ગણના
પ્રકરણ 11
લોકો પોતાની હાડમાંરીઓની ફરિયાદો યહોવા સમક્ષ કરવા લાગ્યા. યહોવા તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયો. યહોવાનો અગ્નિ છાવણીના છેવાડેના લોકો વચ્ચે ભડભડી ઊઠયો અને તેનો છેડો બળી ગયો.
2 લોકોએ મૂસાને સહાય માંટે પોકાર કરી, તેથી તેણે લોકો માંટે યહોવાને પ્રાર્થના કરી તેથી અગ્નિ શાંત થઈ ગયો.
3 ત્યારબાદ તે જગ્યાનો વિસ્તાર તાબએરાહ નામે પ્રચલિત થયો. કારણ, ત્યાં યહોવાનો અગ્નિ તે લોકોની વચ્ચે ભડભડી ઊઠયો હતો.
4 ઇસ્રાએલીઓ સાથેના કેટલાક લોકો સારું સારું ખાવાના લાલચુ હતા; તેઓને મિસરનો ખોરાક યાદ આવ્યો. ઇસ્રાએલીઓમાં પણ અસંતોષ વધતાં તેઓએ રોદણાં રડવા લાગ્યા. “અરે! અમને ખાવા માંટે માંસ કોણ આપશે?
5 મિસરમાં તો અમે મફતમાં મજાથી માંછલીઓ ખાતા હતા, ત્યાં તો કાકડી, તડબૂચ, ડુંગળી, પ્યાજ અને લસણ પણ મળતાં હતા!
6 અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.”
7 માંન્નાનું કદ ધણાના દાણા જેટલું હતું. તેનો રંગ પીળાશ પડતો ધોળો હતો.
8 લોકો ખેતરમાં ફરીને માંન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી લેતા અને લોટ બનાવીને તેને તપેલીમાં બાફીને તેની ભાખરી બનાવતા.
9 એનો સ્વાદ મોવણ નાખેલી ભાખરી જેવો લાગતો. રાતના સમયે છાવણી ઉપર ઝાકળ પડતું ત્યારે તેની સાથે માંન્ના પણ પડતું.
10 મૂસાએ બધા લોકોને પોતપોતાના તંબુના બારણા આગળ ઊભા રહીને રોદણાં રડતા સાંભળ્યા. યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠતા મૂસા પણ ભારે ચિંતામાં પડયો.
11 મૂસાએ યહોવાને કહ્યું, “તમે માંરી આવી ભૂંડી દશા શા માંટે કરી? તમને દ્વિધા થાય એવું મે શું કર્યુ છે? સમગ્ર ઇસ્રાએલી લોકોની જવાબદારી લેવા તમે મને કેમ પસંદ કર્યો?
12 શું હું તેઓનો પિતા છું? શું તે બધાં માંરાં બાળકો છે? તમે તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તમે, કોઈ ધાવણા બાળકને છાતીએ વળગાડીને લઈ જાય તેમ તેઓની સંભાળ રાખવાનું કાર્ય મને શા માંટે સૌપ્યું છે?
13 આ બધા લોકોને માંટે મને માંસ કયાંથી મળી શકે? તેઓ રૂદન કરીને મને કહે છે, “અમને માંસ આપો.’ પણ માંરે આ લોકો માંટે માંસ લાવવું કયાંથી?
14 હવે હું એકલો આ સમગ્ર પ્રજાનો ભાર સહન કરવા અસમર્થ છું.
15 જો માંરી પાસેથી તમે આ બધું કામ કરાવવા માંગતા હો, તો કૃપા કરીને હમણા જ મને માંરી નાખો; તમે માંરા ઉપર ભલાઈ કરતા હો, તો મને આગળ પણ દુઃખ ન જોવા દેતા.”
16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના સિત્તેર વડીલોને માંરી સમક્ષ મુલાકાત મંડપ આગળ લઈ આવ જેઓને વિષે તને ખાતરી હોય, અને ત્યાં તારી સાથે ઊભા રહેવાનું તેઓને કહે.
17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”
18 યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોને આ પ્રમાંણે કહે; દેહ શુદ્ધ કરી આવતીકાલને માંટે તૈયાર થાઓ, તમને માંસ ખાવા મળશે, તેઓને એ પણ કહે કે, યહોવાએ તમને રડતાં અને ફરિયાદ કરતાં સાભળ્યાં છે કે, ‘અમને માંસ કોણ આપશે? અમે મિસરમાં જ સારા હતાં! તે તમને માંસ આપશે, ને તમે તે જમશો.
