ચર્મિયા
પ્રકરણ 17
યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે; તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;
2 કારણ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.
3 અરે, ખેતરમાંના મારા પર્વત, તમારાં સર્વ પાપોની કિંમત રૂપે હું તમારી સર્વ સંપત્તિ તમારા શત્રુઓને આપી દઇશ.
4 મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો. દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે, જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં હું તમને મોકલી આપીશ. તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે અને તે સદાકાળ સળગતો રહેશે.”
5 આ યહોવાના વચન છે, “એને શાપિત જાણજો જે મારાથી વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે, જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!
6 તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે. જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે એવી ખારી જમીનમાં ઊભો છે અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.
7 પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે.
8 તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે, જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે; તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી; એનાં પાંદડા લીલાછમ રહે છે. દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી, તે ફળ આપતું જ રહે છે.
9 માણસના મન જેવું કઇં કપટી નથી; તે એવું તો કુટિલ છે કે તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.
10 માત્ર યહોવા તે જાણે છે, યહોવા સર્વ હૃદયોની તપાસ કરે છે. અને તેના અભ્યંતરની પરીક્ષા કરે છે. જેથી પ્રત્યેકના આચરણ પ્રમાણે એટલે તેણે કેવું જીવન વીતાવ્યું છે તેના આધારે તેને તે યોગ્ય બદલો આપે છે.
11 અન્યાયને માગેર્ ધન એકઠું કરનાર માણસ તો કોયલ જેણે પોતે જન્મ આપ્યો નથી તેવા ઇડાને સેવી રહી છે તેના જેવો છે. અડધી ઉંમર થતાં એ ધન એને છોડી જશે; આખરે તે મૂરખ ઠરશે.”
12 પરંતુ આપણું મંદિર, આપણો આશ્રય તો અનાદિ કાળથી ઉચ્ચસ્થાને મૂકેલું મહિમાવંત સિંહાસન છે.
13 હે યહોવા, તું ઇસ્રાએલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે, ધૂળમાં લખેલા નામની જેમ તે ભૂંસાઇ જશે, કારણ કે તેમણે તમારો, જીવનના પાણીના ઝરાનો ત્યાગ કર્યો છે.
14 હે યહોવા, તમે જો મને સાજો કરો, તો હું સાચે જ સાજો થઇ જઇશ. મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું.
15 લોકો મારી મશ્કરી કરીને મને પૂછયા કરે છે, “યહોવાના વચનો ક્યાં ગયા? જોઇએ તો ખરા કેવાં સાચાં પડે છે!”
16 યહોવા, મેં તમને એમનું ભૂંડું કરવાં આગ્રહ કર્યો નથી, મેં આ આફતની આંધીનો દિવસ માગ્યો નથી, એ તમે જાણો છો; મારે મોઢેથી શું નીકળ્યું હતું એની તને ખબર છે.
17 મને ભયભીત ન કરશો. તમે તો સંકટ સમયના મારા આશ્રય છે.
18 મારા જુલમગારો પર તમે મૂંઝવણો તથા મુશ્કેલીઓ લાવો, પરંતુ મને શાંતિ આપો, હા, તેઓ પર તમે બમણો વિનાશ લાવો.
19 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.
20 “અને કહે: ‘આ દરવાજામાંથી પસાર થનાર હે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરૂશાલેમના વાસીઓ! તમે યહોવાની વાણી સાંભળો.
21 આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ.
22 વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો.
23 તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.”‘
24 યહોવા કહે છે, “‘હવે જો તમે મને આધીન થશો અને વિશ્રામવારને દિવસે કોઇ કામ નહિ કરો તેને અલગ કરાયેલો-વિશિષ્ટ અને પવિત્ર દિવસ માની તેની પવિત્રતા જાળવો.
25 “‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે.
26 યહૂદિયાના નગરોમાંથી, યરૂશાલેમની આસપાસના ગામોમાંથી, બિન્યામીનના, નીચાણના તેમજ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનાર્પણ, બલિઓ, ખાદ્યાર્પણ અને ધૂપ તથા ઉપકારાર્થાર્પણ લઇને મંદિરે આવશે.
27 “‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.”‘