માથ્થી

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


પ્રકરણ 26

ઈસુએ આ બધી બાબતો કહેવાનું પૂરું કર્યા પછી તેણે તેના શિષ્યોને કહ્યું,
2 “તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.”
3 પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું, પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા.
4 તે સભામાં તેઓએ ઈસુની ધરપકડ કરવાનો રસ્તો શોધવા પ્રયત્ન કર્યો. તેઓએ કપટનો ઉપયોગ કરીને, ઈસુને પકડવાની અને મારી નાખવાની યોજના કરી.
5 સભામાંના માણસોએ કહ્યું, “આપણે પાસ્ખાપર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ, આપણા લોકો ગુસ્સે થાય અને ગરબડનું કારણ ઊભું થાય તેમ ઈચ્છતા નથી.”
6 ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન નામના કોઢિના ઘરમાં હતો.
7 જ્યારે ઈસુ ત્યાં હતો, એક સ્ત્રી તેની પાસે આવી. તેની પાસે આરસપાનની ખૂબ કિંમતી અત્તરથી ભરેલી શીશી હતી. તે સ્ત્રીએ ઈસુ જ્યારે જમતો હતો ત્યારે તેના માથા પર અત્તર રેડ્યું.
8 શિષ્યોએ આ જોયું અને તેઓ તે સ્ત્રી પર ગુસ્સે થયા. તે શિષ્યોએ પૂછયું, “આ અત્તરનો બગાડ શા માટે?
9 કારણ કે આ અત્તર ઘણા મૂલ્યે વેચી શકાત અને પૈસા ગરીબ લોકોને આપી શકાત.”
10 પણ શું બન્યું છે તે ઈસુએ જાણ્યું. ઈસુએ કહ્યું, “આ સ્ત્રીને તમે શા માટે સતાવો છો? તેણીએ મારા માટે સારું કામ કર્યુ છે.
11 ગરીબ લોકો તમારી સાથે હમેશા હશે પણ હું સદા તમારી સાથે નહિ હોઉં.
12 આ સ્ત્રીએ મારા શરીર પર અત્તર રેડ્યું. તેણીએ મારા મરણ પછી મારી દફ્નકિયાની તૈયારી માટે કર્યુ છે.
13 હું તમને સત્ય કહું છું, આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે. અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે.”
14 પછી બાર શિષ્યોમાંનો એક મુખ્ય યાજકો પાસે કહેવા ગયો. આ ઈશ્કરિયોત નામનો યહૂદા તે શિષ્ય હતો.
15 યહૂદાએ કહ્યું, “હું તમને ઈસુ સુપ્રત કરીશ. તમે મને આ કરવા માટે શું આપશો?” યહૂદાને યાજકે 30 ચાંદીના સિક્કાઓ આપ્યા.
16 તે સમય પછી યહૂદાએ ઈસુને યાજકોને સોંપવા માટેના ઉત્તમ સમયની રાહ જોવા માંડી.
17 બેખમીર રોટલીના પ્રથમ દિવસે શિષ્યો ઈસુ પાસે આવ્યા. તે શિષ્યોએ કહ્યું, “અમે તારા માટે પાસ્ખા પર્વના ભોજન માટે બધી તૈયારી કરીશું. અમે ભોજનની તૈયારી ક્યાં કરીએ? તારી શી ઈચ્છા છે?”
18 ઈસુએ કહ્યું, “શહેરમાં જાવ, હું જે માણસને જાણું છું, એવા માણસ પાસે જાવ. ઉપદેશક કહે છે તે તેને કહો, ‘પસંદ કરાયેલો નિયત સમય નજીક છે. હું તારા ઘેર મારા શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન કરીશ.”‘
19 શિષ્યોએ આજ્ઞાનું પાલન કર્યુ અને ઈસુએ તેઓને જે કરવા માટે કહ્યું તે કર્યુ. તેઓએ પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યુ.
20 સાંજે ઈસુ મેજ પાસે તેના બાર શિષ્યો સાથે બેઠો હતો.
21 તેઓ બધા જમતા હતા. પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક જે અહીં છે તે મને જલ્દીથી દુશ્મનોને સુપ્રત કરશે.”
