૧ થેસ્સલોનિકીઓને

1 2 3 4 5


પ્રકરણ 1

પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામા રહેતી મંડળી, તે મડંળી જોગ, દેવ બાપમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને કૃપા અને શાંતિ થાઓ.
2 જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ.
3 જ્યારે અમે દેવ બાપને પ્રાર્થીએ છીએ ત્યારે તમારા વિશ્વાસને કારણે તમે જે કાર્યો કર્યા છે તેના માટે અમે સતત દેવનો આભાર માનીએ છીએ. અને તમારા પ્રેમને લીધે તમે જે કાર્યો કર્યો છે તેના માટે પણ અમે દેવનો આભાર માનીએ છીએ. અને તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશામાં દૃઢ બની રહો તે માટે અમે તેનો આભાર માનીએ છીએ.
4 ભાઈઓ અને બહેનો, દેવ તમને પ્રેમ કરે છે. અને અમે જાણીએ છીએ કે તમને તેના બનવા માટે તેણે પસંદ કર્યા છે.
5 અમે તમને સુવાર્તા પહોંચાડી પરંતુ અમે ફક્ત શબ્દોનો જ ઉપયોગ ન કર્યો, અમે સુવાર્તાને સાર્મથ્યસહિત લઈ આવ્યા. અમે તેને પવિત્ર આત્મા અને પૂર્ણ જ્ઞાન સહિત લઈ આવ્યા જે સત્ય છે. તમારી સાથે અમે ઉપસ્થિત હતા ત્યારે અમે કેવું જીવન જીવતા હતા તે પણ તમે જાણો છો. અમે તમને મદદકર્તા થઈએ એ રીતે જીવ્યા હતા.
6 અને તમે અમારા જેવા અને પ્રભુ જેવા બન્યા. તમે ઘણું સહન કર્યુ, પરંતુ તમે આનંદપૂર્વક પ્રભુની વાત સ્વીકારી. પવિત્ર આત્માએ તમને તે આનંદ આપ્યો.
7 તમે મકદોનિયા અને અખાયામાં તમામ વિશ્વાસીઓ માટે નમૂનારૂપ બન્યા.
8 તમારા દ્વારા મકદોનિયા અને અખાયામાં પ્રભુની વાત ફેલાઈ અને દેવ પ્રતિ તમારો વિશ્વાસ સર્વત્ર પ્રગટ થયો છે. તેથી તમારા વિશ્વાસ વિષે અમારે કાંઈ કહેવાની જરુંર નથી.
9 અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જે સદભાવપૂર્વક તમે અમને સ્વીકાર્યો તે વિષે લોકો સર્વત્ર વાત કરે છે. તમે કેવી રીતે મૂર્તિપૂજા બંધ કરી જીવતા અને સાચા દેવની સેવા કરવા તરફ વળ્યા તે વિષે લોકો વાત કરે છે.
10 તમે મૂર્તિપૂજા બંધ કરી અને હવે તમે આકાશમાંથી દેવનો દીકરો આવે તેની પ્રતીક્ષા કરો છો. દેવે તે દીકરાને મૂએલામાંથી ઉઠાડયો તે ઈસુ છે, કે જે આપણને દેવના આવનારા ન્યાયમાંથી બચાવે છે.