અયૂબ
પ્રકરણ 21
પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું:
2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો અને મને એટલો તો દિલાસો આપો.
3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો. પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો.
4 શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
5 મારી દશા તો જુઓ! અને આઘાત પામજો મહેરબાની કરીને તમારા મોઢા પર તમારો હાથ મૂકી અને ઢાંકી દેશો.
6 હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું. હું ભયથી જી ઊઠું છું.
7 શા માટે દુષ્ટ માણસો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
8 દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે. દુષ્ટ લોકો પોતાના પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
9 એમનાં ઘર સુરક્ષિત હોય છે, તેઓ ડરતા નથી તેઓને સજા આપવા માટે દેવ લાકડીનો ઊપયોગ કરતા નથી.
10 તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી. તેઓની ગાયો વાછરડાંઓને જન્મ આપે છે અને વાછરડાંઓ મરેલા જન્મતા નથી.
11 દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓના સંતાનો આસપાસ નાચે છે.
12 તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે.
13 દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે. ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે.
14 તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’ તમે અમારી પાસે શું કરાવવા માગો છો તેની અમને ચિંતા નથી.
15 તેઓ કહે છે, ‘સર્વસમર્થ દેવ કોણ છે? અમારે તેમની સેવા શા માટે કરવી જોઇએ? શું એમને પ્રાર્થના કરીને કાઇ નહિ વળે?’
16 એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી. હું તેઓની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.
17 પણ કેટલીવાર દેવ અવારનવાર દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે? કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે?
18 આપણે એને કેટલીવાર હવામાં ખરસલાંની જેમ ઊડી જતો જોયો છે? વંટોળિયામાં ફોતરાઁની જેમ ફૂકાંઇ જતો જોયો છે?
19 તમે કહેશો, ‘દેવ તેઓના પાપની સજા તેઓના સંતાનોને કરે છે.’ પણ દેવ જો તેઓને સજા કરે, તોજ તેઓને જાણ થશે કે તેઓ તેઓના પોતાના પાપોને લીધેજ સજા ભોગવી રહ્યાં છે!
20 પાપીને પોતાની સજા જોવા દો. તેને સર્વસમર્થ દેવનો ક્રોધ અનુભવવા દો.
21 જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે, તે તેની પાછળ રહેલા કુટુંબની ચિંતા કરતો નથી.
22 માણસ શું દેવને પાઠ ભણાવી શકશે? દેવ ઉચ્ચ સ્થાનના લોકોનો પણ અભિપ્રાય બાંધે છે.
23 કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે તથા સુખચેનમાં રહે છે.
24 તેના શરીરને સારું પોષણ મળ્યું હતું અને તેના હાડકાં હજીપણ મજબૂત હતા.
25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.
26 પણ માટીમાં તો એ બંને એક સાથે મળી જાય છે અને જીવડાં તેઓ બંને ઉપર પથરાઇ જાય છે અને તેમને ઢાંકી દે છે.
27 જુઓ, તમારા વિચારો હું જાણું છું અને હું જાણું છું તમે મને દુ:ખ પહોચાડવા માગો છો.
28 તમે કહો છો, ‘એ મહાશયનું ઘર ક્યાં છે? એ દુષ્ટ માણસ વસતો હતો તે જગા ક્યાં છે?’
29 શું તમે રસ્તે જનારાઓને પૂછયું? તમે ખાત્રીપૂર્વક તેઓની વાતો માનશો?
30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.
31 તેણે જે દુષ્કમોર્ કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી. તેણે જે કર્યુ છે તે માટે તેને સજા આપનાર કોઇ નથી.
32 ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેને માન અપાય છે.
33 એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે. એની આગળ અને પાછળ મોટી મેદની હોય છે.
34 અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો? તમારા એક એક જવાબ સદંતર જૂઠા છે.”