ચર્મિયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52


પ્રકરણ 20

ઈમ્મેરનો પુત્ર યાજક પાશહૂર યહોવાના મંદિરના રક્ષકોનો ઉપરી હતો. તેણે યમિર્યાને આવી ભવિષ્યવાણી ભાખતો સાંભળ્યો,
2 તેથી તેણે યમિર્યાની ધરપકડ કરી અને તેને કોરડાથી ફટકાર્યો, પછી તેણે તેને મંદિરના બિન્યામીન દરવાજા આગળ સાંકળોથી બાધ્યો.
3 બીજા દિવસે સવારે પાશહૂરે યમિર્યાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યમિર્યાએ તેને કહ્યું, “યહોવા તને પાશહૂર નહિ કહે, પણ માગોર-મિસ્સાબીબ (સર્વત્ર ત્રાસ) કહેશે.
4 કારણ કે યહોવા તારા પર તથા તારા સર્વ મિત્રો પર ભય મોકલશે અને તેઓના શત્રુઓની તરવારોથી તેઓને તું મૃત્યુ પામતાં જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઇશ. તે તેમને કેદ કરીને બાબિલ લઇ જશે અને ત્યાં તરવારથી મારી નાખશે.
5 આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે.
6 તું, પાશહૂર, અને તારું કુટુંબ કેદ પકડાશો, તમને બાબિલ લઇ જવામાં આવશે, અને ત્યાં તમારું મોત થશે અને ત્યાં તમે દટાશો. તું અને તારા બધા મિત્રો, જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે.”‘
7 પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે. તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ. કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો. પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે.
8 કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાટાં પાડીને એક જ વાત કહેવાની છે, ‘હિંસા અને વિનાશ!’ હે યહોવા, તારી વાણી સંભળાવવાને કારણે આખો દિવસ મારે હાંસી અને નામોશી સહન કરવી પડે છે.”
9 હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ, એને નામે બોલું જ નહિ.” તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ મારા અંતરમાં ભડભડી ઊઠે છે; અને હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ નથી રાખી શકતો.
10 ચારે બાજુથી હું તેઓની ધમકીઓ ઉચ્ચારાતી સાંભળું છું અને મને ડર લાગે છે, તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું. જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે, ક્યારે ભયંકર ભૂલ કરી બેસું. તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે તેના પર આપણું વૈર વાળીશું. તેઓ આ પ્રમાણે કહે છે.”
11 પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે. તે પરાક્રમી તથા ભયાવહ છે. મારા જુલમગારો ઠોકર ખાશે, તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે; તેઓ બધી રીતે અપમાનિત થશે અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.
12 હે સૈન્યોના દેવ યહોવા, તમે સતનું પારખું કરો છો, મારા મનનો અને હૃદયનો તાગ લો છો; અને હું ઇચ્છું છું કે હું તમને એમના પર બદલો વાળતા જોવા પામુંં, કારણ કે મેં મારો દાવો ફકત તમને સોંપ્યો છે.
13 યહોવાના ગીત ગાઓ, એમનાં ગુણગાન કરો. કારણ, તેણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓનું જીવન ઉગારી લીધુ છે.
14 તેમ છતાં મારા જન્મનો દિવસ શાપિત થાઓ!
15 તને પુત્ર થયો છે એવી વધામણી મારા પિતાને આપનાર માણસ શાપિત થાઓ.
16 તે માણસના હાલ એ પુરાતન નગરોના જેવા થાવ. જેનો યહોવાએ દયા રાખ્યા વગર નાશ કર્યો છે, ભલે તેને આખો દિવસ રણનાદ સંભળાય; સવારમાં આર્તનાદ અને બપોરે યુદ્ધનાદ સંભળાય,
17 કારણ કે, તેણે મને ગર્ભમાં જ મારી ન નાખ્યો, તો મારી માતા જ મારી કબર બની હોત, તેનું ઉદર સદા માટે મોટું રહ્યું હોત.
18 હું કષ્ટો અને દુ:ખ સહન કરવા માટે, શરમાળ જીવન જીવવા માટે શું કામ ગર્ભમાંથી બહાર આવ્યો?