22 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યોએ ઈસુને કહ્યું, “પ્રભુ ખરેખર હું તે એક નથી!
23 ઈસુએ કહ્યું, “જે એક જણે મારી સાથે તેનો હાથ વાટકામાં ઘાલ્યો છે તે જ વ્યક્તિ મારી વિરૂદ્ધ જશે.
24 પણ તે વ્યક્તિને અફસોસ છે જેની મારફતે માણસના દીકરાને મારી નાખવા સુપ્રત કરાયો છે. શાસ્ત્રનું લખાણ કહે છે કે આ બનશે. પરંતુ જે માણસના દીકરાને મારી નાખવા માટે સોંપે છે, તે વ્યક્તિનું ઘણું ખરાબ થશે. જો તે માણસ જન્મ્યો ના હોત તો તેને માટે સારું હોત.”
25 પછી યહૂદાએ ઈસુને કહ્યું, “ઉપદેશક, ચોક્કસ હું તારી વિરૂદ્ધ જઈશ નહિ.” (યહૂદા તે એક છે જે ઈસુને તેના દુશ્મનોને સોંપશે.)ઈસુએ ઉત્તર આપ્યો, “હા તું તે જ છું.”
26 જ્યારે તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી, ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”
27 પછી ઈસુએ એક દ્રાક્ષારસનો પ્યાલો લીઘો. તે માટે દેવનો આભાર માન્યો. અને તે તેના શિષ્યોને આપ્યો. ઈસુએ કહ્યું, “તમારામાંના દરેક જણ આ પીઓ.
28 આ દ્રાક્ષારસ મારું લોહી છે. નવા કરારનું એ મારું લોહી (મરણ) છે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવામાં આવ્યું છે.
29 હું તમને આ કહું છું કે: જયાં સુધી આપણે મારા પિતાના રાજ્યમાં ભેગા મળીશું નહિ ત્યાં સુધી હું ફરીથી આ દ્રાક્ષારસ પીશ નહિ. તે દ્રાક્ષારસ નવો હશે. ત્યારે હું તમારી સાથે ફરીથી પીશ.”
30 બધા શિષ્યોએ ગીત ગાયું. પછી તેઓ જૈતુનના પહાડ પર ગયા.
31 ઈસુએ શિષ્યોને કહ્યું, “આજે રાત્રે તમે મારા કારણે તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રલેખમાં લખેલું છે.‘હું ઘેટાંઓના પાળકને મારીશ, અને ઘેટાંઓ દૂર ભાગી જશે.’
32 પણ મારા મરણ પછી, હું મરણમાંથી સજીવન થઈશ. પછી હું ગાલીલમાં જઈશ. તમારા ત્યાં જતાં પહેલા હું ત્યાં હોઈશ.”
33 પિતરે ઉત્તર આપ્યો, “તારા કારણે બીજાઓ કદાચ વિશ્વાસ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું, આજે રાત્રે તું કહીશ તું મને ઓળખતો નથી. મરઘાના બોલતા પહેલા તું આ ત્રણ વાર કહીશ.
35 પરંતુ પિતરે ઉત્તર આપ્યો, “જો કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહિ કરું!” અને બીજા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
36 પછી ઈસુ તેના શિષ્યો સાથે ગેથશેમા નામની જગ્યાએ ગયો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું ત્યાં જાઉં અને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહી બેસો.”
37 ઈસુએ પિતર અને ઝબદીના બંને દીકરાઓને તેની સાથે લીઘા. પછી તે શોકાતુર અને દુ:ખી થયો.
38 ત્યારે તે તેઓને કહે છે, “મારું હૃદય દુ:ખથી ભાંગી પડે છે. મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ.”
39 પછી ઈસુ તેઓથી થોડે દૂર ચાલ્યો ગયો. અને ઈસુએ ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, જો શક્ય હોય તો મને આ દુ:ખનો પ્યાલો આપીશ નહિ, પરંતુ તારી ઈચ્છા પ્રમાણે કર, મારી ઈચ્છા પ્રમાણે નહિ.”
40 પછી ઈસુ પાછો તેના શિષ્યો પાસે ગયો. ઈસુએ તેના શિષ્યોને ઊંઘતા દીઠા. ઈસુએ પિતરને કહ્યું, “તમે લોકો મારી સાથે એક કલાક માટે પણ જાગતા રહી શકતા નથી?
