પ્રેરિતોનાં ક્રત્યો

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


પ્રકરણ 15

પછી કેટલાક માણસો યહૂદિયાથી અંત્યોખમાં આવ્યા. તેઓએ બિનયહૂદિ ભાઈઓને શીખવવાનું શરૂ કર્યુ. “જો તમે સુન્નત નહિ કરાવો તો તમને બચાવી શકાશે નહિ. મૂસાએ આપણને આમ કરવાનું શીખવ્યું છે.”
2 પાઉલ અને બાર્નાબાસ આ બોધની વિરૂદ્ધમાં હતા. તેઓએ આ માણસો સાથે દલીલો કરી. તેથી તે સમૂહે પાઉલ અને બાર્નાબાસને, અને બીજા કેટલાક માણસોને યરૂશાલેમ મોકલવાનું નક્કી કર્યુ. આ માણસો પ્રેરિતો અને વડીલોની સાથે આ વિષયમાં વધારે વાતો કરવા ત્યાં જતા હતા.
3 તે મંડળીએ માણસોને વિદાય થવામાં મદદ કરી. આ માણસો ફિનીકિયા સમરૂનનાં દેશોમાં થઈને ગયા. આ બધાં શહેરોમાં તેઓએ બિનયહૂદિ લોકો સાચા દેવ તરફ કેવી રીતે વળ્યા તે સંબંધમાં કહ્યું, આથી બધા ભાઈઓ ઘણા આનંદિત થયા.
4 પાઉલ, બાર્નાબાસ અને બીજાઓ યરૂશાલેમમાં આવ્યા. પ્રેરિતો, વડીલો અને વિશ્વાસીઓના આખા સમૂહે તેઓનું સ્વાગત કર્યુ. પાઉલ, બાર્નાબાસ અને બીજાઓને દેવે તેઓની સાથે જે કંઈ કર્યુ તે વિષે કહ્યું,
5 યરૂશાલેમના કેટલાક વિશ્વાસીઓ ફરોશીપંથના હતા. તેઓ ઊભા થયા અને કહ્યું, “બિનયહૂદિ વિશ્વાસીઓની સુન્નત કરાવવી જોઈએ. આપણે તેઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવા કહેવું જોઈએ!”
6 પછી પ્રેરિતો અને વડીલો આ સમસ્યાનો અભ્યાસ કરવા ભેગ થયા.
7 ત્યાં એક લાંબો વાદવિવાદ થયો. પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું, “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે શરૂઆતના દિવસોમાં શું બન્યું છે તેનું સ્મરણ કરો છો. દેવે મને તમારામાંથી બિનયહૂદિ લોકોને સુવાર્તા આપવા પસંદ કર્યો છે. તેઓએ મારી પાસેથી સુવાર્તા સાંભળી છે અને તેઓએ વિશ્વાસ મૂક્યો છે.
8 દેવ બધા માણસોના વિચાર જાણે છે, અને તેણે આ બિનયહૂદિઓને સ્વીકાર્યા છે. દેવ જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિષે સાક્ષી પૂરી.
9 દેવની આગળ આ લોકો આપણા કરતાં જુદા નથી. જ્યારે તેઓ વિશ્વાસી બન્યા, દેવે તેઓનાં હ્રદયો પવિત્ર બનાવ્યાં.
10 તેથી હવે તમે શા માટે બિનયહૂદિ ભાઈઓની ગરદન પર ભારે બોજ લાદો છો? તમે દેવને ગુસ્સે કરવાના પ્રયત્ન કરી રહ્યા છો? અમે અને અમારા પૂર્વજો તે બોજ વહન કરવા શું પૂરતા સશકત નહોતા!
11 ના, અમને વિશ્વાસ છે કે અમે અને આ લોકો પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામીશું!”
12 પછી આખો સમૂહ શાંત થયો. તેઓએ પાઉલ અને બાર્નાબાસની વાણીને ધ્યાનપૂર્વક સાંભળી. પાઉલ અને બાર્નાબાસે બિનયહૂદિ લોકોની વચમાં દેવ દ્ધારા જે ચમત્કારો તથા અદભૂત પરાક્રમો કર્યા હતા તે બધા વિષે કહ્યું,
13 પાઉલ અને બાર્નાબાસે તેમનું વક્તવ્ય પૂરું કર્યુ. પછી યાકૂબે કહ્યું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, મને ધ્યાનથી સાંભળો.
14 સિમોને (પિતર) અમને બતાવ્યું કે બિનયહૂદિ લોકો પર દેવે તેનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે. દેવે પ્રથમ વખત જ બિનયહૂદિ લોકોને સ્વીકારીને તેઓને તેઓના લોકો બનાવ્યા.
15 પ્રબોધકોનાં વચનો પણ આ સાથે સુસંગત છે:
16 ‘હુ (દેવ) આ પછી પાછો આવીશ. હું દાઉદનું મકાન ફરીથી બાંધીશ. તે નીચે પડી ગયેલું છે. હું તેના મકાનના ભાગોને ફરીથી બાંધીશ. જે નીચે ખેંચી કાઢવામાં આવેલ છે. હું તે મકાન ફરીથી બાંધીશ.
17 પછી બીજા બધા બાકીના લોકો પ્રભુને શોધશે. બધા જ બિનયહૂદિ લોકો પણ મારા લોકો છે. પ્રભુએ આ કહ્યુ છે. અને પ્રભુ જે આ બધું કરે છે તે આ એક કહે છે.
18 ‘દુનિયાના આરંભથી આ વસ્તુઓ પ્રગટ થયેલ છે.’
19 “તેથી હું વિચારું છું કે આપણે બિનયહૂદિ ભાઈઓ જે દેવ તરફ વળ્યા છે તેઓને હેરાન ન કરીએ.
