લૂક
પ્રકરણ 19
ઈસુ યરેખોના શહેરમાં થઈને જતા હતો.
2 યરેખોમાં જાખ્ખી નામનો માણસ રહેતો હતો. તે ઘણો શ્રીમંત અને કર ઉઘરાવનાર મુખ્ય માણસ હતો.
3 તેણે પણ ઈસુને જોવાની ઈચ્છા હતી. ત્યાં બીજા ઘણા લોકો હતા તેઓની ઈચ્છા પણ ઈસુને જોવાની હતી. જાખ્ખી એટલો ઠીંગણો હતો કે લોકોની ભીડમાં જોઈ શકતો નહિ.
4 તેથી ઈસુ જે જગ્યાએ આવવાનો હતો તે જાણીને તે ત્યાં દોડી ગયો. પછી જાખ્ખી એક ગુલ્લરના ઝાડ પર ચડ્યો જેથી તે ઈસુને જોઈ શકે.
5 જ્યારે ઈસુ તે જગ્યાએ આવ્યો ને ઊચે જોયું તો ત્યાં ઝાડ પર જાખ્ખીને જોયો. ઈસુએ તેને કહ્યું કે, “જાખ્ખી, જલદી નીચે આવ! હું આજે તારે ઘેર રહેવાનો છું.”
6 પછી જાખ્ખી જલ્દી નીચે આવ્યો. ઈસુને તેને ઘેર આવકારીને તે ખુશ થયો.
7 બધા લોકોએ આ જોયું. તેઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ, ઈસુ કેવા માણસ સાથે રહે છે. જાખ્ખી એક પાપી છે!”
8 જાખ્ખીએ પ્રભુને કહ્યું, “હું સારું કરવા ઈચ્છું છું. હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપીશ. જો કોઈ વ્યક્તિને છેતરી હશે તો હું તેને ચારગણું વધારે પાછું આપીશ!”
9 ઈસુએ કહ્યું કે, “આ એક સજ્જન માણસ છે. સાચે જ તે ઈબ્રાહિમના પરિવારનો છે. તેથી આજે જાખ્ખીનું તેનાં પાપોમાંથી તારણ થયું છે!
10 માણસનો દીકરો ખોવાયેલા માણસોને શોધવા અને તેઓને તારવા આવ્યો છે.”
11 ઈસુ યરૂશાલેમ પાસે ફરી મુસાફરી કરીને આવ્યો. કેટલાએકે વિચાર્યુ કે દેવનું રાજ્ય જલ્દી પ્રગટ થશે.
12 ઈસુએ લોકોનો આ વિચાર જાણ્યો. તેથી તેણે તેઓને આ વાર્તા કહેવાની ચાલુ રાખી. “એક કુલીન માણસ પોતાના માટે રાજ્ય મેળવીને રાજા બનવા માટે પાછો આવવા દૂર દેશમાં ગયો. પછી તે માણસે પોતાને ઘરે પાછા ફરીને તેના લોકો પર શાસન કરવા માટે યોજના કરી.
13 પછી તેણે પોતાના ચાકરોમાંથી દસ જણને બોલાવ્યા. તેણે દરેક ચાકરને પૈસાની થેલી આપી. તે માણસે કહ્યું કે, ‘હું પાછો આવું ત્યાં સુધી આ પૈસા વડે વ્યાપાર કરો.’
14 પણ રાજ્યના લોકો તે માણસને ધિક્કારતા હતા. તેથી લોકોએ એક સમૂહને તે માણસની પાછળ બીજા દેશમાં મોકલ્યા. બીજા દેશમાં આ સમૂહે કહ્યું કે, ‘અમે આ માણસ અમારો રાજા થાય એમ ઈચ્છતા નથી!’
15 “પરંતુ તે માણસ રાજા થયો. જ્યારે તે ઘેર પાછો ફર્યો, તેણે કહ્યું, ‘જે ચાકરો પાસે મારા પૈસા હતા તેઓને બોલાવો. હું જાણવા માગું છું કે તે પૈસા વડે તેઓ કેટલું વધારે કમાયા.’
16 પહેલા ચાકરે આવીને કહ્યું, ‘સાહેબ, તેં મને આપેલી એક થેલી વડે હું દશ થેલી પૈસાકમાયો!’
17 રાજાએ ચાકરને કહ્યું, ‘સરસ! તું મારો ચાકર છે. હું જોઈ શકું છું કે હું નાની વસ્તુઓ માટે તારો વિશ્વાસ કરી શકું. તેથી મારા શહેરોમાંથી દશ શહેરો પર તારો અધિકાર રહેશે!’
18 “બીજો ચાકર આવ્યો અને કહ્યું કે; ‘સાહેબ, તારી પૈસાની એક થેલીમાંથી હું પાંચ થેલી કમાયો.’
19 રાજાએ આ ચાકરને કહ્યું, ‘તું પાંચ શહેરોનો અધિકારી થઈ શકીશ.’
20 “પછી બીજો એક ચાકર અંદર આવ્યો અને રાજાને કહ્યું કે, ‘સાહેબ, આ રહી તારી પૈસાની થેલી. મેં તેને કપડાંના ટુકડામાં લપેટીને છુપાવી રાખી હતી.
