દારિયેલ
પ્રકરણ 7
બાબિલના રાજા બેલ્શાસ્સારના રાજ્યશાસનના પ્રથમ વર્ષ દરમ્યાન દાનિયેલ સૂતો હતો ત્યારે, એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું અને તેણે મનચક્ષુથી અનેક સંદર્શનો જોયાં. પછી તેણે તે સ્વપ્ન લખી નાખ્યું. તેણે જે જોયું તે આ પ્રમાણે છે:
2 રાત્રે મને થયેલાં સંદર્શનમાં મેં જોયું તો, સ્વર્ગના ચાર પવનો મોટા સમુદ્રને (ભૂમધ્ય સમુદ્રને) હલાવી રહ્યાં હતાં.
3 ત્યારબાદ એકબીજાથી જુદાં ચાર મોટાં મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યાં.
4 “પહેલું પ્રાણી સિંહ જેવું હતું, પણ તેને ગરૂડ જેવી પાંખો હતી, અને હું જોતો હતો કે, તેની પાંખો ખેંચી લેવામાં આવી જેથી તે ઊડી શકે નહિ. તેને બે પગ ઉપર માણસની જેમ જમીન પર ઊભું રાખવામાં આવ્યું. અને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું હતું.
5 “બીજું પ્રાણી રીંછ જેવું દેખાતું હતું. તે પંજો ઉપાડીને ત્રાટકવાની તૈયારી સાથે ઊભુ હતું. તેના દાંતોની વચ્ચે પણ ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊભો થા! ઘણાં માંસનો ભક્ષ કર!’
6 “આ વિચિત્ર પ્રાણીઓમાંનું ત્રીજું ચિત્તા જેવું પ્રાણી નજરે પડ્યું. તેની પીઠ પર પંખીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાઁ હતાં અને તેને શાસનની સત્તા સોંપવામાં આવી.
7 “પછી રાત્રે મેં મારા સંદર્શનમાં એક ચોથું પ્રાણી જોયું. તેનું વર્ણન થઇ ન શકે તેવું ભયાનક અને મજબૂત તે હતું. તે તેના શિકારને લોખંડના મોટા દાંત વડે ચીરીને ખાતું હતું. અને બીજાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. બીજા બધા પ્રાણીઓ કરતાં તે ઘણું જ વધારે ક્રુર અને ઘાતકી હતું અને તેને દશ શિંગડાં હતાં.
8 “હું તેના શિંગડાં જોતો હતો તેવામાં, મેં એક નાના શિંગડાને એ શિંગડા વચ્ચે ફૂટી નીકળતું જોયું અને તેને માટે જગ્યા કરવાને પહેલાના ત્રણને મૂળમાંથી ઉખાડી નાખવામાં આવ્યાં એ શિંગડામાં માણસની આંખો જેવી આંખો હતી અને મોટી મોટી બડાઇ હાંકતું મુખ હતું.
9 “હું જોઇ રહ્યો હતો ત્યારે, ત્યાં સિંહાસનો ગોઠવાઇ ગયાં અને એક ખૂબ વૃદ્ધ માણસ તેના પર બેઠો હતો, તેના વસ્ત્રો હિમ જેવા સફેદ અને વાળ શુદ્ધ શ્વેત ઊન જેવા હતાં. તેનું સિંહાસન અગ્નિની જવાળાઓ જેવું હતું. અને તેના પૈડાં સળગતાં અગ્નિના હતાં.
10 “તેની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારો તેની સેવા કરતા હતા અને કરોડો તેની સેવામાં ઉભા હતા. ન્યાયસભા ભરાઇ અને પુસ્તકો ખોલવામાં આવ્યાઁ.
11 “પેલું શિંગડું બડાઇની વાતો કરતું હતું. હું જોઇ રહ્યો હતો, એટલામાં એ પ્રાણીને મારી નાખવામા આવ્યું. તેના શરીરનો નાશ કરી સળગતા અગ્નિમાઁ નાખી દેવામાં આવ્યું.
12 બીજા પ્રાણીઓ પાસેથી શાસનની સત્તા લઇ લેવામાં આવી, પણ એમને અમુક સમય સુધી જીવતા રહેવા દેવામાં આવ્યાં.
13 “હજી રાતના હું સંદર્શનમાં જોતો હતો. મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ત્યાં આવતા મેં જોયા. તે વયોવૃદ્ધ પુરુષની નજીક ગયા અને તેમની સમક્ષ હાજર થયાં.
14 “તેને શાસનની સત્તા, ગૌરવ અને રાજ્યાધિકાર સોંપવામાં આવ્યાં, જેથી બધી ભાષાના અને દેશોના લોકો તેનું આધિપત્ય સ્વીકારે. તેની શાસનની સત્તા શાશ્વત છે, તે કદી લોપ ન પામે; તેમ તેનો રાજ્યાધિકાર એવો છે જે કદી નાશ ન પામે.
