માથ્થી

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28


પ્રકરણ 13

તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો.
2 ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં.
3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો.
4 જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં.
5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં.
6 પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં.
7 કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝંાખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા.
8 કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા.
9 તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”
10 પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?”
11 ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી.
12 જેની પાસે સમજ છે, તેને આપવામાં આવશે અને તેની પાસે તેની જરૂરિયાત કરતાં પણ પુષ્કળ થશે, પણ જેની પાસે સમજ નથી, તેની પાસે જે થોડી ઘણી છે તે પણ ગુમાવી બેસશે.
13 આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી.
14 તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે:‘તમે લોકો સાંભળશો અને સાંભળતા જ રહેશો, પણ કદી સમજશો નહિ. તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ. અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં આ સાચું સાબિત થયું છે.
15 કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે. તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે. કારણ સત્ય જોવું નથી, નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ, પોતાના કાનથી સાંભળે, અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું તેઓને સાજા કરું.’ યશાયા 6:9-10
16 પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે.
17 હું તમને સત્ય કહું છું કે ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે જુઓ છો તે જોવા ઈચ્છતા હતા પરંતુ તેઓ જોઈ શકયા નહિ. અને ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પરંતુ તે સાંભળી શકયા નહિ.
18 “બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો’
19 “જે બીજ રસ્તા ઉપર પડ્યા છે તેનો અર્થ શો? એનો અર્થ એ કે જે રાજ્ય વિષેની સંદેશ સાંભળે છે પણ તે સમજી શકતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે વાવેલું તે એ જ છે.
20 “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? એ બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારી લે છે.
21 તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે.
22 “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી.
23 “સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.”
24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી.
25 એક રાત્રે, બધાં જ માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો.
26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા.
27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’
28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’“નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’
29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો.
30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.”‘
31 પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું.
32 બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે.
33 પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.”
34 ઈસુએ લોકોને દૃષ્ટાંત કથાઓ દ્વારા ઉપદેશ આપ્યો. તેણે દૃષ્ટાંત કથાઓનો ઉપયોગ કર્યા સિવાય કદીયે ઉપદેશ આપ્યો નથી.
35 આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે:“હું દૃષ્ટાંતો દ્વારા જ વાત કરીશ; અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.” ગીતશાસ્ત્ર 78:2
36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે.
38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે.
39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે.
40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે.
41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે.
42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે.
43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો!
44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.
45 “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે.
46 એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું.
47 “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી.
48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી.
49 સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે.
50 દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.”
51 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે આ બધી બાબતો સમજો છો?”શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.”
52 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”
53 જ્યારે ઈસુએ દૃષ્ટાંતો દ્વારા પોતાનો ઉપદેશ પૂરો કર્યા પછી ત્યાંથી ચાલી નીકળ્યો.
54 ઈસુ જ્યાં ઉછરીને મોટો થયો હતો ત્યાં ગયો અને લોકોને તેમના સભાસ્થાનમાં ઉપદેશ આપવા લાગ્યો. અને લોકો આશ્ર્ચર્યમુગ્ધ થયા અને કહ્યું, “આ માણસને આવું ડહાપણ અને ચમત્કાર કરવાનું પરાક્રમ કયાંથી પ્રાપ્ત થયું?”
55 આ તો એક સુથારનો દીકરો છે. તેની મા મરિયમ તરીકે ઓળખાય છે. તેના ભાઈઓને યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તરીકે આપણે ઓળખીએ છીએ.
56 તેની બહેનો પણ અહીં જ રહે છે, તો આ માણસમાં આટલું બધું ડહાપણ અને આ બધું કરવાનું સાર્મથ્ય કયાંથી આવ્યાં?
57 એથી એ લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ.એટલે ઈસુએ લોકોને કહ્યું, “પ્રબોધકને પોતાના ગામ કે પોતાના ઘર સિવાય બધે જ સન્માન મળે છે.”
58 તે લોકો ઈસુમાં વિશ્વાસ કરતાં ન હતા, તેથી તેણે ત્યાં ઘણાં પરાક્રમી કાર્યો બતાવ્યા નહિ.