એફેસીઓને પત્ર

1 2 3 4 5 6


પ્રકરણ 3

હું પાઉલ તમારા માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન છું તમે લોકો કે જે યહૂદી નથી તેમનો પણ હું બંદીવાન છું.
2 તમને ખરેખર ખબર છે કે દેવે કૃપા કરીને મને આ કામ તમને મદદરૂપ થવા સોંપ્યું છે.
3 દેવે તેની ગૂઢ યોજના મને જાણવા દીધી. મને તેના દર્શન કરાવ્યા જે વિષે મેં પહેલા પણ થોડું લખ્યું છે.
4 અને મેં પહેલા જે લખ્યું હતું, તે જો તમે વાંચશો તો તમને સમજાશે કે દેવના ગૂઢ સત્યને હું ખરેખર જાણું છું.
5 લોકો જે અગાઉના સમયમાં જીવતા હતા, તેઓને આ ગૂઢ સત્યનું જ્ઞાન કહ્યું નહોતું. પરંતુ હવે, આત્મા દ્વારા, દેવે તેના પવિત્ર પ્રેરિતો અને પ્રબોધકોને આ ગૂઢ સત્યના દર્શન કરાવ્યાં.
6 ગૂઢ સત્ય આ છે કે: દેવના પોતાના લોકો માટે જે કાંઈ લભ્ય છે તે બધું જ યહૂદિઓની જેમ, બિનયહૂદિઓને પણ લભ્ય બનશે. બિનયહૂદિઓ યહૂદિઓ સાથે તેના શરીરના અવયવોમાં સહભાગી છે અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે આપેલાં વચનના તેઓ પણ સહભાગીદાર છે. સુવાર્તાથી બિનયહૂદિઓને આ સર્વ સુલભ થયું છે.
7 દેવના કૃપાદાનથી, આ સુવાર્તાને કહેવા હું સેવક બન્યો હતો. દેવનું સાર્મથ્ય જે મારામાં કામ કરે છે તેનાથી મને આ કૃપા પ્રાપ્ત થઈ છે.
8 દેવના સર્વ લોકોમાં હું બિલકુલ બિનમહત્વનો છું. પરંતુ બિનયહૂદિઓને ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા આપવાનું દાન દેવે મને આપ્યું છે. એ સંપત્તિની સંપૂર્ણ સમજણ આપણી સમજશક્તિની બહાર છે.
9 જ્યારથી સમયનો આરંભ થયો, ત્યારથી જે ગૂઢ સત્ય દેવમાં ગુપ્ત હતું, તે દેવના ગુઢ સત્યને લોકો આગળ પ્રગટ કરવાનું કાર્ય પણ દેવે મને સોપ્યું છે. દેવ જ સર્વ વસ્તુઓનો સરજનહાર છે.
10 જે જુદી જુદી પદ્ધતિથી દેવ તેની પ્રજ્ઞાના દર્શન કરાવે છે તે સ્વર્ગના દરેક શાસક અને શક્તિઓને બતાવવા ઈચ્છતો હતો. મંડળીને લીધે તેઓ આ જ્ઞાન જાણશે.
11 અને સમયની શરૂઆતથી દેવની જે યોજના હતી તેને આ અનુકુળ છે. દેવે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ થકી પોતાની યોજના પ્રમાણે આ કામ કર્યુ.
12 આપણે ખ્રિસ્તમય બનીને અને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને, ભય વિના મુક્ત રીતે દેવ સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ છીએ.
13 તેથી તમને હું કહું છું કે તમારા માટે જે વેદના થાય તેનાથી નાહિંમત કે નિરાશ ન થશો. મારી વેદના તમારા માટે મહિમા લાવે છે.
14 તેથી પ્રાર્થનામાં હું બાપની આગળ ઘુંટણે પડું છું.
15 આકાશમાં તેમ જ પૃથ્વી પરના દરેક કુટુંબ પોતે પોતાનાં નામ તેની પાસેથી પ્રાપ્ત કરે છે.
16 તેની મહિમાની સંપતિ પ્રમાણે પિતાને હું પ્રાર્થના કરું છું કે તે તમને તેના આત્મા દ્વારા આંતરિક મનુષ્યત્વમાં બળવાન બનવાની શક્તિ આપે. તેના આત્મા દ્વારા તે તમને સાર્મથ્ય આપશે.
17 હું પ્રાર્થના કરું છું કે વિશ્વાસથી તમારાં હૃદયમાં ખ્રિસ્તનો વાસ હો, અને તમારું જીવન પ્રીતિનાં મજબૂત મૂળિયાં પર પાયો નીખીને પ્રીતિમય બનાવો.
18 અને હું પ્રાર્થના કરું છું કે તમે બધા સંતો ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજી શકવાનું સાર્મથ્ય પ્રાપ્ત કરો. હું પ્રાર્થના કરું છું કે તે પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો.
19 ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજવી કોઈ પણ વ્યક્તિની જ્ઞાન મર્યાદાની બહાર છે પરંતુ હું પ્રાર્થુ છું કે તમે તે પ્રેમને સમજી શકો. પછી તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.
20 દેવનું સાર્મથ્ય જ્યારે આપણામાં સકિય બને, ત્યારે તેના થકી આપણે માંગીએ કે ધારીએ તેના કરતાં અનેક ઘણું વધારે દેવ સિદ્ધ કરી શકશે.
21 મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં તેનો મહિમા સર્વકાળ સુધી સ્થાપિત રહો. આમીન.