પ્રકટીકરણ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


પ્રકરણ 18

પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ.
2 તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:“તેનો વિનાશ થયો છે! તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે! તે ભૂતોનું ઘર બન્યું. તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે. તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે. તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
3 પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.’
4 પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો, જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ. પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
5 તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે. તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
6 તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે. તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો; તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
7 બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા, તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો; તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું. હું વિધવા નથી, હું કદી ઉદાસ થનાર નથી.’
8 તેથી એક દિવસમાં આ બધી ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે. તેનો અગ્નિથી નાશ થશે, કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.
9 “પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે.
10 તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:‘અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર, બાબિલોનનું બળવાન નગર! તારી શિક્ષા એક કલાકમાં થઈ!’
11 “અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી.
12 તેઓ સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, સુંદર બારીક શણના કપડાં, જાંબુડી કાપડ, રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટ,હાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની, પિતળની, લોઢાની તથા સંગેમરમરની, સર્વ જાતની વસ્તુઓ વેચતાં.
13 તે વેપારીઓ, તજ, તેજાનાં, ધૂપદ્ધવ્યો, અત્તર, લોબાન, દ્ધાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંકર, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, પણ તેઓ વેચતા. તે વેપારી માણસો રડશે અને કહેશે કે:
14 ‘ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે. તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે. તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.’
15 “તે વેપારી માણસો તેની વેદનાથી ભયભીત થશે અને તેનાથી દૂર ઊભા રહેશે. આ તે માણસો છે જે વસ્તુંઓ વેચીને તેમાંથી ધનવાન થયા. તે માણસો રડશે અને શોક કરશે.
16 તેઓ કહેશે કે:‘અરેરે! ભયંકર! કેવું ભયંકર! બારીક શણનાં, જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત અને સોનાથી, કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય!
17 આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ!’“સર્વ નાખુદા, બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે, બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા.
18 તેઓએ તેના બળવાનો ધૂમાડો જોયો. તેઓએ મોટે સાદે કહ્યું કે: ‘ત્યાં આના જેવું મહાન નગર કદાપિ હતું નહિ!’
19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે:‘અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર! તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા. પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો!
20 ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ. સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો. તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”‘
21 પછી એક શક્તિશાળી દૂતે એક મોટો પથ્થર ઉઠાવ્યો. આ પથ્થર ઘંટીના પડ જેવો મોટો હતો. તે દૂતે તે પથ્થરને દરિયામાં નાખી દીધો અને કહ્યું કે:“તે મહાન નગર બાબિલોનને એટલી જ નિર્દયતાપૂર્વક નીચે ફેંકી દેવામાં આવશે. તે શહેર ફરીથી કદી જોવામાં નહિ આવે.
22 વીણા વગાડનારા, ગાનારા, બીજા વાજીંત્રો વાંસળી અને રણશિગડું વગાડનારા લોકોનું સંગીત તારામાં ફરી કદી સંભળાશે નહિ. પ્રત્યેક કસબી જે કાંઇ કામ કરતો હોય. ફરીથી કદી તારામાં જોવામાં આવશે નહિ. ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ.
23 તારામાં દીવાનો પ્રકાશ ફરી કદી પ્રકાશશે નહિ. તારામાં વર કન્યાનો અને વરરાજાનો અવાજ ફરી કદી સંભળાશે નહિ કારણ કે તારા વેપારીઓ દુનિયાના મહાન માણસો હતા. તારી જાદુઈ યુક્તિઓથી બધા દેશો ભ્રમમાં પડ્યા.
24 બધા લોકો જેઓને પૃથ્વી પર મારી નાખવામાં આવ્યા હતા, બધા પ્રબોધકો અને સંતોનું લોહી વહાવવા માટે તે (બાબિલોન) દોષિત છે.”