41 જાગતા રહો, અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. તમારો આત્મા જે સાચું છે તે કરવા ઇચ્છે છે. પણ તમારું શરીર અબળ છે.”
42 પછી ઈસુ બીજી વાર દૂર ગયો અને પ્રાર્થના કરી, “મારા બાપ, મારી પાસેથી જો દર્દ ભરી સ્થિતિ દૂર ન કરી શકાય અને જો મારે તે કરવું જોઈએ તો પછી હું પ્રાર્થના કરું છું કે તું ઈચ્છે છે તે પ્રમાણે થાય.”
43 પછી ઈસુ શિષ્યો પાસે ગયો. ઈસુએ ફરીથી તેમને ઊંઘતા દીઠા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી.
44 તેથી ઈસુ તેઓ પાસેથી ખસી ગયો અને તેમનાથી દૂર ગયો અને પહેલાની માફક તે જ શબ્દોમાં ત્રીજી વખત પ્રાર્થના કરી.
45 પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો અને કહ્યું, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? માણસના દીકરાને પાપી લોકોને સુપ્રત કરવાનો સમય આવ્યો છે.
46 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જે મને મારા દુશ્મનોને સુપ્રત કરશે.”ઈસુ હજી બોલતો હતો ત્યારે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા બાર શિષ્યોમાંનો એક હતો. આ લોકો મુખ્ય યાજકો તથા લોકોના વડીલોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદાની સાથેના આ લોકો પાસે તલવારો અને લાકડીઓ હતી.
47 યહૂદાએ લોકોને આ માણસ ઈસુ લાકડીઓ હતી.
48 યહૂદાએ લોકોને આ માણસ ઈસુ છે તે બતાવવા કઈક યોજના કરી હતી. યહૂદાએ કહ્યું, “હું જે માણસને ચૂમીશ તે જ ઈસુ છે; તેને પકડી લેજો.”
49 તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, “રાબ્બી સલામ!” યહૂદા ઈસુને ચુમ્યો.
50 ઈસુએ કહ્યું, “મિત્ર, તું જે કરવા આવ્યો છું તે કર.”પછી તે માણસો આવ્યા અને ઈસુ પર હાથ નાખીને તેને પકડી લીધો.
51 ઈસુની સાથેના શિષ્યોમાંના એકે લાંબો હાથ કરીને પોતાની તલવાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકર પર હુમલો કર્યો અને કાન કાપી નાખ્યો.
52 ઈસુએ તે માણસને કહ્યું, “તારી તલવાર પાછી તેની જગ્યાએ મૂકી દે. જે લોકો તલવારનો ઉપયોગ કરે છે તેઓ તલવાર વડે મારી નંખાશે.
53 તમે ખરેખર જાણો છો કે મારા બાપ પાસે માંગણી કરું તો તે દૂતોની બાર ફોજ કરતાં વધારે આપી શકે.
54 પરંતુ ધર્મલેખોમાં કહ્યું છે તેથી એવું જ થવું જોઈએ.”
55 પછી ઈસુએ બધા લોકોને કહ્યું, “તમે તલવારો અને લાકડીઓ લઈને હું અપરાધી હોઉં તે રીતે મને પકડવા આવ્યો છો? હું હંમેશા મંદિરમાં બેસીને બોધ આપતો હતો. તમે ત્યાં મને પકડ્યો નહિ.
56 પરંતુ આ બધી ઘટનાઓ બની, તેથી પ્રબોધકોના લેખ પૂર્ણ થયા.” પછી ઈસુના બધા શિષ્યો તેને છોડીને દૂર નાસી ગયા.
57 ઈસુને જે માણસોએ પકડયો હતો તેઓ તેને પ્રમુખ યાજક કાયાફા પાસે દોરી ગયા. શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ નેતાઓ ત્યાં ભેગા થયા હતા.
58 પિતર ઈસુ પાછળ ગયો, પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર પ્રમુખ યાજકના ઘરની ઓસરી સુધી ઈસુની પાછળ આવ્યો. તે અંદર ગયો અને ચોકીદારો સાથે બેઠો. પિતર જોવા ઈચ્છતો હતો કે અંતમાં ઈસુનું શું થશે.
