરે છે.
4 અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે.
5 તેઓ સાપનાં ઇંડા સેવે છે અને કરોળિયાનાં જાળાં ગૂંથે છે; જે એ ઇંડા ખાય છે તે મોતને ભેટે છે, ને જે ઈંડુ ફૂટે છે તેમાંથી સાપ નીકળે છે.
6 તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી.તેમનાં કમોર્ કુકમોર્ છે અને તેમના હાથ હિંસા આચરે છે.
7 દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિદોર્ષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે,
8 તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેમના માર્ગમાં કોઇ ન્યાય નથી. તેમના માગોર્ છેતરામણા છે અને એ માગેર્ જનારા કોઇને શાંતિ મળતી નથી.
9 તેથી આપણને ન્યાય મળતો નથી, આપણી મુકિત હજી દૂર છે. અમે અજવાળાની આશા રાખીએ છીએ, પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ અને અંધકારમાં અટવાઇએ છીએ.
10 આપણે અંધજનની જેમ ભીંતે હાથ દઇને ફાંફા મારીએ છીએ, આપણે ભરબપોરે જાણે અંધારી રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ; જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ!
11 આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ, ને હોલાની જેમ કણીએ છીએ. આપણે ન્યાયને ઝંખીએ છીએ, પણ ન્યાય મળતો નથી, તારણની આશા રાખીએ છીએ, પણ તે અમારાથી દૂર રહે છે.
12 હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. અમને અમારા પાપોનું ભાન છે, અમારા પાપ અમે જાણીએ છીએ.
13 તારી સામે અમે બળવો કર્યો છે અને તારો નકાર કર્યો છે, અમે તમને, અમારા દેવને અનુસરવાનું છોડી દીધું છે, અમે ઘોર ત્રાસ અને બળવાની વાતો કરીએ છીએ, અમે જૂઠાણાંઓ વિચારીએ છીએ અને તેને જ ઉચ્ચારીએ છીએ.
14 અમે ન્યાયને પાછો કાઢીએ છીએ અને ધર્મને આઘો રાખીએ છીએ. ન્યાયીપણું નગરનાં ચોકમાં ઠોકર ખાય છે, અને પ્રામાણિકતાને પ્રવેશવા દેવામાં આવતી નથી.
15 હા, સત્યનો સદંતર અભાવ છે, અને જે સત્યને વળગી રહેવા પ્રયત્ન કરે છે તેના ઉપર આક્રમણ થાય છે. યહોવાએ સર્વ દુષ્ટતા નિહાળી છે અને પાપની વિરુદ્ધ કોઇ પગલું લેવામાં આવ્યું નથી તેથી તે નારાજ થાય છે.
16 યહોવાએ આ જોયું છે અને તે ન્યાયના અભાવથી અપ્રસન્ન થયા છે. દીનદલિતોની સાથે થવા કોઇ તૈયાર નથી, એ જોઇને તે નવાઇ પામ્યા છે. આથી તે પોતાના જ બાહુબળથી અને ન્યાયીપણાથી વિજય પ્રાપ્ત કરશે.
17 તે મુકિતનું બખતર ચઢાવશે અને માથે વિજયનો ટોપ ધારણ કરશે, વેરના વાઘા પહેરશે અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.
18 તે દરેકને તેના કર્મ પ્રમાણે બદલો આપશે. શત્રુઓ પર રોષ ઉતારશે, દુશ્મનોને દંડ દેશે અને દૂર દેશાવરના લોકોને પણ સજા કરશે.
19 ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ સુધી લોકો યહોવાના નામથી ડરશે અને તેના પ્રતાપથી થરથર ધ્રુજશે; કારણ તે ધસમસતા પૂરની અને પ્રચંડ વાયુની જેમ ઘસી આવશે.
20 પણ સિયોનને માટે, પોતાના લોકોમાંથી જેઓ પાપથી પાછા ફર્યા હશે તેમને માટે તો તે ઉદ્ધારકરૂપે આવશે. આ યહોવાના પોતાના વચન છે.
21 યહોવા કહે છે કે, “આ મારો તમારી સાથેનો કરાર છે; મેં મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે તારા મુખમાં મૂક્યાં છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનનાં મુખમાંથી હમણાંથી તે સર્વકાળપર્યંત અલોપ થનાર નથી.”