2 કાળવ્રત્તાંત
પ્રકરણ 9
સુલેમાનનાં અદ્ભૂત ડહાપણ અને તેની કીતિર્ સાંભળીને શેબાની રાણી, તેની કસોટી કરવા માટે અઘરા પ્રશ્ર્નો લઇને યરૂશાલેમ આવી, તે પોતાની સાથે અંગરક્ષકો અને અમલદારોનો મોટો રસાલો અને ઊંટ ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઇને આવી હતી.
2 સુલેમાન આગળ આવીને, તેણે પોતાના મનમાં હતા તે બધાં પ્રશ્ર્નો પૂછયા અને સુલેમાને તેના બધા જ પ્રશ્ર્નોના જવાબ આપ્યા.
3 એક પ્રશ્ર્ન પણ એવો નહોતો જેનો સુલેમાન જવાબ ન આપી શકે. શેબાની રાણીએ જાણ્યું કે, સુલેમાન સાચે જ જ્ઞાની હતો અને તેના મહેલની સુંદરતા અવર્ણનીય હતી.
4 શેબાની રાણીની થાળીમાં પીરસાતી વાનગીઓ, આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો તથા સુંદર પોષાકોમાં અંગરક્ષકો, વહીવટી અમલદારો તથા યહોવાના મંદિરમાં ધરાવાતા દહનાર્પણો જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ.
5 પછી તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારા વિષે તથા તમારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું.
6 અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી, મેં કલ્પના કરી હતી તેના કરતાં તમારું જ્ઞાન અતિ વિશાળ છે!
7 તમારી રાણીઓ કેટલી સુખી છે! સદા તમારી તહેનાતમાં રહેતા અને તમારી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ પણ કેટલાં ભાગ્યશાળી છે!
8 યહોવા તમારા દેવની સ્તુતિ થાઓ! એ તમારા પર પ્રસન્ન છે. ઇસ્રાએલ પર તે એટલો બધો પ્રેમ કરે છે કે, તેમણે તમારા જેવો ન્યાયી રાજા તેઓને આપ્યો છે. દેવ ઇચ્છે છે કે, સદાને માટે ઇસ્રાએલ મહાન અને બળવાન રાજ્ય બને.”
9 ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું, પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યું. શેબાની રાણીએ રાજા સુલેમાનને ભેટ ધરેલાં અત્તરો કદી કોઇએ જોયાં નહોતાં.
10 હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.
11 એ ચંદનના લાકડામાંથી રાજાએ યહોવાના મંદિરના અને મહેલના પગથિયા, અને ગાયકગણ માટે સિતાર, અને વીણા બનાવડાવ્યાં. આવાં સુંદર વાજિંત્રો યહૂદીયા દેશમાં અગાઉ કદી હતા નહિ.
12 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માંગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન માટે જે ભેટસોગાદ લઇ આવી હતી તેટલી ભેટસોગાદો રાજાએ તેને આપી હતી તે જુદી, ત્યારબાદ તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ફરી.
13 રાજા સુલેમાનને પ્રતિ વર્ષ 22,644 કિલો સોનું આવતું હતું.
14 આ તો વેપારીઓ ને ધંધંાદારીઓ જે સોનું લાવ્યાં હતા તે ઉપરાંતનું હતું. તથા અરબસ્તાનના રાજવીઓ તથા પ્રાંતોના સૂબાઓ પણ રાજાને સોનુંચાંદી આપતા હતા.
15 રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું.
16 વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે લબાનોનના ‘વનગૃહ’ કહેવાતા મહેલમાં મૂકાવી.
17 સુલેમાન રાજાએ પોતાના માટે એક હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું અને તેને સોનાથી મઢાવ્યું.
18 એ સિંહાસનના છ પગથિયાં અને પગ મૂકવાનો બાજઠ પણ સોને મઢેલા હતા. સિંહાસનની દરેક બાજુએ હાથ ટેકવાના હાથા હતા અને તેના દરેક હાથાની બાજુમાં એક સિંહનું પૂતળું હતું.
19 છ પગથિયાં ઉપર દરેક છેડે એક એક એમ બાર સિંહો ઊભા હતા. બીજા કોઇ પણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.
20 સુલેમાન રાજાના સર્વ પ્યાલાઓ શુદ્ધ સોનાનાં હતા અને લબોનોન વનગૃહના સર્વ પાત્રો સોનાનાં હતા. તે દિવસોમાં ચાંદીની કોઇ વિસાત નહોતી.
21 દર ત્રણ વષેર્ રાજાના વહાણો, હૂરામ રાજાના નાવિકો સાથે તાશીર્શ જતાં અને ત્યાંથી સોનું-ચાંદી, હાથીદાંત, વાંદરા અને મોર લાવતાં.
22 આમ પૃથ્વીના સર્વ રાજાઓમાં રાજા સુલેમાન સૌથી શ્રેષ્ઠ, શ્રીમંત અને જ્ઞાની હતો,
23 સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ દેવે સુલેમાનને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે એના દરબારમાં આવતા,
24 તેઓ બધા પ્રતિવર્ષ એક યા બીજી વસ્તું ભેટ સોગાદો રૂપે લઇને આવતા: સોનાચાંદીના વાસણો, કીમતી વસ્રો, શસ્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચરો.
25 સુલેમાન પાસે ઘોડાઓ અને રથો માટે 4,000 તબેલા તેમજ 12,000 ઘોડેસવારો હતા, એમાંના કટેલાંક એણે રથનગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા.
26 યુફ્રેટીસના બધાં રાજાથી માંડીને પલિસ્તીઓની ભૂમિ સુધી અને મિસરની સરહદ સુધી તેની આણ વર્તાતી હતી.
27 સુલેમાને યરૂશાલેમમાં ચાંદીનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં વધારી દીધો કે તે રસ્તા પરના પથ્થરો જેવી સામાન્ય થઇ ગઇ. વળી દેવદારવૃક્ષોનું મુલ્યવાન લાકડું નીચાણ જમીનના ગુલ્લરકાષ્ટ વૃક્ષ જેવું સામાન્ય થઇ ગયું હતું.
28 સુલેમાનને માટે મિસર અને બીજા બધા દેશોમાંથી ઘોડા આયાત કરવામાં આવતા હતા.
29 સુલેમાન રાજાના જીવનની બાકીની વિગતો પ્રબોધક નાથાને લખેલા ઇતિહાસમાં, શીલોની-અહિયાના પ્રબોધના પુસ્તકમાં અને નબાટના પુત્ર યરોબઆમ વિષે દ્વો પ્રબોધકને થયેલાં દર્શનના પુસ્તકમાં આપવામાં આવેલી છે.
30 સુલેમાન રાજાએ યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ ઉપર 40 વર્ષ રાજ કર્યુ.
31 ત્યારબાદ તે પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર રહાબઆમ રાજગાદી પર આવ્યો.