59 મુખ્ય યાજકો અને સમગ્ર ન્યાયી સભાએ ઈસુની વિરૂદ્ધ કંઈ શોધવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ તેને મારી નાખી શકે. તેઓએ લોકોને જૂઠી સાક્ષી કહેવડાવવા માટે પ્રયત્ન કર્યો કે ઈસુએ ખોટું કર્યુ છે.
60 ઘણા લોકો આવ્યા અને ઈસુ વિષે ખોટી વાતો કહી. પરંતુ સભાને ઈસુને મારી નાખવા માટે સાચું કારણ મળ્યું નહિ, પછી બે માણસો આવ્યા અને કહ્યું,
61 “આ માણસે કહ્યું છે કે, ‘હું દેવના મંદિરનો નાશ કરી શકું છું અને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકું છું.”‘
62 પછીથી પ્રમુખ યાજક ઊભો થયો, અને તેણે ઈસુને કહ્યું, “આ લોકોએ તારી વિરૂદ્ધ કહ્યું છે. તારી વિરૂદ્ધમાં મુકાયેલા આક્ષેપો વિષે તારે કંઈક કહેવું છે? શું આ લોકો સાચું કહે છે?”
63 પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં.ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”
64 ઈસુએ કહ્યું, “હા, હું છું. ભવિષ્યમાં તમે માણસના દીકરાને દેવની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના દીકરાને આકાશના વાદળા પર આવતો જોશો.”
65 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં. અને કહ્યું, “હવે વધુ સાબિતીની જરૂર નથી, તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો.
66 તમે શું વિચારો છો?”યહૂદીઓએ ઉત્તર આપ્યો, “તે અપરાધી છે, અને તે મરણજોગ છે.”
67 પછી ત્યાં લોકો ઈસુના ચહેરા પર થૂંક્યા અને તેઓએ તેને મૂક્કીઓ મારી. બીજા લોકોએ ઈસુને થબડાકો મારી.
68 તેઓએ કહ્યું, “ઓ ખ્રિસ્ત! અમને કહે તને કોણે માર્યુ!”
69 તે સમયે, પિતર પરસાળમાં બેઠો હતો. એક સેવિકા પિતર પાસે આવી. તેણે કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની જોડે હતો.”
70 પણ પિતરે કહ્યું કે, તે ઈસુ સાથે કદી હતો નહિ. તેણે ત્યાં બધા લોકોને આ કહ્યું. પિતરે કહ્યું, “તમે કોના વિષે વાત કરો છો તે હું જાણતો નથી.”
71 પછી પિતરે પરસાળ છોડી, દરવાજા આગળ બીજી એક સેવિકાએ તેને જોયો. તેણે ત્યાં લોકોને કહ્યું, “આ માણસ ઈસુ નાઝારી સાથે હતો.”
72 ફરીથી, પિતરે દેવના સમ ખાઈન કહ્યું કે તે ઈસુ સાથે કદી ન હતો. પિતરે કહ્યું, “દેવના સોગંદ પૂર્વક કહું છું કે હું આ માણસ ઈસુને ઓળખતો નથી!”
73 થોડીવાર પછી ત્યાં ઊભેલા કેટલાક લોકો પિતર પાસે ગયા અને કહ્યું, “અમે જાણીએ છીએ કે ઈસુને અનુસરનારા તે લોકોમાંનો તું એક છે કારણ કે તું જે રીતે વાત કરે છે તે જ બતાવે છે. તેના આધારે અમે આ કહીએ છીએ.”
74 પછી પિતરે શાપ આપવાનું શરૂ કર્યુ. તેણે દ્ઢતાથી કહ્યું, “હું દેવના સમ ખાઉં છું કે હું આ માણસને ઓળખતો નથી.” પિતરના આમ કહ્યા પછી મરઘો બોલ્યો.
75 પછી ઈસુએ તેને જે કહ્યું હતું, તે પિતરને યાદ આવ્યુ, “મરઘો બોલતા પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર બહાર ગયો અને ધ્રુંસકે ધ્રુંસકે રડયો.