1 રાજઓ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22


પ્રકરણ 21

ત્યારબાદ એવું બન્યું કે, નાબોથ નામના માંણસ પાસે દ્રાક્ષની વાડી હતી, નાબોથ યિઝએલનો હતો અને તેની દ્રાક્ષવાડી યિઝએલમાં હતી, સમરૂનના રાજા આહાબના ઘર પાસે.
2 આહાબે નાબોથને કહ્યું, “તારો દ્રાક્ષનો બગીચો માંરા મહેલને અડીને આવેલો છે, તું મને વાડી બનાવવા માંટે તે આપી દે, એના બદલામાં હું તને એના કરતાં સારો દ્રાક્ષનો બગીચો આપીશ; અથવા તું ઇચ્છે તો તેની બદલે હું તને ચાંદીમાં ચૂકવણી કરીશ.”
3 પણ નાબોથે જવાબ આપ્યો, “માંરા પૂર્વજોની જમીન હું તમને આપું તે માંટે યહોવાનો નિષેધ છે.”
4 યિઝએલી નાબોથનો જવાબ સાંભળી આહાબ ધૂંવાપૂંવા થઈને ઘેર પાછો ફર્યો, તે દીવાલ તરફ મોં ફેરવીને પથારીમાં સૂઈ ગયો, અને ખાવાનો ઇન્કાર કર્યો.
5 તેની પત્ની ઇઝેબેલે તેની પાસે આવીને કહ્યું, “તમે આટલા બધા ઉદાસ કેમ છો? અને તમે ખાવાની ના કેમ પાડો છો?”
6 તેણે કહ્યું, “યિઝએલીના નાબોથ સાથે માંરે વાત થઈ. મેં કહ્યું, “તું તારી દ્રાક્ષની વાડી મને આપ. હું તને ચાંદી આપીશ, જો તે ઇચ્છે તો અથવા; તો એના બદલામાં બીજો બગીચો અપાવીશ. પણ તેણે કહ્યું, “હું માંરી દ્રાક્ષવાડી તમને નહિ આપુ.”
7 ત્યારે તેની પત્ની ઈઝેબેલે કહ્યું, “તમે તે ઇસ્રાએલના રાજા છો કે કોણ છો? ચાલો, ઊઠો, ખાઈ લો, એટલે સારું લાગશે. યિઝએલીના નાબોથની દ્રાક્ષાવાડી હું તમને અપાવીશ!”
8 પછી આહાબને નામે પત્રો ઈઝેબેલે લખ્યા, તે પર મહોર છાપીને બંધ કર્યા અને નાબોથ રહેતો હતો તે યિઝયેલ નગરના વડીલો અને આગેવાનોને એ પત્રો તેણે મોકલી આપ્યા.
9 તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.
10 સભાની આગળમાં બે બદમાંશોને પણ બેસાડો અને તેમની પાસે કહેવડાવો કે “નાબોથે યહોવાને અને રાજાને શ્રાપ આપ્યો છે. તો તેને બહાર લઇ જાવ અને તેના પર પથ્થરો ફેંકીને તેને માંરી નાખો.”
11 વડીલો અને આગેવાનોએ તથા જાણીતા માંણસોએ ઇઝેબેલે, પત્રમાં લખી મોકલેલા હુકમ પ્રમાંણે કર્યુ.
12 તેમણે ઉપવાસ જાહેર કર્યો, અને નાબોથને લોકોની સામે બેસાડયો.
13 અને પેલા બે બદમાંશો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ જુબાની આપી અને કહ્યું તેણે (નાબોથ) દેવને અને રાજાને શ્રાપ આપીને ખોટું કર્યુ છે. પછી તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો ફેકીને માંરી નાખ્યો.
14 તેમણે ઇઝેબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને માંરી નાખવામાં આવ્યો છે.”
