એફેસીઓને પત્ર

1 2 3 4 5 6


પ્રકરણ 5

તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો.
2 પ્રેમાળ જીવન જીવો અને જે રીતે ખ્રિસ્ત આપણને ચાહે છે, તે રીતે અન્ય લોકોને તમે ચાહો. ખ્રિસ્ત આપણે માટે સમર્પિત થયો દેવને અર્પિત તે એક સુમધુર બલિદાનહતું.
3 પરંતુ તમારાંમાં વ્યભિચારનું પાપ, અને કોઈ પણ પ્રકારના અયોગ્ય કાર્યો ન હોવાં જોઈએ. અને વધુ ને વધુ મેળવવાની સ્વાર્થી ઈચ્છા પણ તમારામાં ન હોવી જોઈએ. શા માટે? કારણ કે આવી વસ્તુઓ સંતો માટે યોગ્ય નથી.
4 હાસ્યાસ્પદ નિર્લજ્જ મજાક પણ ન કરવી જોઈએ. આ બધી અયોગ્ય વસ્તુઓ કરવાને બદલે તમારે દેવની આભારસ્તુતિ કરવી જોઈએ.
5 તમારે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે જે વ્યક્તિ વ્યભિચારનું પાપ કરે છે તેનું ખ્રિસ્તના રાજ્યમાં કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાની જાત માટે વધુ ને વધુ લાલચો રાખે છે અને દુષ્ટ કાર્યો કરે છે અને વધારે ને વધારે ઈચ્છા રાખે છે તે જૂઠા દેવને ભજ્વા જેવું છે.
6 તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી.
7 તેથી તેવાં લોકો સાથે આ પ્રકારનું વર્તન ન કરો.
8 ભૂતકાળમાં તમે અંધકારમય (પાપ) હતા. પરંતુ હવે તમે પ્રભુની જ્યોતથી પ્રકાશિત છો. તેથી પ્રકાશિત બાળકોની જેમ જીવો.
9 પ્રકાશ દરેક પ્રકારની ભલાઈ, યોગ્ય જીવન અને સત્ય પ્રદાન કરે છે.
10 પ્રભુને જે પસંદ છે તેવું ન્યાયીપણું શીખો.
11 અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો.
12 કેમ કે તેઓ ખાનગીમાં એવાં કામ કરે છે કે જે કહેતાં પણ શરમ લાગે છે.
13 પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે.
14 અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે.” તેથી જ અમે કહીએ છીએ:“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ! મૃત્યુમાંથી ઊભો થા, ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”
15 તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ જ ચોક્કસ બનો, અને નિર્બુદ્ધ લોકો જેવું જીવન ના જીવો પરંતુ તે લોકોના જેવું જીવન જીવો જે ડાક્યા છે.
16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે.
17 તેથી તમારા જીવન પ્રત્યે મૂર્ખ વ્યવહાર ન કરો. પણ તેને બદલે પ્રભુ તમારી પાસે શું કાર્ય કરાવવા ઈચ્છે છે તે શીખો.
18 મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ.
19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ.
20 હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો.
21 તમે ખ્રિસ્તને માન આપો છો તેથી એકબીજાને સ્વૈચ્છિક રીતે આધિન થાઓ.
22 પત્નીઓ, જે રીતે પ્રભૂની સત્તાને આધિન રહો છો તે રીતે તમારા પતિઓની સત્તાને આધિન રહો.
23 જે રીતે ખ્રિસ્ત મંડળીનો અધ્યક્ષ છે, તે રીતે પતિ પત્નીનો અધ્યક્ષ છે. મંડળી ખ્રિસ્તનું અંગ છે. અને ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે.
24 મંડળી ખ્રિસ્તની અધ્યક્ષતા નીચે છે. અને તે જ રીતે બધી પત્નીઓ દરેક બાબતમાં તેમના પતિના અધ્યક્ષપણા નીચે હોવી જોઈએ.
25 જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ.
26 ખ્રિસ્ત મંડળી માટે અને મંડળીને પવિત્ર કરવા મૃત્યુ પામ્યો. ખ્રિસ્તે સુવાર્તાનો ઉપયોગ કર્યો કે જેથી પાણીથી ધોયા જેવી નિર્મળ મંડળી તેની જાતને ભેટ કરી શકે.
27 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો કે જેથી તે પોતાની જાતને પૂર્ણ મહિમાવંત નવવધૂની જેમ મંડળીને અર્પણ કરી શકે. તે મૃત્યુ પામ્યો કે જેથી મંડળી કોઈ પણ ઉણપ, પાપ વગરની શુદ્ધ બને કે જેમાં બીજું કોઈ પણ ખોટું તેની સાથે હોય નહિ કે અનાચારી વસ્તુ ન હોય.
28 હરેક પતિએ પણ પોતે પોતાના શરીરને જે રીતે ચાહે છે તે રીતે તેની પત્નીને ચાહવી જોઈએ. જે પુરુંષ તેની પત્નીને ચાહે છે તે પોતાની જાતને ચાહે છે.
29 શા માટે! કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાના શરીરને ધિક્કારતી નથી. દરેક વ્યક્તિ પોતાના શરીરનુ પાલનપોષણ કરે છે અને તેની કાળજી રાખે છે અને ખ્રિસ્ત મંડળી માટે પણ આમ જ કરે છે.
30 કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ.
31 પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.”
32 હું ખ્રિસ્ત અને મંડળી વિષેના ગૂઢ સત્યની વાત કરું છું જે ખૂબ જ મહત્વનું છે.
33 પરંતુ તમારામાંના પ્રત્યેકે તેની પત્નીને પોતાની જાતની જેમ પ્રેમ કરવો જોઈએ. અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.