૨ કરિંથીઓને
પ્રકરણ 2
તેથી મેં નિર્ણય લીધો છે કે મારી આગલી મુલાકાત તમને ગમગીન બનાવનાર મુલાકાત નહિ હોય.
2 જો હું તમને ઉદાસ કરું તો મને આનંદીત કોણ કરશે? માત્ર તમે જ, કે જેમને મે ઉદાસ ન કર્યા, તે જ મને આનંદીત કરી શકે.
3 મેં તમને પત્ર આ કારણે લખ્યો: કે જેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું. મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે.
4 જ્યારે પહેલા મેં તમને લખ્યું હતું, ત્યારે મારા હૃદયમાં હું ઘણો જ વ્યથીત અને દુઃખી હતો. મેં ઘણાં અશ્રું સહિત લખ્યું હતું. મેં તમને દુઃખી કરવા નહોતું લખ્યું. તમે જાણી શકો કે હું તમને કેટલો પ્રેમ કરું છું, તેથી મેં લખ્યું હતું.
5 તમારા સમૂહની એક વ્યક્તિએ દુઃખ ઊભુ કર્યુ છે. તેણે મને જ દુઃખ પહોંચાડ્યું નથી, પરંતુ તમારામાંના સર્વને તે રીતે દુઃખ પહોંચાડ્યું છે; હું સમજું છું કે તેણે સર્વને આ દુઃખ પહોંચાડ્યું છે.
6 મોટા ભાગના તમારા સમૂહે તેને જે શિક્ષા કરી છે તે તેને માટે પૂરતી છે.
7 પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે.
8 જેથી હું તમને વિનંતી કરું છું કે, તેને તમારો પ્રેમ દર્શાવો.
9 મેં તમને આ કારણે લખ્યું હતું. મારે તમારી પરીક્ષા કરવી હતી અને જોવું હતું કે દરેક બાબતમાં તમે આદેશનું પાલન કરો છો કે નહિ.
10 જો તમે એક વ્યક્તિને માફ કરશો, તો હું પણ તે વ્યક્તિને માફ કરીશ. અને મેં જે માફ કર્યુ છે-જો મારે કાંઈ માફ કરવા જેવું હશે-તો તે તમારા માટે, અને મારામાં રહેતા ખ્રિસ્તની સમક્ષ મેં માફ કર્યુ છે.
11 મેં આમ કર્યુ કે જેથી શેતાન આપણી પાસેથી કશું જીતી શકે નહિ. શેતાનની યોજનાઓ કઈ છે તે આપણે બરાબર જાણીએ છીએ.
12 ખ્રિસ્તની સુવાર્તાનો ઉપદેશ આપવા હું ત્રોઆસ ગયો હતો. પ્રભુએ મને ત્યાં ઉત્તમ તક આપી.
13 પરંતુ મારા ભાઈ તિતસને ત્યાં નહિ જોતાં મને અશાંતિ થઈ. તેથી મેં ત્યાંના લોકોની વિદાય લીધી અને મકદોનિયા ગયો.
14 પરંતુ દેવની સ્તુતિ થાઓ. ખ્રિસ્ત થકી દેવ હંમેશા આપણને વિજયી કરીને દોરી જાય છે. દેવ તેના જ્ઞાનના મધુર સુંગંધીત અત્તરની સુવાસની જેમ બધે ફેલાવવામાં આપણો ઉપયોગ કરે છે.
15 જે લોકોનું તારણ થયું છે અને જે લોકો ભટકી ગયા છે તેમના માટે આપણે ખ્રિસ્તની મીઠી સુગંધરૂપ છીએ, જે આપણે દેવને અર્પણ કરીએ છીએ.
16 જે લોકો ભટકી ગયા છે તેમને માટે આપણે મૃત્યુની દુર્ગંધ છીએ એ દુર્ગંધ જે મૃત્યુ લાવે છે. પરંતુ જે લોકોનું તારણ થયું છે. તેમને માટે આપને જીવનની ફોરમ છીએ જે ફોરમ જીવન લાવે છે. તો આ કામ કરવા માટે કોણ યોગ્ય છે?
17 જે રીતે બીજા લોકો કરે છે તેમ દેવના વચનને આપણે નફા માટે વેચતા નથી. ના! પરંતુ ખ્રિસ્તમાં આપણે દેવ સમક્ષ વફાદારીથી બોલીએ છીએ. જે રીતે દેવ તરફથી મોકલેલ માણસ બોલે તે રીતે આપણે બોલીએ છીએ.