15 જયારે ઈઝેબેલને ખબર પડી કે, નાબોથ પર પથ્થરો ફેકીને માંરી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠો, અને યિઝએલના નાબોથે જે દ્રાક્ષનીવાડી તમને વેંચવાનો ઇન્કાર કર્યો હતો તેનો કબજો લઈ લો; કારણ નાબોથ હવે જીવતો નથી, મરી ગયો છે.”
16 જયારે આહાબે સાંભળ્યું કે, યિઝએલનો નાબોથ મરી ગયો છે, ત્યારે તે ઊઠીને દ્રાક્ષના બગીચાનો કબજો લેવા ગયો.
17 ત્યારબાદ તિશ્બેના પ્રબોધક એલિયાને યહોવાની વાણી સંભળાઈ,
18 “ઊઠ, સમરૂનમાં વસતા ઇસ્રાએલના રાજા આહાબ પાસે પહોંચી જા. તે તને નાબોથની દ્રાક્ષનીવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો છે.
19 તારે તેને આ પ્રમાંણે કહેવું, આ યહોવાનાં વચન છે; ‘તેં તારા વેરીનું ખૂન તો કર્યુ છે અને હવે તું તેની મિલકત પચાવી પાડે છે? આ યહોવાનાં વચન છે: જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટયું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.”‘
20 આહાબે એલિયાને કહ્યું, “ઓ માંરા દુશ્મન, તેં આખરે મને પકડી પાડયો!”એલિયાએ કહ્યું, “મેં તને પકડી પાડયો છે, કારણ, યહોવાની નજરમાં તેઁ ખોટું કર્યુ છેં.
21 હવે યહોવા કહે છે, ‘હું તારે માંથે આફત ઊતારીશ, હું તારા કુટુંબનો નાશ કરીશ. ઇસ્રાએલમાંના તારા એકેએક વંશજને ધરતીના પડ પરથી નાશ કરીશ.
22 મેં નાબોથના પુત્ર યરોબઆમ અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબોનો નાશ કર્યો છે, હું તેવું જ તારા કુટુંબ સાથે કરીશ. કારણ તેઁ ઇસ્રાએલના લોકો પાસે પાપ કરાવ્યા છે અને તેં માંરો રોષ વહોરી લીધો છે.’
23 “યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે.
24 આહાબનાં કુટુંબના જે માંણસો શહેરમાં મૃત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે. અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેને પંખીઓ ખાઈ જશે.”‘
25 આહાબ જેવું બીજું કોઈ નહોતું. દેવની દૃષ્ટિમાં જે પાપ હતું તે કરવા માંટે સંપૂર્ણ રીતે તે સમપિર્ત થઈ ગયો હતો, કેમકે તેની પત્ની ઈઝેબેલ સર્વ પ્રકારની દુષ્ટતા કરવા તેને ઉત્તેજન આપતી હતી.
26 જે રીતે અમોરીઓએ મૂર્તિઓની પૂજા કરી હતી તે રીતે આહાબે પણ કરી. જો કે ઇસ્રાએલીઓને જમીન આપવા માંટે યહોવાએ અમોરીઓને હાંકી કાઢયાં હતાં.
27 પ્રબોધકનાં વચનો સાંભળીને આહાબે પશ્ચાત્તાપથી કપડાં ફાડી નાખ્યાં. તેણે ઉપવાસ કર્યા અને શોકના કપડાં પહેર્યા, તેમાં સૂઇ ગયો અને ચૂપચાપ બધે ચાલતો રહ્યો.
28 એ સમય દરમ્યાન એલિયા જે તિશ્બેનો હતો તેને યહોવાની વાણી સંભળાઈ,
29 “આહાબ માંરી સમક્ષ નમ્ર બની ગયો છે તે તેં જોયું? તે આમ નમ્ર બન્યો છે એટલે હું એ જીવશે ત્યાં સુધી એના કુટુંબ પર આફત નહિ ઊતારું, પણ જ્યારે તેનો પુત્ર રાજા બનશે ત્યારે ઊતારીશ.”