નહેમ્યા
પ્રકરણ 9
એ જ મહિનાને ચોવીસમાં દિવસે ઇસ્રાએલી લોકો શોકકંથા પહેરીને અને માથે ધૂળ નાખીને ઉપવાસ કરવા ભેગા થયા.
2 તે બધાં જેઓના પૂર્વજ ઇસ્રાએલી હતા, તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઉભા થઇને પોતાના અને પોતાના પૂર્વજોના પાપ કબૂલ કર્યા.
3 અને તેઓએ ત્રણ કલાક સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્રનું પુસ્તક વાચ્યું; બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેમના યહોવા દેવની ઉપાસના કરી.
4 પછી આ લોકો લેવીઓના ઊંચા આસન પર ઊભા રહીને તેમના યહોવા દેવને મોટેથી વિનંતા કરી. તેમના નામ: યેશૂઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, તથા કનાની હતા.
5 ત્યારબાદ લેવીઓ, યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને તમારા યહોવા દેવની સ્તુતિ કરો!“જે અનાદિ અને અનંત છે, ધન્ય છે તારું મહિમાવંતુ નામ જે કોઇપણ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે.
6 તું જ એક માત્ર યહોવા છે, તંે આકાશ અને સૌથી ઉંચુ સ્વર્ગ, તારા, પૃથ્વી અને જે બધી વસ્તુ તેમાં છે, અને સમુદ્ર અને તેમાં જે બધું છે, તેં બધું બનાવ્યું. બધાંને જીવતા રાખ્યાં છે, અને આકાશના તારાઓ પણ તને નમન કરે છે!
7 તું તે જ યહોવા દેવ છે કે, જેણે ઇબ્રામને પસંદ કર્યો, તેં જ તેને ખાલ્દીઓના ઉરમાંથી બહાર કાઢયો અને તેં જ તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.
8 તેનું અંત:કરણ તારી પ્રત્યે વિશ્વાસુ જાણ્યુ; તેં તેની સાથે એક કરાર કર્યો અને તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ તેનાઁ વંશજોને આપવાનું તેને વચન આપ્યું. તું ન્યાયી હોવાથી તેઁ તારૂં વચન પાળ્યું છે.
9 તેં મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ જોયાં, અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો;
10 તેં ફારુનને અને તેના બધા સેવકોને અને તેની ભૂમિની બધી એંધાણીઓ બતાવીને આશ્ચર્યો ર્સજ્યા. કારણ કે તું જાણતો હતો કે તેઓ અમારા પૂર્વજો કરતા સારી રીતે વર્તતા હતાં અને સારા હતાં, તેઁ તારા નામને પ્રતિષ્ઠિત કર્યુ જે આજ સુધી છે.
11 તેઁ તેઓની સામે સમુદ્રને વિભાજીત કર્યો. જેથી તેઓ તેમાંથી કોરી જમીન પરથી જઇ શકે. તેં તેઓની પાછળ પડેલાઓને ઊંડા સાગરમાં ફેંકી દીધા, અને જેમ એક પથ્થરને વિશાળ સમુહમાં ફેકવામાં આવે.
12 તું દિવસે તેઓને વાદળના સ્તંભ રૂપે દોરતો હતો, અને રાત્રે અગ્નિના સ્તંભરૂપે તેમનો માર્ગ ઉજાળતો હતો.
13 તું સિનાઇ પર્વત પર પણ ઊતરી આવ્યો; તું આકાશમાંથી તેઓની સાથે બોલ્યો; તેં તેઓને સત્ય નિયમો સારી વિધિઓ અને હિતકારી આજ્ઞાઓ આપી.
14 તેં તારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું, અને તારા સેવક મૂસા મારફતે તેઓને માટે તારી આજ્ઞાઓ વિધિઓ અને નિયમો જણાવ્યાં.
15 તેઓ ભૂખ્યા હતા ત્યારે તેં તેઓને આકાશમાંથી રોટલી આપી. તેઓ તરસ્યા હતા ત્યારે તેં ખડકમાંથી પાણી વહેવડાવ્યું. જે વતન તેં તેઓને આપવા માટે વચન આપ્યું હતું તેમાં પ્રવેશ કરવા તથા તેને જીતી લેવા તમે તેઓને આજ્ઞા આપી.