21 મને તારી બીક લાગતી હતી કારણ કે તું શક્તિશાળી છે. હું જાણું છું કે તું બહું કડક છે. તું જે તારું નથી તે પણ માગી લે છે; અને જ્યાં તેં વાવ્યું નથી તેની ફસલ લણી લે તેવો છે.’
22 “પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું, કે, ‘હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું.
23 જો તે સાચું હોય તો, તેં મારા પૈસા સાહુકારને ત્યાં (બેંકમાં) મૂક્યા હોત. પછી હું જ્યારે પાછો આવું ત્યારે, મારા પૈસાનું થોડું વ્યાજ મળ્યું હોત.
24 પછી જે માણસો ત્યાં ઊભા હતા તેઓને રાજાએ કહ્યું કે, ‘આ ચાકર પાસેથી પૈસાની થેલી લઈ લો અને જે ચાકર પૈસાની દશ થેલી કમાયો છે તેને તે આપો.’
25 “તે માણસોએ રાજાને કહ્યું કે, ‘પણ સાહેબ, તે ચાકર પાસે પૈસાની થેલી તો અત્યારે જ છે!’
26 “રાજાએ કહ્યું કે, જે માણસ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરે છે તે વધારે મેળવે છે. પણ જે વ્યક્તિ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરતો નથી. તેની પાસેથી બધું જ લઈ લેવામાં આવે છે.
27 હવે મારા દુશ્મનો ક્યાં છે? ક્યાં છે એ લોકો જે હું તેઓનો રાજા થાઉં તેમ તેઓ ઈચ્છતા નહોતા? મારા દુશ્મનોને અહી લાવો અને તેઓને મારી નાખો. હું તેઓને મરતા જોઈશ!
28 આ બાબતો કહ્યા પછી ઈસુએ યરૂશાલેમ તરફની મુસાફરી ચાલું રાખી.
29 ઈસુ બેથફગે તથા બેથાનીયા શહેર પાસે જૈતૂન નામના પહાડ નજીક આવ્યો. ઈસુએ તેના બે શિષ્યોને મોકલ્યા.
30 તેણે કહ્યું કે, “તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ, જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક (ગધેડાનું) વછેરું ત્યાં બાધેલું જોશો. આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી. વછેરાને છોડીને મારી પાસે લઈ આવો.
31 જો કોઈ વ્યક્તિ તમને પૂછે કે તમે વછેરાને શા માટે લઈ જાઓ છો. તમારે કહેવું, ‘પ્રભુને આ વછેરાની જરૂર છે.”‘
32 બે શિષ્યો શહેરમાં ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે જ તેઓને વછેરું મળ્યું.
33 શિષ્યોએ વછેરાને છોડ્યું. પણ વછેરાના માલિકો બહાર આવ્યા. તેઓએ શિષ્યોને કહ્યું કે, “તમે અમારા વછેરાને શા માટે છોડો છો?”
34 શિષ્યોએ ઉત્તર આપ્યો કે, “પ્રભુને તેની જરુંર છે.”
35 તેથી ઈસુની પાસે તે શિષ્યો વછેરાને લાવ્યા. શિષ્યોએ વછેરાની પીઠ પર તેઓનાં લૂગડાં મૂક્યા. પછી તેઓએ ઈસુને વછેરા પર બેસાડ્યો.
36 ઈસુએ યરૂશાલેમના રસ્તે વછેરા પર સવારી કરી. શિષ્યો ઈસુની આગળ પોતાના લૂગડાં રસ્તા પર પાથરતાં હતા.
37 ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી.
38 તેઓએ કહ્યું કે, “પધારો; પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!” ગીતશાસ્ત્ર “આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!”
39 કેટલાએક ફરોશીઓ જે ટોળામાં હતાં તેઓએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, તારા શિષ્યોને કહે કે આવી વાતો ના ઉચ્ચારે!”
40 ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું તમને કહું છું, આ બાબતો કહેવાવી જોઈએ. જો મારા શિષ્યો આ નહિં કહે તો આ પથ્થરો તેઓને બૂમો પાડીને કહેશે.”
41 ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો. તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ.
42 ઈસુએ યરૂશાલેમને કહ્યું કે, “હું ઈચ્છું છું કે તેં આજે શાંતિ શાના વડે લાવી શકાય તે જાણ્યું હોત. પણ તેં તે જાણ્યું નથી કારણ કે તે તમારાથી ગુપ્ત રખાયેલ છે.
43 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે.
44 તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ. જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ.”
45 ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી.
46 ઈસુએ કહ્યું કે, “શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે.’પરંતુ તમે તેને ચોરોને છુપાવા માટેનો અડ્ડો બનાવી દીધું છે.”‘
47 ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા.
48 પણ બધાજ લોકો ઈસુને નજીકથી એકાગ્રતાથી સાંભળતા હતા. ઈસુ જે કહેતો તેમાં તેઓને ખુબ રસ હતો. તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓને તેને કેવી રીતે મારી નાખવા શું કરવું તે સૂઝતુ ન હતું.