19 એક દિવસ કે બે દિવસ નહિ, પાંચ, દશ કે વીસ દિવસ નહિ,
20 પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.”‘
21 મૂસાએ કહ્યું, “અત્યારે અહીં માંરી સાથે 6,00,000 પુરુષો કૂચ કરી રહ્યા છે, ‘અને તમે એમને એક આખા મહિના સુધી માંસ આપવાનું વચન આપો છો?’
22 અરે! અમે અમાંરાં બધાં જ ઘેટાં બકરાં તથા ઢોરઢાંખર કાપીએ, તો પણ તેમાંથી આટલું બધું માંસ મળી શકે નહિ. દરિયાની બધી માંછલીઓ પકડીએ તો પણ તે પૂરી પડે નહિ.”
23 યહોવાએ મૂસાને કહ્યું, “માંરી શક્તિ તો અમર્યાદિત છે, તૂં હમણાં જ જોશે કે, માંરું વચન સાચું સાબિત થાય છે કે નહિ.”
24 પછી મૂસાએ બહાર આવીને યહોવાએ જે કહ્યું હતું તે લોકોને કહી સંભળાવ્યું. તેણે લોકોમાંથી સિત્તેર વડીલો પસંદ કરીને ભેગા કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા.
25 ત્યારબાદ યહોવા વાદળમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે વાત કરી, પછી તેમણે મૂસાને જે આત્માં આપ્યો હતો તે લઈ અને તે સિત્તેર વડીલોને આપ્યો એટલે તેઓનામાં આત્માંનો સંચાર થયો. એટલે થોડા સમય સુધી પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ.
26 પરંતુ સિત્તેર પસંદગી પામેલા વડીલોમાંથી બે એલ્દાદ અને મેદાદ હજુ છાવણીમાં જ હતા, તેઓ તંબુ આગળ ગયા નહોતા તેમ છતાં તેઓનામાં પણ આત્માંનો સંચાર થયો જેણે તેમને પ્રબોધ કરાવ્યો.
27 એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કરી રહ્યા છે.”
28 નૂનના પુત્ર યહોશુઆ, જે નાનો હતો ત્યારથી મૂસાની સેવામાં રહ્યો હતો, તેણે વિરોધ દર્શાવતાં કહ્યું, “માંરા ધણી, મૂસા, મહેરબાની કરી તેમને રોકો.”
29 પણ મૂસાએ પ્રત્યુત્તર આપ્યો, “શું તને માંર પ્રતિષ્ઠાની ચિંતા છે? હું તો ઈચ્છું છું કે યહોવાના બધા લોકો પ્રબોધકો થાય યહોવા સૌને આત્માં આપે.”
30 ત્યારબાદ મૂસા તથા સિત્તેર આગેવાનો છાવણીમાં પાછા ગયા.
31 એના પછી તરત યહોવાએ પવનને મોકલ્યો, અને તે દરિયામાંથી તેની સાથે લાવરીઓને ઉપાડી લાવ્યો. લાવરીઓ છાવણીમાં તથા તેની આસપાસ ઘસડાઈને પડવા લાગી. તેઓએ જમીનને ત્રણ ફુટ ઉડી ઢાંકી દીધી. માંણસ એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલાં અંતરમાં દરેક દિશામાં લાવરીઓ ફેલાયલી હતી.
32 તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને પછીનો આખો દિવસ લાવરીઓ ભેગી કરી. કોઈ પણ વ્યક્તિએ દશ હોમેરથી ઓછી લાવરીઓ ભેગી કરી ન્હોતી. તેઓએ તેને છાવણીની ફરતા સુકાવા માંટે ફેલાવી દીધી.
33 પણ હજું માંસ તેમના દાંત વચ્ચે જ હતું. તેમણે ચાવ્યું પણ નહોતું ત્યાં તો તેમના ઉપર યહોવાનો રોષ ભભૂકી ઊઠયો; છાવણીમાં ભયંકર રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. મરકીમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા.
34 તેથી તેમણે એ જગ્યાનું નામ ‘કિબ્રોથ-હાત્તાવાહ’ એટલે કે લાલચુઓની કબરો પાડયું. કારણ કે ત્યાં લોકોએ માંસની અને મિસરની લાલસા કરનારાઓને દફનાવ્યા હતા.
35 ત્યારબાદ તે લોકોએ તે સ્થળનો ત્યાગ કર્યો અને યાત્રા કરીને હસેરોથ આવ્યા, અને ત્યાં તેઓએ થોડા સમય માંટે મુકામ કર્યો.