એસ્તેર
પ્રકરણ 1
આ બધું બન્યું ત્યારે અહાશ્વેરોશ રાજા, ભારતથી તે કૂશ સુધીના એકસો સત્તાવીસ પ્રાંતોનો સમ્રાટ હતો.
2 રાજા અહાશ્વેરોશ પાટનગર સૂસામાં તેના સિંહાસન પર મહેલમાંથી રાજ્ય કરતો હતો.
3 તેના અમલના ત્રીજા વષેર્ તેણે પોતાના બધા અમલદારો અને દરબારીઓને એક ઉજાણી આપી. તે સમય દરમ્યાન ઇરાન તથા માદાયના લશ્કરી આગેવાનો અને મહત્વના નેતાઓ પણ ઉજાણીમાં હાજર હતા;
4 તે સમયે તેણે તેમની સમક્ષ એક સો એંશી દિવસ સુધી પોતાના રાજ્યની વિપુલ સંપત્તિનું અને પોતાના રાજવૈભવનું પ્રદર્શન કર્યુ.
5 એક સો એંશી દિવસની ઉજવણીને અંતે રાજાએ પાટનગર સૂસાના સર્વ લોકોને, સૌથી વધારે મહત્વની વ્યકિતઓથી માંડીને સૌથી ઓછા મહત્વના લોકોને ઉજાણી આપી, જે સતત સાત દિવસો સુધી મહેલના ઉદ્યાનમાં રાખવામાં આવી હતી.
6 ત્યાં લટકતાં સફેદ અને ભૂરા રંગના શણના કપડા જેને સફેદ શણની અને જાંબુડી રંગની દોરીઓ વડે ચાંદીની કડીઓ પર અને આરસના સ્તંભો દ્વારા લગાડવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો આરસ અને બીજા ભાતભાતના મૂલ્યવાન પથ્થરોની ફરશ પર ગોઠવ્યા હતા.
7 તેઓને અનેકવિધ પ્રકારના આકારના સોનાના પાત્રોમાં દ્રાક્ષારસ પીરસવામાં આવ્યો હતો. રાજાએ પોતાને શોભે એ રીતે દ્રાક્ષારસ છૂટથી પીવડાવ્યો હતો.
8 રાજાએ દ્રાક્ષારસ પીવા સંબંધી નિયમ કર્યો હતો; દરેક વ્યકિત પોતાની ખુશી પ્રમાણે ભલે પીએ, પરંતુ કોઇને વધારે પીવા માટે ફરજ પાડવી નહિ. રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, તે દરેકને પોતપોતાની ઇચ્છા મુજબ પીવા દેવું.
9 રાણી વાશ્તીએ પણ સ્રીઓ માટે અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં એક ઉજાણી આપી હતી.
10 ઉજાણીના સાતમા દિવસે રાજા દ્રાક્ષારસ પીને ખુબ નશામાં હતો અને તેણે પોતાની સેવા કરતા સાત ખોજાઓ મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસને બોલાવ્યા અને હુકમ કર્યો કે,
11 “રાણી વાશ્તીને તેણીનો મુગટ પહેરાવીને લાવો, જેથી આગેવાનો અને મહત્વના લોકો તેના સૌદર્યનું દર્શન કરે. રાણી સાચે જ બહુ સુંદર હતી.
12 પરંતુ જ્યારે ખોજાઓએ રાજાના આદેશ વિષે રાણીને કહ્યું ત્યારે તેણે આવવાનો ઇન્કાર કર્યો. આથી રાજાને ખૂબ ગુસ્સો ચઢયો, અને તે ક્રોધથી ભભૂકી ઊઠયો.
13 તેથી રાજાએ બુદ્ધિમાન માણસોની કાનૂની નિષ્ણાંતોની અને હાલના વિષયોમાં જાણકારોની સલાહ લીધી, કારણ, રાજા માટે કાનૂન અને વ્યવસ્થાના નિષ્ણાતોની સલાહ લેવાનો ત્યારે રિવાજ હતો.
14 બુદ્ધિમાન માણસો જે રાજાની ખૂબ નજીક હતાં તે કાર્શના, શેથાર આદમાથા, તાશીર્શ, મેરેસ, માર્સના, અને મમૂખાન જેવા સૌથી નજીકના માણસો હતા. એ સાતે ઇરાનના અને માદાયના નેતાઓ હતા. તેઓ રાજાને સીધા મળી શકતા હતા, અને રાજ્યમાં ઉંચી પદવીઓ ધરાવતા હતા.
15 રાજાએ તેઓને પ્રશ્ર્ન કર્યો, “દરબારીઓ મારફતે પહોંચાડવામાં આવેલી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે કાયદેસર રીતે રાણી વાશ્તી સામે શાં પગલાં લેવાં જોઇએ?”
16 પછી રાજા અને તેના અમલદારો સમક્ષ મમૂખાને કહ્યુ કે, “વાશ્તી રાણીએ કેવળ રાજા વિરૂદ્ધ જ નહિ પરંતુ અહાશ્વેરોશના સામ્રાજ્યના પ્રત્યેક અધિકારી તથા પ્રત્યેક નાગરિક વિરૂદ્ધ અપરાધ કર્યો છે.
17 બધી જ સ્ત્રીઓને રાણીના વર્તનની જાણ થશે અને તેઓ પણ પોતાના પતિ પ્રત્યે અનાદર કરવા પ્રેરાશે, તેઓ પોતાના પતિઓને કહેશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સંમુખ આવવા આજ્ઞા કરી પણ રાણીએ તેનુ પણ પાલન કર્યુ નહિ.
18 તે જ દિવસે ઇરાન તથા માદાયના આગેવાનો અને અમલદારોની પત્નીઓ જેને રાણીના જવાબની જાણ થઇ, તેઓ પોતાના પતિઓની સાથે એની વાત કરવાની અને તેને પરિણામે સમગ્ર રાજ્યમાં અવિનય અને ક્રોધ મોટી માત્રામાં ફેલાઇ જશે,
19 જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: “વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.” પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો.
20 આ શાહી ફરમાન આખા સામ્રાજ્યમાં જાહેર થશે, પછી બધી જ સ્ત્રીઓ પોતાના પતિને માન આપશે પછી તે મહાન અને અગત્યનો હોય કે અગત્યનો ન હોય.
21 રાજા તથા તેના અધિકારીઓને મમૂખાનની સલાહ પસંદ પડી અને તે પ્રમાણે કર્યુ.
22 તેણે રાજ્યનાં બધાં પ્રાંતોમાં તેઓની સ્થાનિક ભાષામાં પત્રો મોકલી આપ્યાં, તે પત્રોને દરેક પ્રાંતની ભાષામાં જાહેરાત કરવામાં આવી કે, પ્રત્યેક પુરુષ જ પોતાના કુટુંબનો ઉપરી હોવો જોઇએ.