ઝખાર્યા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14


પ્રકરણ 9

યહોવાએ વચનરૂપી દેવવાણી હાદ્રાખ દેશ તથા દમસ્કની વિરુદ્ધ આપી છે. “ઇસ્રાએલના કુળસમૂહ જ એક માત્ર દેવને જાણનાર નથી. દરેક જણ મદદ માટે તેની તરફ જાય છે.
2 અને એની સરહદે આવેલું હમાથ પણ એનું જ છે. તૂર અને સિદોન પણ ગમે તેટલાં ચતુર હોય તોય એનાં જ છે.
3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે સોનાચાંદીને ધૂળની જેમ અને શેરી પરની માટીની જેમ ખૂબજ ભેગા કર્યા છે.
4 પણ યહોવા તેનો કબજો લેશે, તેની બધી સંપત્તિ દરિયામાં ડુબાડી દેશે અને એ શહેર સુદ્ધાંને આગ ભરખી જશે.
5 “આશ્કલોન તે જોઇને થથરી જશે, ગાઝા પણ ભયથી ફફડશે, અને એક્રોનની આશાઓ ખોટી પડશે. ગાઝામાં રાજા નહિ રહે અને આશ્કલોન નિર્જન થઇ જશે.
6 આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે, યહોવા કહે છે, “હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.
7 હું તેમને લોહીવાળું માંસ કે બીજા નિષિદ્ધ પદાથોર્ ખાતાં બંધ કરીશ. એ લોકોમાંથી જેઓ બચવા પામશે તેઓ મારી પ્રજા બની જશે અને યહૂદિયાની એક કોમ જેવા થઇ જશે. અને એક્રોનના લોકો યબૂસીઓની જેમ મારા લોકોમાં ભળી જશે.
8 ઇસ્રાએલમાં હુમલાખોરોને આવતા રોકવા માટે મારા મંદિરની ચારે બાજુ હું રક્ષણ કરીશ અને હું તેઓને દૂર રાખીશ; હું નજીકથી તેઓની હિલચાલ પર નજર રાખીશ. ફરીથી કોઇ વિદેશી જુલમગાર મારા લોકોની ભૂમિ ઉપર આક્રમણ કરશે નહિ.”
9 સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ, હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયવંત થઇને આવે છે. પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે.
10 “તે એફ્રાઇમ અને યરૂશાલેમમાં યુદ્ધના રથોને, અશ્વોને અને શસ્ત્રોનો નાશ કરશે. સમગ્ર પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે, અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી અને ફ્રાતનદીથી પૃથ્વીના છેડા સુધી વિસ્તરશે.”
11 યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
12 તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો, હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે, હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા બેવડા આશીર્વાદ આપીશ.
13 ગ્રીસના લશ્કર સામે લડવા માટે યહૂદિયા મારું ધનુષ થશે, ઇસ્રાએલ મારું તીર થશે અને સિયોન પુત્રો મારી વીંઝાતી તરવાર થશે.”
14 યહોવા તેઓને દેખાશે, અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે; યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.
15 સૈન્યોનો દેવ યહોવા તેમની ઢાલ થશે, અને તેઓ દુશ્મનોને પથ્થરથી નાશ કરી નાખશે, તેઓ લોહી દ્રાક્ષારસની જેમ પીશે. તેઓ વેદીના ખૂણાઓ પરના પ્યાલાઓમાંથી જેવી રીતે રેડાય છે, તેવી રીતે લોહી રેલાવશે.
16 તે સમયે તેમનો દેવ યહોવા કોઇ ભરવાડ ઘેટાંને બચાવી લે તેમ તેના પોતાના લોકોને તે ઉગારી લેશે, અને તેઓ રાજમુગુટમાં જડેલાં રત્નોની જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે.
17 શી તેમની સંપત્તિ! શું તેમનું સૌભાગ્ય! મબલખ અનાજ અને દ્રાક્ષારસ ઉપર ત્યાંના યુવક-યુવતીઓ અલમસ્ત રહીને સુખસમૃદ્ધિ અને આનંદ પામશે.