તિતસનં પત્ર

1 2 3


પ્રકરણ 3

તું લોકોને કહે કે તેઓ હંમેશા આ બાબતો યાદ રાખે: રાજસત્તાને અને અધિકારીઓની સત્તા હેઠળ રહેવું; એ અધિકારીઓની આજ્ઞા પાળવી અને દરેક સારી વસ્તુ કરવા તત્પર રહેવું;
2 કોઈ પણ વ્યક્તિના વિષે ખરાબ ન બોલવું; બીજા લોકો સાથે શાંતિથી રહેવું; બીજા લોકો સાથે વિનમ્ર થવું; અને તેઓની સાથે માયાળુ થવું. બીજા લોકો સાથે દયાળુ બનવું. બધા લોકોની સાથે આવો વ્યવહાર કરવાનું તું વિશ્વાસીઓને કહે.
3 ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા.
4 પરંતુ ત્યારબાદ દેવ આપણા તારનારની દયા અને પ્રેમ સૌને પ્રગટ થયાં.
5 તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે.
6 આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવે એ પવિત્ર આત્મા આપણા ઉપર પુષ્કળ રેડયો છે.
7 આમ, દેવની કૃપા વડે જ આપણે ન્યાયી થયા. અને દેવે આપણને આત્મા આપ્યો જેથી આપણને અનંતજીવન મળે. આપણે એની જ તો આશા રાખીએ છીએ.
8 આ વાત સાચી છે.આ બધી બાબતો લોકો સમજે એની તું ખાતરી કર એમ હું ઈચ્છું છું. તો જ દેવમાં વિશ્વાસ કરનારા લોકો સારા કાર્યો કરવા માટે પોતાના જીવનને સમર્પિત કરશે. આ બધી વાતો સારી છે, અને સૌ લોકોને મદદરુંપ થશે.
9 એવા લોકોથી દૂર રહેજે જે મૂર્ખાઈભરી દલીલો કરતા હોય, જે લોકો નકામી વંશાવળીઓની વાતો કર્યા કરતા હોય, જે લોકો મૂસાના નિમયશાસ્ત્રના ઉપદેશ વિષે મુશ્કેલીઓ ઊભી કરીને ઝધડતા હોય. આ બાબતો નકામી છે અને તે લોકોને સહાયરુંપ નહિ થાય.
10 જો કોઈ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ માગતી હોય, તો તું એને ચેતવણી આપ. જો એ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ ચાલુ રાખે, તો ફરી એક વાર એને ચેતવજે. તેમ છતાં જો તે દલીલબાજી કરવાનું કારણ ચાલુ જ રાખે, તો તે માણસ સાથે કોઈ સંબંધ રાખતો નહિ.
11 તું જાણે છે કે એવી વ્યક્તિ દુષ્ટ અને પાપી હોય છે. તેનાં પાપ જ સાબિત કરે છે કે તે ખોટો છે.
12 હું આર્તિમાસ અને તુખિકસને તારી પાસે મોકલીશ. જ્યારે તેઓને હું ત્યાં મોકલું ત્યારે, તું નિકોપુલિસમાં મારી પાસે આવવાનો પ્રયત્ન કરજે. આ શિયાળા દરમ્યાન ત્યાં રહેવાનું મેં નક્કી કર્યુ છે.
13 ત્યાંથી ઝેનાસ શાસ્ત્રી અને અપોલોસ પ્રવાસ કરવાના છે. તારાથી થઈ શકે એટલી બધીજ મદદ તું એમના પ્રવાસ માટે કરજે. જરુંર હોય એવી દરેક વસ્તુ એમને મળી રહે એની તું ખાતરી કરજે.
14 આપણા લોકોએ સારા કામો કરવા માટે તેમના જીવનનો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. જે લોકોને જરુંર હોય એવાનું તેઓએ ભલું કરવું જોઈએ. તે પછી તે લોકોના જીવન નકામા નહિ રહે.
15 અહીં મારી સાથેના બધા લોકો તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને તું ક્ષેમકુશળ કહેજે.તમ સર્વ પર કૃપા થાઓ.