15 “હું દાનિયેલ, મેં જે જોયું તેનાથી મૂંઝવણમાં પડી ગયો અને ખૂબ વ્યાકુળ બની ગયો, તેનાથી હું ભયભીત થઇ ગયો.
16 એટલે મેં ત્યાં જેઓ ઊભા રહ્યાં હતા, તેઓમાંના એકની પાસે જઇને તેને પૂછયું કે, ‘આ બધાનો અર્થ શું?’
17 તેણે મને એ બધી બાબતોનો અર્થ સમજાવતા કહ્યું: ‘આ ચાર વિશાળકાય પ્રાણીઓ ચાર રાજાઓ છે. તેઓ પૃથ્વી પર રાજ કરશે.
18 પણ તેઓ અંતે પરાત્પર દેવના સંતો સમગ્ર પૃથ્વી પર રાજ્ય મેળવશે અને સદા સર્વકાળ સુધી રાજ કરશે.’
19 “ત્યારપછી મેં ચોથા પ્રાણીનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, જે બીજા બધા કરતાં જુદું હતું, જેને લોઢાના દાંત અને કાંસાના નહોર હતા, તેના હાથમાં જે આવે તેને તે ચીરી નાખતું અને ખાઇ જતું અને બાકી રહે તેને પગ તળે કચડી નાખતું હતું.
20 વળી મેં તેના માથા ઉપરના દશ શિંગડાં વિષે તેમજ જે બીજું શિંગડું ઊગી નીકળ્યું હતું, જેના આવવાથી ત્રણ શિંગડા પડી ગયા, જે શિંગડાને આંખો અને બડાશ મારતું મોઢું હતું અને જે બીજા શિંગડા કરતાં મોટું દેખાતું હતું, તેને વિષે પણ જાણવાની ઇચ્છા દર્શાવી.
21 હજી હું જોતો હતો, ત્યાં તો એ શિંગડું દેવના લોકોની વિરૂદ્ધ યુદ્ધ કરવા લાગ્યું. અને તેઓના ઉપર તેનો વિજય થતો જતો હતો.
22 અંતે પેલા ખૂબ વૃદ્ધ વ્યકિત આવ્યા અને પરાત્પર દેવના લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો, અને સમય આવ્યો અને સંતોને રાજ્ય પ્રાપ્ત થયું.
23 “મને આ પ્રમાણે કહેવામાં આવ્યું, એ ચોથું પ્રાણી પૃથ્વી ઉપર ઉત્પન થનારું ચોથું રાજ્ય છે. એ બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે. અને આખી પૃથ્વીને કોળીયો કરી જશે, તેને પગ તળે કચડશે અને છૂંદી નાખશે.
24 તેનાં દશ શિંગડાં દશ રાજાઓ છે, જે તેના રાજ્યમાંથી ઉત્પન્ન થશે. પછી પેલા દશ કરતાં વધારે ઘાતકી એવો એક રાજા ઊભો થશે અને તેઓમાંના ત્રણને પોતાને તાબે કરશે.
25 પછી તે પરાત્પર દેવની વિરૂદ્ધ બોલશે, અને પરાત્પરના પવિત્રોને હેરાન કરશે, અને ધામિર્ક ઉત્સવો દિવસોને અને નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. સંતોને એક વર્ષ માટે, બે વર્ષ માટે અને અડધા વર્ષ માટે તેના હાથમાં સોંપી દેવામાં આવશે.
26 “પરંતુ પછી ખૂબ વૃદ્ધ માણસ આવશે અને ન્યાય સભા મળશે અને આ અધમ રાજાની સર્વ સત્તાઓ તેની પાસેથી છીનવી લેવામાં આવશે. અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે.
27 આકાશ નીચેના બધાં રાજ્યોનો રાજ્યાધિકાર, શાસનની સત્તા, અને વૈભવ, પરાત્પરના પવિત્રોની પ્રજાને સોંપવામાં આવશે અને તેમનો રાજ્યાધિકાર કાયમી રાજ્યાધિકાર હશે અને બધાં જ રાજ્યો તેમનું આધિપત્ય સ્વીકારશે અને તેમની આજ્ઞામાં રહેશે.”
28 “અહીં એ સંદર્શનના વર્ણનનો અંત આવે છે. હું, દાનિયેલ, આ બધા વિચારોથી ખૂબ ફિક્કો અને ભયભીત થઇ ગયો. પણ મેં જે જોયું હતું, તે મેં કોઇને પણ કહ્યું નહિ, હૃદયમાં જ સંઘરી રાખ્યું.”