20 તેને બદલે, આપણે તેઓને પત્ર લખવો જોઈએ. આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ:મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ. (આનાથી ખોરાક અશુદ્ધ બને છે.) કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. લોહીવા ચાખો (ખાઓ) નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ.
21 તેઓએ આ બાબતો કરવી જોઈએ નહિ, કારણ કે આજે પણ દરેક શહેરમાં હજી એવા માણસો (યહૂદિઓ) છે જેઓ મૂસાના નિયમશાસ્ત્રનો બોધ આપે છે. ઘણા વર્ષોથી પ્રત્યેક વિશ્રામવારે સભાસ્થાનોમાં મૂસાના વચનો વાંચવામાં આવે છે.”
22 પ્રેરિતો, વડીલો અને સમગ્ર મંડળીના સભ્યોની ઈચ્છા પાઉલ અને બાર્નાબાસ સાથે કેટલાક લોકોને અંત્યોખ મોકલવાની હતી. તે સમૂહે તેઓના પોતાના કેટલાક માણસો પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ યહૂદા (બર્સબા કહેવાય છે) અને સિલાસને પસંદ કર્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું.
23 તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે:યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા:વહાલા ભાઈઓ,
24 અમે સાંભળ્યું છે કે અમારા સમૂહમાંથી કેટલાક માણસો તમારી પાસે આવ્યા છે. તેઓએ જે વાતો કહી તેનાથી તમે હેરાન થયા છો અને વ્યગ્ર થયા છો. પણ અમે તેઓને આમ કહેવાનું કહ્યું નથી!
25 અમે બધા કેટલાક માણસોને પસંદ કરીને તમારી પાસે મોકલવા માટે સંમત થયા છીએ, તેઓ અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે રહેશે.
26 પાઉલ અને બાર્નાબાસે તેઓના જીવનો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં સમર્પિત કર્યા છે.
27 તેથી અમે યહૂદા અને સિલાસને તેઓની સાથે મોકલ્યા છે. તેઓ તમને એ જ વાતો મૌખિક રીતે રહેશે.
28 પવિત્ર આત્માને તથા અમને પણ તે સારું લાગ્યું છે કે જરુંરિયાત કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. તમારે આ બાબતો કરવાની જરુંર છે:
29 એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. (આ ખોરાકને અશુદ્ધ બનાવે છે.) લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ.કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ. જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે. હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
30 તેથી પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસે યરૂશાલેમ છોડયું. તેઓ અંત્યોખ પહોંચ્યા. અંત્યોખમાં તેઓએ વિશ્વાસીઓને સમૂહ ભેગો કર્યો અને તેઓને પત્ર આપ્યો.
31 જ્યારે વિશ્વાસીઓએ પત્ર વાંચ્યો, તેઓને આનંદ થયો. તે પત્રથી તેઓને દિલાસો મળ્યો.
32 યહૂદા અને સિલાસ પણ પ્રબોધકો હતા. તેઓએ ભાઈઓને મદદ કરવા ઘણી વાતો કહી અને તેઓને વધારે મજબૂત બનાવ્યા.
33 થોડો સમય ત્યાં યહૂદા અને સિલાસ રહ્યા અને પછી તેઓ છોડીને ગયા. તેઓએ ભાઈઓ પાસેથી શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યહૂદા અને સિલાસ યરૂશાલેમમાં જેઓએ તેમને મોકલ્યા હતા તે ભાઈઓ પાસે પાછા ગયા.
34
35 પરંતુ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. તેઓ બીજા ઘણાની સાથે બોધ કરતા રહ્યા અને લોકોને પ્રભુના વચનનું શિક્ષણ આપતા રહ્યાં.
36 થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”
37 યોહાન (માર્ક)ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી.
38 પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી.
39 પાઉલ અને બાર્નાબાસને આ બાબતમાં તીવ્ર મતભેદ થયા. તેઓ જુદા પડ્યા અને જુદા જુદા રસ્તે ગયા. બાર્નાબાસે સૈપ્રત તરફ વહાણ હંકાર્યુ અને માર્કને તેની સાથે લીધો.
40 પાઉલે તેની સાથે જવા સિલાસની પસંદગી કરી. અંત્યોખના ભાઈઓએ પાઉલને દેવની કૃપાને સોંપ્યા પછી તેને બહાર મોકલ્યો.
41 પાઉલ અને સિલાસ સિરિયા તથા કિલીકિયાના શહેરમાં થઈને મંડળીઓને વધારે મજબૂત બનાવવામાં સહાયરૂપ થતાં ગયાં.