રોમનોને પત્ર

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16


પ્રકરણ 14

વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો.
2 એક વ્યક્તિ એવું માને છે કે એને મન ફાવે તેમ તે કોઈપણ જાતનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ નિર્બળ વિશ્વાસ ધરાવનાર માણસ એવું માને છે કે તે ફક્ત શાકભાજી જ ખાઈ શકે છે.
3 કોઈપણ જાતનો ખોરાક લેનાર માણસે એવું માની લેવું ન જોઈએ કે તે શુદ્ધ શાકાહારી વ્યક્તિ કરતાં વધારે સારો છે. અને ચુસ્ત શાકાહારી માણસે પણ એવું માનવું ન જોઈએ કે બધી જાતનો ખોરાક લેનાર માણસ ખોટો છે. કેમ કે દેવે તેનો પણ સ્વીકાર કર્યો છે.
4 બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે.
5 કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે. અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે. ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ.
6 બીજા દિવસો કરતાં અમુક જ દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું જ ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા એ ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. એ પણ દેવનો આભાર માને છે.
7 હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી.
8 જો આપણે જીવીએ છીએ તો તે પ્રભુને ખાતર જ જીવીએ છીએ. અને જો આપણે મરીએ છીએ તો તે પણ પ્રભુને ખાતર જ. આમ, જીવતાં કે મરતાં આપણે પ્રભુનાજ છીએ.
9 તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય.
10 તો પછી ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર તમારા ભાઈ વિષે તમે શા માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધો છો? અથવા તો તમારા ભાઈ કરતાં તમે વધારે સારા છો, એમ તમે શા માટે વિચારો છો? આપણે બધાએ દેવના ન્યાયાસન આગળ ઉપસ્થિત થવાનું છે અને તે આપણા સૌનો ન્યાય કરશે.
11 હા, શાસ્ત્રમાં લખેલું છે: પ્રભુ કહે છે કે,“પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.” યશાયા 45:23
12 આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે.
13 આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે.
14 હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે.
15 જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે.
16 તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ.
17 દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે.
18 જે કોઈ વ્યક્તિ આ રીતે જીવન જીવીને ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પ્રસન્ન કરે છે. અને બીજા લોકો પણ એ વ્યક્તિનો સ્વીકાર કરે છે.
19 જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ.
20 જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય.
21 સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય.
22 આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે.
23 તે ખોરાક ખાવો યોગ્ય છે કે નહિ તેની ખાતરી કર્યા વગર જો કોઈ વ્યક્તિ તે ખાઈ લે તો તે પોતાની જાતને દોષિત માને છે. શા માટે? કારણ કે તે વ્યાજબી હતું એમ તેણે માન્યું નહોતું. અને જો કોઈ વ્યક્તિ જેમાં તેને વિશ્વાસ નથી કે તે સાચું છે અને તે કરે છે તો પછી તે પાપ છે.