એફેસીઓને પત્ર
પ્રકરણ 4
હું પ્રભુમાં આધિન છું તેથી હું બંદી ગૃહમાં છું અને દેવે તમને તેના લોકો તરીકે પસંદ કર્યો છે. હું તમને કહું છું દેવના લોકો જેવું જીવન જીવો.
2 હમેશા વિનમ્ર અને દીન બનો. ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો.
3 આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે.
4 જે રીતે એક શરીર અને એક આત્મા છે તે જ રીતે દેવે તમને એક આશા રાખવા બોલાવ્યા છે.
5 એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે.
6 દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે.
7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે.
8 તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે, “તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો, અને લોકોને દાન આપ્યાં.” ગીતશાસ્ત્ર 68:18
9 “તે ઊંચે ચઢયો, “તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો.
10 તેથી ખ્રિસ્ત પૃથ્વી પર નીચે આવેલો, તેનું જ ઉર્ધ્વગમન થયું. ખ્રિસ્ત બધી વસ્તુઓને તેનાથી ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊચે ચઢયો.
11 અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું.
12 દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં.
13 આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ.
14 પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે.
15 ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ.
16 આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.
17 પ્રભુનાં નામે હું તમને આ કહું છું. અને ચેતવું છું. જેઓ અવિશ્વાસુ છે તેમના જેવું જીવવાનું ચાલુ ન રાખો.
18 તેઓના વિચારોનું મૂલ્ય કશું જ નથી. તે લોકો કશું સમજતા નથી, તેઓએ કશું ય સાંભળવાની ના પાડી. અને તેથી તેઓ અજ્ઞાની છે, અને તેથી દેવ અર્પિત જીવન પણ તેમને મળ્યું નથી.
19 તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે.
20 પણ તમે ખ્રિસ્ત પાસેથી એ પ્રમાણે શીખ્યાં નથી.
21 મને ખબર છે કે તમે એના વિષે સાંભળ્યું છે, તમે તેનામાં એકરૂપ થયા છો, અને તમને સત્યનું શિક્ષણ મળ્યું છે, હા! ઈસુમાં સત્ય છે.
22 તમને પહેલાનું જીવન જીવતા અટકી જવાની, અને તમારું જૂનું માણસપણું વધુ ને વધુ અનિષ્ટ બનતું જાય છે. કારણ કે દુષ્કર્મો કરવાની ઈચ્છાથી લોકોને છેતરે છે.
23 અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ.
24 અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો.
25 તેથી અસત્ય બોલતા તમારે અટકવું જ જોઈએ તમારે એકબીજા સાથે સત્યભાષી બનવું જોઈએ, કારણ કે આપણે બધા એ જ શરીરના અવયવો છીએ.
26 જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો.
27 શેતાનને રસ્તો ન આપો. જેથી તેનાથી તમે હારી જાઓ.
28 ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.
29 જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો.
30 અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે.
31 કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ.
32 એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.