16 પરંતુ તેઓ અને અમારા પૂર્વજો અભિમાની અને હઠીલા હતા અને તેઓ અક્કડ થયા અને તેઓએ તારી આજ્ઞાઓની અવગણના કરી.
17 તેઓ સમક્ષ તેં જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઇને તેમણે તારૂં કહ્યું કરવાની ના પાડી. તેઓ અક્કડ થઇ ગયાં અને તેમણે મિસર જઇ ફરી ગુલામી સ્વીકારવાનો વિચાર સુદ્ધાં કર્યો. પણ તું તો ક્ષમાશીલ, દયાળુ અને પ્રેમાળ દેવ છે; તું ઝટ ક્રોધ કરતો નથી. તારી કરૂણાનો પાર નથી; તેથી તેં તેમનો ત્યાગ ન કર્યો.
18 હા, તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવી અને કહ્યું “આ અમારાં દેવ છે!” જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા હતાં, આમ તેઓએ ઘણી દેવ નિંદા કરી.
19 છતાંય તેં અપાર કરૂણા બતાવી તેઓને વગડામાં છોડી ન દીધાં, દિવસે વાદળના સ્તંભે તેમને દોરવાનું અને રાત્રે અગ્નિના સ્તંભે તેમના ચાલવાના માર્ગને ઉજાળવાનું ચાલુ રાખ્યું.
20 વળી બોધ આપવા માટે તેં તારો ઉત્તમ આત્મા તેમને આપ્યો, અને તેં તેમને શ્રેષ્ઠ આહાર પણ ખવડાવવાનું બંધ કર્યુ નહિ; અને તેઓની તૃષા છીપાવવા તેં તેઓને જળ આપ્યું.
21 ચાળીસ વર્ષ સુધી તેં રણમાં તેમની સંભાળ લીધી, તે સમય દરમ્યાન તેઓને કશાની ખોટ પડી નહોતી; ન તેમનાં વસ્ત્રો ઘસાઇ ગયા કે ના તેમના પગ ફૂલી ગયા.
22 તેં તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાઁ. તેથી તેઓએ હેશ્બોનના રાજા સીહોન તથા બાશાનના રાજા ઓગની ભૂમિ લઇ લીધી.
23 વળી તેં તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી, અને જે દેશ વિષે તેં તેઓના પૂર્વજોને કહ્યું હતું કે, તેઓ તેમાં પ્રવેશ કરીને તેમની ભૂમિ પ્રાપ્ત કરશે, તેમાં તું તેઓને લાવ્યો.
24 જ્યારે તેઓએ એ ભૂમિમાં પ્રવેશ કરીને એનો કબજો લીધો, ત્યારે તેં ત્યાંના વતની કનાનીઓને તેમની આગળ નમાવી દીધા અને ત્યાંના રાજાઓને અને લોકોને તેમના હાથમાં જે કરવું હોય તે કરવા સોંપી દીધા.
25 પછી તેઓએ કિલ્લાવાળાં નગરો તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ લઇ લીધાં; તેઓએ સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ટાંકાઓ, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળનાં વૃક્ષો તેઓના કબજામાં આવ્યાં; તેથી તેઓ ધરાય ત્યાં સુધી ખાધું, આ સર્વ સમૃદ્ધિઓથી તેઓ તૃપ્ત થયા, અને હૃષ્ટપુષ્ટ થયાં અને તારી મહાન કૃપાથી આનંદ પામ્યા.
26 પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ. અને તારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ. તેઓએ તમારા નિયમશાસ્ત્રને નકાર્યા. અને જે પ્રબોધકોએ તેઓને તારા તરફ પાછા ફરવા કહ્યું તેઓને તેઓએ મારી નાખ્યા. વળી તેઓએ બીજાં અનેક ભયંકર કૃત્યો કર્યા.
27 માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા, જેઓએ તેમને ત્રાસ આપ્યો. તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો, ત્યારે તેં સ્વર્ગમાંથી સાંભળ્યું; અને મહાન દયાળુ હોવાથી તેં તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.
