2 કરિંથીઓને
પ્રકરણ 9
હવે દેવના લોકોની સેવા કરવા વિષે મારે તમને લખવાની જરૂર નથી.
2 મને ખબર છે કે તમે મદદરૂપ થવા ઈચ્છો છો. મેં આ વિષે મકદોનિયામાં લોકો સાથે ઘણી બડાઈ મારી છે. મેં તેમને કહ્યું હતું કે તમે અખાયાના લોકો ગયા વર્ષથી અનુદાન કરવા તૈયાર છો. અને તમારી આપવાની અભિલાષાએ અહીંના મોટા ભાગના લોકોને પણ આપવા માટે પ્રેરણાં આપી છે.
3 પરંતુ હું ભાઈઓને તમારી પાસે મોકલું છું. આ બાબતમાં અમારા તમારા વિષેના વખાણ નકામા જાય, તેમ હું ઈચ્છતો નથી. મેં જે રીતે કહ્યું તે રીતે તમે તૈયાર હશો તેવી મારી ઈચ્છા છે.
4 જો મકદોનિયાના લોકોમાંથી કેટલીક વ્યક્તિઓ મારી સાથે આવે અને જુએ કે તમે તૈયાર નથી, તો અમારે શરમાવા જેવું થશે. અમને શરમ આવશે કે અમે તમારામાં આટલો બધો ભરોસો રાખ્યો.
5 તેથી મેં વિચાર્યુ કે અમે આવીએ તે પહેલા આ ભાઈઓને જવાનું હું કહું. તમે જે દાન આપવાનું વચન આપ્યું છે તે તૈયાર રાખવાનું તેઓ પૂરું કરશે. તેથી જ્યારે અમે આવીએ ત્યારે ઉધરાણું તૈયાર હશે, અને તે એ અનુદાન હશે જે તમે આપવા ઈચ્છતા હતા; નહિ કે જે દાન આપવાનું તમે ધિક્કારતા હતા.
6 આટલું યાદ રાખજો-જે વ્યક્તિ અલ્પ વાવે છે તે અલ્પ લણે છે. પરંતુ જે વ્યક્તિ અધિક વાવે છે તે અધિક લણે છે.
7 દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે.
8 અને દેવ તમને જરૂર છે તે કરતાં પણ વધારે આશીર્વાદ આપી શકે છે. ત્યારે બધી જ વસ્તુ તમારી પાસે પુષ્કળ પ્રમાણમાં હશે. દરેક સારાં કામ માટે આપવાને તમારી પાસે પૂરતું હશે.
9 પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે કે:“તે ઉદારતાથી ગરીબોને આપે છે; તેની મમતા અનંત સુધી સતત રહેશે.”
10 દેવ તે એક છે જે વ્યક્તિને વાવણી માટે બીજ આપે છે. અને તે આહાર માટે રોટલી આપે છે. અને દેવ તમને આત્મિક બીજ આપશે અને તે બીજને અંકૂરીત કરશે. તમારી સદભાવનાની તે ઉત્તમ કાપણી કરશે.
11 દેવ તમને દરેક રીતે સમૃદ્ધ બનાવશે કે જેથી મુક્ત રીતે તમે હંમેશા આપી શકો. અને અમારા થકી અનુદાન લોકોને દેવ પ્રત્યે આભારી બનાવશે.
12 આ પવિત્ર સેવા કે જે તમે કરો છો તે માત્ર દેવના લોકોની જરૂરિયાતમાં મદદ કરે છે. એમ નહિ પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન કરે છે.
13 આ સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. આ માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; એ સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી.
14 અને જ્યારે તે લોકો પ્રાર્થના કરશે. ત્યારે તેવી અભિલાષા રાખશે કે તેઓ તમારી સાથે હોય. દેવની ઘણી કૃપા જે તમને પ્રાપ્ત થઈ છે તે કારણે તેઓ આવો અનુભવ કરશે.
15 જેનું વર્ણન થઈ શકે તેમ નથી તેના દાન માટે દેવની સ્તુતિ થાઓ.