માલાખી

1 2 3 4


પ્રકરણ 2

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે યાજકો, હવે આ આજ્ઞા તમારા માટે છે તે સાંભળો:
2 જો તમે તમારા માગોર્ નહિ બદલો અને મારા નામને મહિમા નહિ આપો તો હું તમને ભયંકર શિક્ષા મોકલીશ. હું તમને આશીર્વાદોને બદલે શાપ આપીશ. મેં તમને શાપ આપી જ દીધો છે, કારણકે મારી વાત તમે ધ્યાન પર લેતા નથી.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
3 “હું તમારા વંશજોને સજા કરીશ, તમારા મોઢા પર તમારાં યજ્ઞના પશુઓનું છાણ નાખીશ, અને તેઓની સાથે તમને પણ બાળી નાખવામાં આવશે.
4 ત્યારે તમને ખબર પડશે કે મેં આ ચેતવણી તમને આપી છે, જેથી લેવીવંશી યાજકો સાથેનો મારો કરાર રદ ન થાય.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
5 યહોવા કહે છે, “તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો. અને તે મેં આપ્યાં. તેમણે મારા પ્રત્યે આદરભાવ રાખવાનો હતો અને પહેલાં તેઓ મારા નામનો ડર રાખીને ચાલતા હતા પણ ખરા.
6 તેમનો ઉપદેશ સાચો હતો. અધર્મનો શબ્દ તેમના મુખમાંથી કદી નીકળ્યો ન હતો; તેઓ શાંતિ અને સત્યને માગેર્ મારી સાથે ચાલતા હતા અને ઘણાને પાપમાંથી પાછા વાળતા હતા.
7 એટલે માણસો તેમની પાસે ઉપદેશની અપેક્ષા રાખે છે. કારણકે તેમના હોંઠ ઉપર હર સમયે જ્ઞાન હોવું જોઇએ અને તેઓ તો સૈન્યોનો દેવ યહોવાના સંદેશાવાહક છે.”
8 “પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણા લોકોને માર્ગદર્શન આપીને ઠોકર ખવડાવીને પાપમાં નાખ્યાં છે. તમે લેવીના કરારનું અપમાન કર્યું છે.” એવું સૈન્યોનો દેવ યહોવા કહે છે.
9 “મેં તમને લોકોની નજરમાં તિરસ્કારપાત્ર અને ઘૃણાપાત્ર બનાવી દીધા છે. કારણકે તમે મારા ઉપદેશને વળગી રહેતા નથી, અને જ્યારે તમે ન્યાય કરો છો ત્યારે પક્ષપાત કરો છો.”
10 શું આપણા સર્વના પિતા એક જ નથી? શું એક જ દેવે આપણું સર્જન કર્યું નથી? તો પછી આપણા પિતૃઓના કરારનો ભંગ કરીને આપણે આ રીતે શા માટે એકબીજાનો વિશ્વાસઘાત કરીએ છીએ?
11 યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે.
12 જે કોઇ એ પ્રમાણે કરે તે બધાનો યહોવા ઇસ્રાએલના સમાજમાંથી બહિષ્કાર કરો. પછી ભલે તેઓ સૈન્યોનો દેવ યહોવાને માટે અર્પણો લાવતા હોય.
13 યહોવા તમારાં અર્પણો પ્રત્યે ધ્યાન આપતા નથી અને તમને તેમના તરફથી આશીર્વાદો મળતા નથી. તેથી તમે તમારાં આંસુઓથી યહોવાની વેદીને ભીંજવો છો.
14 તમે પૂછો છો, “શા માટે?” કારણ, જેને તમે જુવાનીમાં દેવની સાક્ષીએ પત્ની તરીકે સ્વીકારી હતી તેને તમે બેવફા નીવડ્યા છો, જો કે કરાર મુજબ તે તમારી જીવનસંગીની અને ધર્મપત્ની હતી.
15 શું દેવે તેને અને તમને એક દેહ અને એકાત્મા બનાવ્યાં નહોતાં? અને ધર્મસંતતિ સિવાય બીજા શાની તે અપેક્ષા રાખે છે? તમારા મન પર સંયમ રાખો અને તમારી જુવાનીની પત્નીને બેવફા ન બનો.
16 કારણકે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “છૂટાછેડાને અને ક્રૂર માણસોને તે ધિક્કારે છે. માટે તમારા દેહની લાગણીઓ પર સંયમ રાખો; તમારી પત્નીઓને તમે છૂટાછેડા ન આપો.”
17 તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે, તો પણ તમે પૂછો છો કે, શી રીતે અમે તમને કંટાળો ઉપજાવ્યો છે? તમે કહો છો, “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે પ્રસન્ન થાય છે; અથવા એમ પૂછીને કે, દેવનો ન્યાય ક્યાં છે?”