નીતિવચનો
પ્રકરણ 27
આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.
2 તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર.
3 પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે.
4 ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?
5 છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
6 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે.
7 ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.
8 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.
9 જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
10 તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજીશ. વિપત્તિને સમયે તારા ભાઇને ઘેર ન જઇશ. દૂરના ભાઇ કરતાં નજીકનો પડોશી સારો.
11 મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
12 ચતુર વ્યકિત આફતને આવતી જોઇને તેને ટાળે છે, અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
13 અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.
14 જે કોઇ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે.
15 ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.
16 જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.
17 લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
18 જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે.
19 જેમ માણસોનો ચહેરો પાણીમાં પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એક માણસનું હૃદય બીજા માણસના હૃદયમાં પ્રતિબિંબિત થાય છે.
20 જેમ શેઓલ અને અબદોન કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
21 રૂપું ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે તેમ વ્યકિતની પરીક્ષા બીજા તેની પ્રશંસા કરે તેના પરથી થાય છે.
22 ઘંટીમાં અનાજની જેમ દળાય તોયે મૂર્ખની મૂર્ખાઇ ન જાય.
23 તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતીથી બરાબર માહિતગાર રહે. તારા ઢોરઢાંકરની પૂરતી સંભાળ લે.
24 કારણ ધન સદા ટકતું નથી અને રાજમુગટ કાયમ રહેતો નથી.
25 સૂકું ઘાસ વઢાઇ જાય ત્યાં નવું ઘાસ ફૂટે છે, પર્વત પરની વનસ્પતિઓ ભેગી કરી લેવામાં આવે છે.
26 ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે;
27 વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે.