એઝરા Ezra

1 2 3 4 5 6 7 8 9 10


પ્રકરણ 1

ઇરાનના રાજા કોરેશના અમલ દરમ્યાન પહેલા વષેર્ યહોવાએ યમિર્યા દ્વારા આપેલું વચન પૂરું કરવા માટે ઇરાનના રાજા કોરેશને પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લેખિત ઢંઢેરો પિટાવવો;
2 “ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે:આકાશના દેવ યહોવાએ મને પૃથ્વી પરનાં બધાં રાજ્યો આપ્યાં છે, અને તેણે પોતે મને તેને માટે યહૂદામાં આવેલ યરૂશાલેમમાં મંદિર બંધાવવાની જવાબદારી સોંપી છે.
3 તેથી યરૂશાલેમમાં આવેલા ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર ફરીથી બાંધવા માટે રાજ્યમાંના કોઇ પણ યહૂદામાં આવેલા યરૂશાલેમમાં જઇ શકશે. તેનો દેવ તેની સાથે રહ્યો. યરૂશાલેમમાં એ જ દેવની પૂજા થાય છે.
4 એટલા માટે કોઇ પણ જગ્યાએ જ્યાં એમાંનો કોઇ બાકી રહેલો હોય તો તેની જગ્યાના લોકો તેને યરૂશાલેમનાં મંદિરનાં બાંધકામ માટે યથાશકિત સોના, ચાંદી, સામાન, પશુઓ અને અર્પણ આપીને મદદ કરે.”
5 તેથી યહૂદા અને બિન્યામીનના કુળસમૂહોના બધાં આગેવાનો, યાજકો, લેવીઓ અને યહોવા દ્વારા પ્રેરાયેલાઓ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવા જવા તૈયાર થયા.
6 તેમના આજુબાજુના પાડોશીઓએ તેમને આ બધાં અર્પણ ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, સામાન, ઢોરઢાંખર તથા કિંમતી ભેટ આપી.
7 વળી રાજા કોરેશે પણ તેમને યહોવાના મંદિરમાંથી વસ્તુઓ આપી. આ વસ્તુઓ નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમના યહોવાના મંદિરમાંથી લઇ જઇને પોતાના દેવોના મંદિરમાં મૂકી હતી.
8 તદુપરાંત ઇરાનના કોરેશ રાજાએ ખજાનચી મિથદાથ પાસે તે વસ્તુઓને લાવ્યો અને તેણે આ વસ્તુઓ યહૂદાના આગેવાન શેશ્બાસ્સારને સોંપી દીધી.
9 આ તે બધી વસ્તુઓ છે જે કોરેશ રાજા યહોવાના મંદિરમાંથી બહાર લાવ્યો હતો: 30 સોનાની થાળીઓ,1,000 ચાંદીની થાળીઓ અને 29 બીજા વાસણો,
10 ત્રીસ સોનાના કટોરા, 410 ચાંદીના જુદા જુદા પ્રકારના પ્યાલાઓ, 1,000 અન્ય ચીજ વસ્તુઓ,
11 સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને 5,400 હતાં, જ્યારે બંદીવાનો બાબિલથી યરૂશાલેમ આવ્યા, ત્યારે આ બધાં પાત્રો શેસ્બાસ્સાર પોતે પોતાની સાથે લાવ્યો.