સોલોમનના ગીતો
પ્રકરણ 2
હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.
2 હા, કાંટાઓ મધ્યે જેમ ગુલાબ હોય, એમ યુવતીઓ વચ્ચે મારી પ્રીતમા છે.
3 સ્ત્રી જેમ ફળોના બાગમા સર્વોતમ સફરજનનું વૃક્ષ, તેમ યુવાનો વચ્ચેે મારો પ્રીતમ ઉત્તમ છે;તેના છાંયડામાં મને ખૂબ સુખ મળે છે; અને તેના ફળનો સ્વાદ મીઠો હોય છેે.
4 ભોજન કરવાને તે મને ઘેર લઇ આવ્યો, અને મારા પર પ્રીતિરૂપી ધ્વજ તેણે ફરકાવ્યો.
5 સુકી દ્રાક્ષોથી મારું પોષણ કરો અને સફરજનથી મને બળવાન બનાવો; કારણ કે હું પ્રેમપીડિત છું.
6 મારા મસ્તક નીચે છે તેનો ડાબો હાથ, અને આલિંગન કરે છે મને તેનો જમણો હાથ.
7 હે યરૂશાલેમની યુવતીઓ, તમે મને જંગલમાં વસતી ચપળ મૃગલીઓ અને જંગલી હરણીઓના નામે વચન આપો કે યર્થાથ સમય આવે નહિ ત્યાં સુધી મારા પ્રીતમને જગાડશો નહિ.
8 અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે; જુઓતો ખરા,પર્વતો પર કૂદકા મારતો મારતો અને ખીણોને વટાવતો તે અહીં આવી રહ્યો છે.
9 ચપળ અને યુવાન છે મારો પ્રીતમ,’મૃગલા જેવો.’ જુઓ, હવે તો તે દીવાલની પાછળ ઊભો રહી, બારીઓમાંથી ડોકિયા કરે છે.
10 મારા પ્રીતમે મને કહ્યું, “પ્રીતમા, મારી સુંદરી, ઊઠ,અને બહાર આવ.
11 શિયાળો સમાપ્ત થયો છે હવે, અને શિયાળુ વરસાદ પણ પૂરો થઇ ગયો છે.
12 પુષ્પો જમીન પર ખીલવા લાગ્યાં છે; હવે વૃક્ષોને કાપકૂપ કરીને વ્યવસ્થિત કરવાનો સમય આવ્યો છે. આપણા દેશમાં કબૂતરોને ગીતગાંતા સાંભળી શકાય છે.
13 અંજીરના ઝાડ ઉપર લીલાં અંજીર પાકી રહ્યાં છે, અને દ્રાક્ષવાડીમાં ખીલતી નવી દ્રાક્ષોને સૂંઘો તેઓ પોતાની ખુશબો ફેલાવે છે! મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.”સુલેમાન:
14 તું ભેખડ ઉપર નાની ગુફામાં છુપાયેલી ‘કબૂતરી’ જેવી છે. મને તારું સુંદર વદન બતાવ અને તારો મધુર અવાજ સાંભળવા દે. કેમ કે તારું વદન ખૂબસૂરત છે.
15 પેલાં નાનાં નાનાં શિયાળવાં દ્રાક્ષાવાડીમાં નાસભાગ કરી રહ્યાં છે, તમે મારા માટે પકડો. અત્યારે આપણી દ્રાક્ષાવાડી ફૂલોથી ઝૂમી રહી છે.
16 મારો પ્રીતમ મારો છે, ને હું પણ તેની જ છું; તે પોતાના ટોળાં સફેદ કમળોની વચ્ચે ચરાવે છે.
17 દિવસ આથમી જાય અને પડછાયા ઉતરી જાય તે પહેલા, હે મારા પ્રીતમ, તું પાછો આવ, અને પર્વતો પરના વિહરતા ચપળ હરણાં અને મૃગલા સમાન તું થા.