મીખાહ

1 2 3 4 5 6 7


પ્રકરણ 3

મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇસ્રાએલ દેશના શાસકો, હવે આ શું તમારા માટે ન્યાયને જાણવાની જગ્યા નથી?
2 પણ તમે ન્યાયને ધિક્કારો છો, ને અન્યાય પર પ્રેમ રાખો છો! તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઊતારી લો છો.
3 તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તેમના શરીર ઉપરથી ચામડી ઉઝરડી નાખો છો, તેમના હાડકાં ભાંગીને ચૂરાં કરી નાંખો છો અને તેને માંસની જેમ રાંધવા માટે તમે તેને કઢાઇમાં પાથરી દો છો.
4 અને પછી સંકટના સમયે મદદ માટે તમે યહોવાને વિનંતી કરો છો! પરંતુ તે તમને જવાબ નહિ આપે. તમે અનિષ્ટ કામો કર્યા છે, તેથી તે તમારાથી મોઢું ફેરવી લેશે.’
5 હે જૂઠા પ્રબોધકો, તમે યહોવાના લોકોને ખોટા માગેર્ લઇ જાઓ છો.તમને ખોરાક આપે તેઓને તમે શાંતિ થાઓ એમ કહો છો અને જેઓ નથી આપતા તેઓને તમે ધમકાવો છો. તમારા માટે દેવનો આ સંદેશો છે.
6 તમારા ઉપર રાત્રીના ઓળાં ઊતરશે; તમને કોઇ સંદર્શન નહિ થાય, તમારા ઉપર અંધારા ઊતરશે, તમે કોઇ ભવિષ્ય ભાખી શકશો નહિ, તમારો સૂર્ય આથમી જશે અને તમારો દિવસ અંધારમય થઇ જશે.
7 દ્રષ્ટાઓ લજ્જિત થશે, અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઇ જશે, તેઓ બધા પોતાના હોઠ ઢાંકી દેશે; કારણકે દેવ તરફથી કઇં પણ ઉત્તર મળતો નથી.
8 “પરંતુ જ્યારે મારા માટે, યાકૂબને તેના અપરાધ વિષે અને ઇસ્રાએલને તેના પાપો વિષે જણાવવા માટે યહોવાના આત્માએ મને સાર્મથ્ય, ન્યાય અને શકિતથી ભરી દીધો છે.”
9 હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો, જેઓ ન્યાયને ધિક્કારો છો, અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, હવે ધ્યાનથી સાંભળો.
10 તમે સિયોનને હિંસાથી અને યરૂશાલેમને અન્યાય દ્વારા બાંધ્યા છે.
11 તેના આગેવાન નેતાઓ લાંચ લઇને ન્યાય કરે છે. ને તેના યાજકો પગાર લઇને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઇને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, અને કહે છે, “શું યહોવા આપણી પાસે નથી? આપણા પર કોઇ આફત આવશે નહિ.”
12 આથી, તમારે કારણે સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરૂશાલેમ કાટમાળનો ઢગલો થઇ જશે; અને ટેકરી ઉપરનું મંદિર ઝાડી ઝાંખરાથી ઢંકાઇ જશે.