ફિલિપ્પીઓને પત્ર

1 2 3 4


પ્રકરણ 3

અને હવે, મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાઓ. તમને ફરીથી લખવામાં મને કોઈ તકલીફ નથી, અને આમ કરવાથી તમે વધુ જાગૃત બનશો.
2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે.
3 આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ (સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા.
4 હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે.
5 હું આઠ દિવસનો હતો, ત્યારે મારી સુન્નત થયેલી, હું ઈસ્રાયેલી છું અને બિન્યામીનના ફુળનો છું. હું હિબ્રૂઓનો હિબ્રૂ છું અને મારા માતાપિતા હિબ્રૂ હતા, મૂસાનું નિયમશાસ્ત્ર મારે માટે ઘણું જ મહત્વનું હતું અને તેથી જ હું ફરોશી બન્યો હતો.
6 હું મારા યહૂદી ધર્મથી એટલો બધો ઉત્તેજીત હતો કે મેં મંડળીને સતાવેલી. હું જે રીતે મૂસાના નિયમ શાસ્ત્રને અનુસર્યો હતો તેમા કોઈ દોષ શોધી શકે તેમ નહોતો.
7 એક સમયે, આ બધી જ વસ્તુ મારા માટે ઘણી મહત્વની હતી. પરંતુ મેં નક્કી કર્યુ કે ખ્રિસ્ત આગળ આ બધી વસ્તુઓનું કશું જ મૂલ્ય નથી.
8 માત્ર તે જ વસ્તુઓ નહિ, પરંતુ હવે તો મને લાગે છે કે ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને પામવાની મહાનતાની સરખામણીમાં કોઈ પણ વસ્તુ મહત્વની નથી. ખ્રિસ્તને કારણે મેં એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો અને હવે હું જાણું છું કે ખ્રિસ્ત આગળ તે બધી વસ્તુઓ તુચ્છ કચરા જેવી છે. આ રીતે મને ખ્રિસ્ત મળ્યો.
9 આને કારણે હું ખ્રિસ્ત દ્વારા ન્યાયી છું. હું નિયમશાસ્ત્રને અનુસર્યો એને કારણે આ બન્યું નથી. પરંતુ ખ્રિસ્તમાં મારા વિશ્વાસને કારણે શક્ય બન્યું હતું. દેવે મારા ખ્રિસ્તમાંના વિશ્વાસનો ઉપયોગ મને તેને અનુરૂપ બનાવવામાં કર્યો.
10 હું માત્ર ખ્રિસ્તને અને મૃત્યુમાંથી સજીવન થવાના સાર્મથ્યને જાણવા માંગુ છું. હું ખ્રિસ્તની વ્યથામાં સહભાગી થવા માંગુ છું અને તેના મરણમાં તેના સમાન થવા માગું છું.
11 જો હું આમ કરી શકું તો મારી જાતે મૃત્યુમાંથી ઊઠવાની આશા હું રાખી શકું.
12 હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે.
13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું.
14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે.
15 આપણે બધા જે આત્મીય રીતે પરિપકવ થયા છીએ તેમણે આ રીતે વિચારવું જોઈએ. આમાંની કોઈ વસ્તુ સાથે જો તમે સંમત નથી થતા તો, દેવ તમને એ સ્પષ્ટ કરશે.
16 પરંતુ જે સત્ય આપણને લાધી ચૂક્યુ છે તેને અનુસરવાનું આપણે ચાલુ રાખવું જોઈએ.
17 ભાઈઓ અને બહેનો, તમારે બધાએ મારા જેવું જીવન જીવનાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમ તમને બતાવ્યા પ્રમાણેનું જીવન જે જીવતો હોય તેઓનું અનુકરણ કરો.
18 ઘણા લોકો ખ્રિસ્તના વધસ્તંભના દુશ્મન જેવું જીવન જીવે છે. મે તમને ધણી વાર આ લોકો વિષે કહ્યું છે અને હમણાં પણ તેઓના વિષે રડતા રડતા કહું છું.
19 જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે.
20 આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે.
21 તે આપણા નિર્બળ શરીરને બદલી તેઓને તેના પોતાના જેવા મહિમાવાન બનાવશે. ખ્રિસ્ત પોતાની શક્તિ કે જેના વડે તે બધી વસ્તુ ઉપર શાસન કરે છે, તેનાથી આમ કરી શકશે.