ચર્મિયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52


પ્રકરણ 1

બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યમિર્યા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે:
2 યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વષેર્ તેને યહોવાની વાણી સંભળાઇ;
3 વળી યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન તેમ જ તે પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યના અગિયારમા વર્ષ સુધી એ સંભળાતી રહી. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા.
4 યહોવાએ મને કહ્યું:
5 “તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”
6 મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”
7 પરંતુ યહોવાએ કહ્યું, “‘હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવંુ પડશે.
8 તે લોકોથી બીશ નહિ, કારણ, હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”‘ આ યહોવાના વચન છે.
9 પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું, તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે, વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે, બાંધવાનું અને રોપવાનું છે.”
11 પછી મને યહોવાએ કહ્યું, “યમિર્યા, જો! તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામડીના ઝાડની ડાળીને હું જોઇ શકું છુ.”
12 પછી યહોવાએ મને કહ્યું, “તેં જે કઇં જોયું તે બરાબર છે, કારણ, હું તારા પરના મારાં વચનો પૂરાં કરવાની બાબતની ખાતરી કરવા ધ્યાનથી જોઉ છું.”
13 ફરીવાર મને યહોવાનાં વચન સંભળાયા, “તને શું દેખાય છે?”મેં કહ્યું, “એક ઊકળતો ચરું દેખાય છે; એ ઉત્તર તરફથી આ તરફ નમેલો છે.”
14 યહોવાએ કહ્યું, “ઉત્તરમાંથી જ આ દેશનાં સૌ વાસીઓ પર આફત ઉતરશે.
15 હા! જુઓ, હું ઉત્તરમાં બધા રાજ્યોને બોલાવું છું. તેમના રાજાઓ યરૂશાલેમના દરવાજા સામે તેની ફરતેની દીવાલની સામે, તેમ જ યહૂદિયાના બધા નગરોની સામે પોતપોતાનું સિંહાસન માંડશે. આ યહોવાના વચન છે.
16 મારા લોકોના સર્વ દુષ્કૃત્યો બદલ હું તેમને સજા ફરમાવીશ. કારણ, તેમણે મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ કર્યા છે, પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા પણ કરી છે.
17 “તારા માટે તારે ઉભા થવું પડશે, તારો પોષાક પહેર અને બહાર જા, અને હું તને જે ફરમાવુ તે તું જઇને તેઓને કહે. તેઓથી ડરીશ નહિ, નહિ તો હું તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.
18 અને તેના બદલે હું તને, તે શહેર જેની બાજુએ કિલ્લો હશે તેવો બનાવીશ અને તને લોખંડી સ્તંભ જેવો અને કાંસાની દીવાલ બનાવું છું જેથી તું રાજાઓ, આગેવાનો, યાજકો અને યહૂદિયાના બધા લોકો જે તારી વિરુદ્ધ છે, તેમની સામે ઊભો રહી શકે.
19 તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કારણ, હું તારે પડખે રહી તારું રક્ષણ કરીશ.” આ હું યહોવા બોલું છું.