મીખાહ
પ્રકરણ 4
હવે પાછલા દિવસોમાં યહોવાના મંદિરનો પર્વત બીજા બધા પર્વતો કરતાં ઊંચો કરવામાં આવશે, જે બીજાં બધાં શિખરો પર થશે, તે બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે.
2 ઘણાં જુદા જુદા દેશના લોકો ત્યાં ચાલ્યાં આવશે અને કહેશે કે, “ચાલો આપણે યહોવાના પર્વત ઉપર, યાકૂબના વંશના દેવનામંદિરે જઇએ; જે આપણને તેના પોતાના જીવનમાર્ગ વિષે શીખવશે અને પછી આપણે તેના માગેર્ ચાલીશું.” કારણકે નિયમશાસ્ત્ર સિયોનમાંથી બહાર પડશે અને યહોવાનાં વચન યરૂશાલેમ તરફથી પ્રગટ થનાર છે.
3 તે ઘણા લોકોને ન્યાય કરશે, દૂરના બળવાન લોકો માટે નિર્ણયો કરશે; ત્યારે લોકો પોતાની તરવારો ટીપીને હળની કોશો બનાવશે; અને ભાલાઓનાં દાંતરડા બનાવશે. પ્રજાઓ એકબીજા સામે તરવાર ઉગામશે નહિ કે ફરીથી કદી યુદ્ધનું પ્રશિક્ષણ લેશે નહિ.
4 પણ પ્રત્યેક મનુષ્ય પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે; અને તેમને કોઇનો ભય રહેશે નહિ, કારણ કે આ સૈન્યોનો દેવ યહોવાના મુખના વચન છે.
5 પ્રત્યેક પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે પણ સર્વકાળ હંમેશા, અમારા સૈન્યોનો દેવ યહોવા દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.
6 યહોવા કહે છે કે, “તે દિવસે જેમને મેં હાંકી કાઢીને દુ:ખી કર્યા છે, જેઓ અપંગ થઇ ગયા છે તે મારા લોકોને હું એકત્ર કરીશ.
7 હું અપંગોને અતિજીવી બનાવીશ અને દૂર હાંકી કઢાયેલાઓમાંથી એક શકિતશાળી રાષ્ટ બનાવીશ અને યહોવા સદાકાળને માટે સિયોનના પર્વત ઉપરથી તેમના ઉપર સર્વકાળ સુધી રાજ્ય કરશે.
8 અને તમે, ટોળાંના બૂરજો, સિયોનની પુત્રીના શિખર, તમે તમારી શકિત પાછી મેળવશો અને અગાઉનું રાજ્ય યરૂશાલેમની પુત્રી પાસે પાછું ફરશે.”
9 હવે તું શા માટે મોટેથી બૂમો પાડે છે? તારે ત્યાં રાજા નથી? તારા સલાહકારો નાશ પામ્યા છે કે, તું આમ પ્રસુતાની જેમ પીડાય છે, હે યરૂશાલેમ?
10 હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તું તરફડજે અને ચીસો પાડજે; કારણકે હવે તું યરૂશાલેમમાંથી દૂર થઇ જશે, ને સીમમાં રહેશે, ને બાબિલમાં પણ જશે; ત્યાં તને છોડાવવામાં આવશે; ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે.
11 હવે ઘણી પ્રજાઓ તારી સામે ભેગી થઇ છે અને કહે છે કે, “ભલે તેણી ષ્ટ થાય જેથી આપણી આંખો સિયોનને જોઇ શકે.”
12 પરંતુ તેઓ યહોવાના વિચારોને જાણતા નથી. તેઓ યહોવાની યોજના સમજતા નથી, તેણે તેમને અનાજની જેમ ભેગા કર્યા છે અને તેમને ઝૂડવા માટેની જમીન પર લાવીને મૂક્યા છે.
13 “હે સિયોનની પુત્રી, ઊઠ, અને ખૂંદવા માંડ! હું તારા શિંગડાં લોખંડના અને ખરીઓ કાંસાની બનાવીશ; અને તું તેના વડે ઘણી પ્રજાઓને કચડી નાખીને ચૂરેચૂરા કરી નાખીશ; અને તેમની પાસેથી લૂંટમાં મળેલી સંપત્તિ સમગ્ર પૃથ્વીના યહોવાને સમર્પણ કરીશ.”