28 પરંતુ તેઓએ પછી આરામ કર્યો, અને ફરી તેઓએ તારી સંમુખ દુષ્કૃત્યો કર્યા; તે માટે તેં તેઓને તેમના દુશ્મનોના હાથમાં સોપી દીધા. જેથી તેમના દુશ્મનો તેમના ધણી બન્યાં, પરંતુ જ્યારે ફરીથી તે લોકોએ તને પોકાર કર્યો ત્યારે તેઁ આકાશમાંથી સાંભળ્યું અને તને તેઓને કેટલીયે વાર બચાવ્યા કેમકે તું દયાળુ છે.
29 અને તેં તેમને તારી સંહિતાનું પાલન કરવા માટે ફરી ચેતવણી આપી. પરંતુ ઘમંડી વર્તણૂક કરીને તેઓએ તારા વિધિઓનું પાલન ન કર્યુ; જેના પાલનથી મનુષ્યને જીવન મળે છે એવા તારા નિયમોના વિરૂદ્ધ તેમણે પાપ કર્યુ, ને તેઓના ખભા હઠીલા હતા, તેઓની ગરદન અક્કડ હતી અને તેમણે તારું કહ્યું માન્યું નહિ.
30 છતાં પણ તેં ઘણાં વરસો સુધી ધીરજ રાખી, તારા આત્મા દ્વારા અને તારાં પ્રબોધકો દ્વારા તેં તેમને ચેતવ્યા, પણ તેમણે કાને ન ધર્યુ. ત્યારે તેં તેમને વિદેશીઓના હાથમાં સોંપી દીધા.
31 છતાં પણ તું મહાન દયાળુ દેવ હોવાથી તે લોકોનો છેક અંત આણ્યો નહિ. કે તેઓનો ત્યાગ કર્યો નહિ, કારણકે તું કૃપાળુ તથા દયા કરનારો દેવ છે.
32 હે અમારા દેવ, હે મહાન શકિતશાળી અને ભયાવહ દેવ; અનંત પ્રેમથી તું કરારનું પાલન કરે છે. અમારા પર, અમારા રાજાઓ, અમારા આગેવાનો, અમારા યાજકો, અમારા પ્રબોધકો અને તમારી આ સમગ્ર પ્રજા પર આશ્શૂરના રાજાઓના સમયથી આજપર્યંત જે યાતનાઓ થઇ છે, તે ઓછી છે એમ ન ગણીશ.
33 અમારા પર જે કઇં વીત્યું છે, તેમાં તું દેવ તો ન્યાયી જ રહ્યો છે. તેં તો તારુ ન્યાયપણુ સાચવ્યું છે, ખોટું તો અમે કર્યુ છે.
34 અમારા રાજાઓ, અમારા અધિકારીઓ, અમારા યાજકો અને અમારા પિતૃઓએ તારી વિધિઓને અનુસર્યા નહિ કે તારી ચેતવણીઓ કે હુકમો પ્રત્યે ધ્યાન આપ્યું નહિ.
35 જ્યારે તેઓ પોતાનાજ રાજ્યમાં હતાં અને મહાન ઉદારતા ધરાવતાં હતાં, ત્યારે તેં તેઓને વિશાળ ફળદ્રુપ જમીન આપી, ત્યારે તેઓએ તારી સેવા ના કરી અને તેઓએ પોતાની ભૂંડાઇથી પાછા ફરવાનો પણ ઇન્કાર કર્યો.
36 પરંતુ અમારી તરફ જુઓ, અમે તે જમીનમાં ગુલામ છીએ, જે તંે અમારા પૂર્વજોને આપી હતી, જેથી તેઓ એના ફળો અને ઉત્તમ ઉપજનો આનંદ માણી શકે.
37 અમારાં પાપોને કારણે જે રાજાઓને તેં અમારા પર વિજય અપાવ્યો છે, તેઓ આ દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત કરે છે, તેઓનો અમારા શરીરો તથા અમારાં ઢોરઢાંખર પર અધિકાર છે અને અમે તેઓની ઇચ્છા મુજબ તેઓની સેવા કરીએ છીએ. અમે મોટાં સંકટમાં આવી પડ્યાં છીએ!
38 આ બધી બાબતોને લીધે અમે ફરીથી એક કરાર કરીએ છીએ. અને તેની નોંધ કરીને તેના પર અમારા અધિકારીઓ, અમારા લેવીઓ અને યાજકો પોતપોતાની મહોર મારે છે.