લૂક

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24


પ્રકરણ 15

ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા.
2 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”
3 પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી:
4 “ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે.
5 અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે.
6 તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’
7 એ જ પ્રમાણે , હું તમને કહું છું, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં વધારે આનંદ થાય છે. જે 99 સારા લોકો જેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેઓનાં કરતાં જો એક પાપી પસ્તાવો કરે છે તો તેથી વધારે આનંદ થાય છે.
8 “ધારોકે એક સ્ત્રી પાસે દસ ચાંદીના સિક્કા છે, પણ તે તેઓમાંનો એક ખોવાઇ જાય છે. તે સ્ત્રી દીવો લઈને ઘર સાફ કરશે. જ્યાં સુધી તે સિક્કો નહિ મળે ત્યાં સુધી તે કાળજીપૂર્વક તેની શોધ કરશે.
9 અને જ્યારે તેને ખોવાયેલો સિક્કો જડે છે, ત્યારે તે તેના મિત્રો અને પડોશીઓને બોલાવશે અને તેઓને કહેશે, ‘મારી સાથે આનંદ કરો કારણ કે મને મારો ખોવાએલો સિક્કો જડી ગયો છે.
10 તે જ પ્રમાણે, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે દેવના દૂતો આનંદ કરે છે.”
11 પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા.
12 નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી.
13 “પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા.
14 તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી.
15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.
16 તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. પરંતુ કોઈ પણ માણસે તેને કંઈ પણ આપ્યું નહિ.
17 “તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી.
18 હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે.
19 હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’
20 પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો.“જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી.
21 પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’
22 “પણ પિતાએ નોકરોને કહ્યું, “જલદી કરો! સારામાં સારાં કપડાં લાવો અને તેને પહેરાવો. અને તેની આંગળીએ વીંટી પહેરાઓ અને પગમાં જોડા પહેરાવો.”
23 એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું.
24 મારો દીકરો મરી ગયો હતો, પણ હવે તે ફરીથી જીવતો થયો છે! તે ખોવાઇ ગયો હતો, પણ હમણા તે જડ્યો છે!’ તેથી તેઓએ મોટી મિજબાની કરી.
25 “મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો.
26 તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછયું; ‘આ બધું શું છે?’
27 નોકરે કહ્યું; ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’
28 “મોટો દીકરો ગુસ્સામાં હતો અને મિજબાનીમાં જવા રાજી નહોતો. તેથી તેનો પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું.
29 પુત્રએ તેના પિતાને કહ્યું; ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી.
30 પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’
31 “પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે.
32 આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.”‘